બિસ્લેરીનું સેમ્પલ ફરીથી ફેઈલ, આ વખતે કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા
બિસ્લેરીના પાણીના સેમ્પલ ફરી ફેલ, હવે બેક્ટેરિયા મળતા FSSAIએ બીજીવાર કેસની મંજૂરી આપી, અગાઉ ગોવામાં કેન્સરકારક કેમિકલ મળ્યા હતા.
પાણીના સેમ્પલ ફેઈલ જવાને લઈને બિસ્લેરી છેલ્લા ઘણા દિવસોથી
વિવાદ અને કાયદાકીય પ્રક્રિયાઓનો સામનો કરી રહ્યુ છે. ગોવામાં ફેક્ટરીમાં કેન્સર
સાથે સંકળાયેલ તત્વ જરૂરિયાત કરતા વધારે માત્રામાં મળી આવ્યુ હતુ તો હવે ફરીથી
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના સેમ્પલમાં વિવાદ સામે આવ્યો છે. જલપાઈગુડીમાં
બિસ્લેરીના પાણીના સેમ્પલમાં કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા છે, જેના કારણે હવે FSSAI એ બીજી વખત બિસ્લેરી સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી
છે.
FSSAI ના જણાવ્યા
પ્રમાણે સેમ્પલની પ્રાથમિક અને રેફરલ બંને લેબમાં પુષ્ટિ કરવામાં આવી છે.
કોલિફોર્મ બેક્ટેરિયા ગટરના પાણી દ્વારા અથવા ગંદી પાઈપ દ્વારા પીવાના પાણીમાં
પહોંચી શકે છે. ગોવામાં પહેલા બિસ્લેરીના સેમ્પલમાં કેન્સર સાથે સંકળાયેલા રસાયણ
બ્રોમેટ જરૂરિયાત કરતા વધુ માત્રામાં મળી આવ્યુ હતુ, સાથે જ પોલિન્યુક્લિયર
એરોમેટિક હાઈડ્રોકાર્બન પણ મળી આવ્યા હતા, ત્યારે પણ કંપની સામે કેસ ચલાવવાની
મંજૂરી આપવામાં આવી હતી.
પેકેજ્ડ વોટર માટે FSSAI દ્વારા કયુ તત્વ કેટલી માત્રામાં હોવુ જોઈએ તેને લઈને
માહિતી પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં બ્રોમેટ, સીસુ અને આર્સેનિક 0.01 mg/l ની માત્રામાં હોવુ જોઈએ, જ્યારે PAHs અને સાયનાઈડનું
બિલકુલ પ્રમાણ હોવુ જોઈએ નહી. FSSAI એ બિસ્લેરીનું
સેમ્પલ જલપાઈગુડીમાંથી બેચ નંબર PB201 માંથી લીધુ
હતુ. જેનું ઉત્પાદન 20 જૂલાઈ 2026 ના રોજ થયુ હતુ અને એક્સપાયરી 19 જાન્યુઆરી 2027
હતી. બે લેબોરેટરીમાં બેક્ટેરિયાની પુષ્ટિ થયા બાદ 12 ઓગસ્ટ 2026 ના રોજ આ બેચના
વેચાણ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બિસ્લેરીની માત્ર એક બેચ PB201 સામે કરવામાં આવી છે.
FSSAIના CEO રજિત પુનહાનીએ જણાવ્યું કે દેશભરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ
વોટરના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે. તેમની તપાસ આગામી એકથી બે મહિનામાં પૂર્ણ
થવાની આશા છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહીનો હેતુ કંપનીઓ પાસે નિયમોનું પાલન
કરાવવાનો છે, લોકોમાં ભય ફેલાવવાનો નહીં.
FSSAIએ તમામ રાજ્યોના ખાદ્ય
સુરક્ષા અધિકારીઓને પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરની તપાસ વધારવાના નિર્દેશ
આપ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું
છે.
બિસલેરીએ પોતાના પાણીને પીવા માટે સલામત ગણાવ્યું છે.
કંપનીએ કહ્યું કે તે FSSAIની તપાસમાં
સંપૂર્ણ સહયોગ કરશે. કંપનીના જણાવ્યા મુજબ, પાણી તૈયાર
કરતી વખતે 10 તબક્કામાં 90થી વધુ વખત તેની ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે. બિસલેરીએ
કહ્યું કે પાણીની સુરક્ષા તેની પ્રથમ પ્રાથમિકતા છે.