આજથી બંધ થશે બદ્રીવિશાલના દર્શન, આ વખતે રેકોર્ડ બ્રેક 23 લાખ લોકોએ દર્શન કર્યા
ચારધામ યાત્રાનું સમાપન, ભગવાન બદ્રીવિશાલની પૂજા-અર્ચના કર્યા બાદ દર્શન બંધ થશે, અંતિમ દર્શન માટે બદરીનાથમાં હજારોની ભીડ ઉમટી, આ વર્ષે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન.
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા બદરીનાથ ધામના કપાટ આજે રાતે
બંધ થશે. આજે રાતે આ વર્ષના અંતિમ દર્શન થશે બદરીનાથ ધામમાં. રાતે 9 વાગ્યે અને 37
મિનિટે બંધ થશે કપાટ. કર્ક લગ્નમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક પરંપરાઓ અને
વિધિ સાથે મંદિરના કપાટ બંધ થશે. આ સાથે જ ચારધામ યાત્રાનું સમાપન થશે. આ વર્ષે
બદરીનાથ ધામમાં શ્રદ્ધાળુઓના ધસારાનો નવો રેકોર્ડ સર્જાયો છે. અત્યાર સુધીમાં 23
લાખ 39 હજાર 772 શ્રદ્ધાળુઓએ બદરીનાથ ધામમાં દર્શન કર્યા છે. ભગવાન બદ્રીવિશાલના
દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
આ વર્ષની યાત્રા દરમિયાન 88 લોકોના મોત પણ થયા છે, તેમાંથી
87 લોકોનું મોત તબિયત ખરાબ થવાના કારણે થયુ છે. એકનું મૃત્યુ કુદરતી આફતમાં થયુ
હતુ. કપાટ બંધ થયા બાદ ભગવાન બદ્રીવિશાલની શિયાળુ પૂજા પાંડુકેશ્વર અને
જ્યોતિર્મઠમાં નિર્ધારિત પરંપરાઓ અનુસાર કરવામાં આવશે. કપાટ બંધ થવાની પ્રક્રિયા માત્ર મંદિરના દરવાજા બંધ થવા
પૂરતી જ નહિ, પરંતુ પાંચ દિવસ સુધી પંચપૂજા કરવામાં આવે છે. અંતિમ દિવસે માતા
લક્ષ્મીને ગર્ભગૃહમાં ભગવાન બદ્રીવિશાલ સાથે બિરાજમાન કરવામાં આવે છે. ભગવાનને
માણા ગામની પરંપરા મુજબ તૈયાર કરેલુ ધૃત કંબલ એટલે કે ખાસ ધાબળો ઓઢાડવામાં આવે છે.
પછી વિશેષ પૂજા અને મંત્રોચ્ચાર સાથે કપાટ બંધ કરવામાં આવે છે.
ભગવાનને ઓઢાડવામાં આવનાર ધૃત કંબલ ચમોલીના સરહદી ગામ માણાની
મહિલાઓ અને કુંવારી કન્યાઓ તૈયાર કરે છે. પંરપરા અનુસાર પાંચ કન્યાઓ ઘેટાના
ઉનમાંથી કંબલ વણે છે. તેને તૈયાર કરતી વખતે મહિલાઓ અને કન્યાઓ ઉપવાસ રાખે છે. કપાટ
બંધ થતા પહેલા મુખ્ય પૂજારી આ કંબલ પર પહાડી ગાયના દૂધમાંથી બનેલા શુદ્ધ ઘી અને
કેસરનો લેપ લગાવે છે. ત્યારબાદ ભગવાન બદ્રીવિશાલને આ કંબલ ઓઢાડવામાં આવે છે.
માન્યતા એવી પણ છે કે ભગવાન સતત 6 માસ સુધી આ કંબલ ધારણ કરીને રહે છે. કપાટ
ખુલવાના દિવસે તેને શ્રદ્ધાળુઓમાં મહાપ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે.
જ્યોતિર્મઠના નરસિંહ મંદિરમાં ગાદીની પૂજા-અર્ચના કરવામાં આવશે
કપાટ બંધ થાય તે પહેલાં મંદિરમાં તમામ દેવી-દેવતાઓની આરતી
કરવામાં આવશે. પરંપરા અનુસાર ભગવાન ઉદ્ધવ, દેવતાઓના
ખજાનચી કુબેર અને ભગવાનના વાહન ગરુડની ઉત્સવ પાલખીઓને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં
આવશે. તેમની સાથે આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી પણ શિયાળુ પ્રવાસ માટે રવાના થશે. કપાટ
બંધ થવાના બીજા દિવસે, 17 નવેમ્બરે ભગવાન
ઉદ્ધવ અને કુબેરજીની ડોલીઓ પાંડુકેશ્વર સ્થિત યોગધ્યાન બદરી મંદિરે પહોંચશે. અહીં
બંનેના વિગ્રહો સ્થાપિત કરવામાં આવશે. શિયાળાના છ મહિના સુધી અહીં તેમની
પૂજા-અર્ચના થશે. ભગવાન ગરુડની પાલખી જ્યોતિર્મઠ સ્થિત નરસિંહ મંદિરમાં જવા માટે
રવાના થશે. તેમજ, આદિ ગુરુ
શંકરાચાર્યની ગાદી 17 નવેમ્બરે
યોગધ્યાન બદરી મંદિરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 18 નવેમ્બરે ગાદી જ્યોતિર્મઠ પહોંચશે અને નરસિંહ મંદિરમાં
બિરાજમાન થશે. અહીં શિયાળામાં ભગવાન બદ્રીવિશાલની પૂજા-અર્ચના કરવામાં આવશે.