SIT નો ચોંકાવનારો રિપોર્ટ: બદ્રીનાથ મંદિરમાં પણ દાનપેટી સુરક્ષિત નહી
અયોધ્યા બાદ બદ્રીનાથ ધામ આવ્યુ વિવાદમાં, હાલ કોઈ સામે ફરિયાદ નહી, SIT એ તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યો, ઉત્તર ભારતના કેટલાય મંદિરોમાં તપાસ કરવામાં આવી
અયોધ્યાના રામ મંદિરમાં દાનપેટીનો વિવાદ સામે આવ્યા બાદ હવે
બદ્રીનાથ મંદિરનો દાનપેટી વિવાદ સામે આવ્યો છે. જે પછી તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. જેનો 300 પેજનો રિપોર્ટ સામે આવ્યો
છે. 300 પેજના આ રિપોર્ટમાં બદ્રીનાથ ઉપરાંત અન્ય કેટલાક મંદિરોની દાનપેટી
સુરક્ષિત ન હોવાનો દાવો પણ SIT દ્વારા કરવામાં
આવ્યો છે. SIT એ મંદિરના સંચાલનમાં પણ
કેટલીક ખામીઓ પર ધ્યાન દોર્યુ છે અને સુધાર-વધારા કરવા અંગે ભલામણ કરી છે. બદ્રીનાથ
ધામમાં દાનપેટી સુરક્ષિત ન હોવાનું ફલિત થયુ છે.
જૂલાઈમાં થાળ-ભેટનો વિવાદ બાદ SIT ની રચના થઈ હતી
બદ્રીનાથ ધામમાં આ વર્ષે જ જૂલાઈ માસમાં પ્રસાદ એટલે કે થાળ
ભેટમાં પણ હેરફેરનો મુદ્દો ઉછળ્યો હતો, જે બાદ SIT ની રચના
કરવામાં આવી હતી. પોલીસ પણ આ જ મુદ્દે તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાક્રમને લઈને બે
કર્મચારીઓ પ્રમોદ નોટિયાલ અને રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. SIT એ માત્ર બદ્રીનાથ મંદિર જ નહી, ઉત્તર ભારતના અન્ય મંદિરોમાં
પણ તપાસ કરી હતી, જેનો રિપોર્ટ ઉત્તરાખંડ સરકારને સોંપ્યો છે.
બદ્રીનાથ ધામમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવી
SIT ની આગેવાની ગરવાલ ડિવિઝનલ
કમિશનર આનંદ સ્વરૂપને સોંપવામાં આવી હતી, તેમણે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અમે SITનો તપાસ રિપોર્ટ
રાજ્ય સરકારને સોંપ્યો છે, દેશના અનેક ધાર્મિક
સ્થળોનો અભ્યાસ કર્યા બાદ અમે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં કેટલાક સુધારા
કરવાની ભલામણ કરવામાં આવી છે. બદ્રીનાથ ધામમાં મંદિર કમિટી સાથે જોડાયેલા સ્ટાફ,
અધિકારીઓ સહિત 20 જેટલાની SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી,સાથે જ CCTV પણ તપાસ્યા હતા.
બદ્રીનાથ મંદિરમાં
ઘણી ખામીઓ સામે આવી
SITએ બદ્રીનાથ ધામમાં દાન ચોરી થયાની વાત નકારી
નથી પરંતુ ઘણી ખામીઓ સામે લાવી છે. અને એવી સલાહ આપી છે કે મંદિરમાં દાનમાં આવતા
ઘરેણા, રોકડા રૂપિયા વગેરેની ગણતરી જે જગ્યાએ કરવામાં
આવતી હોય ત્યાં કાચના ગ્લાસ લગાવવામાં આવે અને જગ્યાને ખુલ્લી રાખવામાં આવે કે
જેથી આસપાસ તમામ લોકો જોઇ શકે.
SIT એ દાનપેટી અને ગણતરીને લઈને કરી ભલામણો
દાનની ગણતરી માટેના
રૂમમાં તમામ ખુણે ઉચ્ચ ક્વોલિટીના CCTV કેમેરા લગાવવામાં
આવે, બનાવટી નોટો પકડવા માટે મશીન લગાવવામાં આવે.
બદ્રીનાથ મંદિરમાં આવેલા દાનની ગણતરી સમયે ગેરરિતી થઇ હોવાનો મુદ્દો સોશિયલ મીડિયા
પર ચર્ચામાં આવ્યો હતો જે બાદ ત્રણ સભ્યોની SIT રચાઇ હતી. આ SITએ દાનમાં ગેરરિતી થઇ હોવાની વાત કબુલી હોવાના
અહેવાલો છે. એવા અહેવાલો છે કે એસઆઇટીને કેટલાક મંદિરોની સુરક્ષા વ્યવસ્થા મજબુત
લાગી હતી તેથી આવા મંદિરોને અન્ય મંદિરોએ પણ અનુસરવા જોઇએ તેવી ભલામણ પણ કરવામાં
આવી છે.