બાંગ્લાદેશમાં ફરીથી ભડકી હિંસા, ઢાકા એરપોર્ટ પાસે બોમ્બ વિસ્ફોટ
શેખ હસીનાના પરત ફરવાના પ્રસ્તાવ બાદ હિંસાત્મક પ્રદર્શનો, ગોપાલગંજ બાદ ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, ત્રણ રાહદારીઓ થયા ઘાયલ, દેશભરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો
પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પરત ફરવાના પ્રસ્તાવ વચ્ચે
બાંગ્લાદેશમાં ગોપાલગંજ બાદ ઢાકામાં પણ હિંસા ફાટી નીકળી છે. ડિસેમ્બરમાં શેખ
હસીના બાંગ્લાદેશમાં પરત ફરે તેવી અટકળો ચાલી રહી છે, જેના કારણે દેશમાં
અસ્થિરતાનો માહોલ સર્જાયો છે. રાજધાની ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
નજીક બોમ્બ વિસ્ફોટ થતા અફરા-તફરી મચી ગઈ છે. આ ઘટનામાં કોઈના મોત થયા નથી, ત્રણ
રાહદારીઓ સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે.
બાંગ્લાદેશ પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રથમ બોમ્બ વિસ્ફોટ
એરપોર્ટના ગેટ બહાર થયો હતો અને બીજો વિસ્ફોટ જસીમુદ્દીન વિસ્તારના ફ્લાયઓવર નજીક
થયો હતો. જ્યાં અજાણ્યા શખ્સોએ ફ્લાયઓવર પરથી બોમ્બ ફેંક્યા હતા. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી કમરુલ ઈસ્લામ
તાલુકદારે અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય આચરાયું હોવાનું જણાવ્યું છે. જોકે,
આ ધડાકાઓને શેખ હસીનાની વાપસી સાથે સીધો સંબંધ
છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના બાદ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં
સુરક્ષા બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે.
શેખ હસીનાના સંભવિત
આગમનના સમાચાર વચ્ચે બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં ટ્રેનો, બસો અને બેંકોને નિશાન બનાવી તોડફોડ અને આગચંપી કરવામાં આવી
રહી છે. પોલીસે આ હિંસા માટે પ્રતિબંધિત પક્ષ અવામી લીગના કાર્યકરોને જવાબદાર
ઠેરવ્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ મહાનિર્દેશક મોહમ્મદ અલી હુસૈન ફકીરે
દેશના તમામ 64 જિલ્લાના પોલીસ વડાઓને તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ
આપ્યા છે. બંગાળી અખબાર પ્રથમ આલોના જણાવ્યા મુજબ, સમગ્ર દેશમાં ગુપ્તચર દેખરેખ પણ વધારી દેવામાં આવી છે.
શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં 10 નવેમ્બરથી સતત અથડામણ અને પોલીસ વાહનો સળગાવવાની ઘટનાઓ બની
રહી છે. આ સંવેદનશીલ પરિસ્થિતિને જોતા ગોપાલગંજમાં અંદાજે 2,000 પોલીસકર્મીઓ, બોર્ડર ગાર્ડ
બાંગ્લાદેશ (BGB) ની 10 ટુકડીઓ અને સ્પેશિયલ રિસ્પોન્સ બટાલિયન (SRB) ના જવાનો તૈનાત કરાયા છે. ઢાકા રેન્જના ડીઆઈજી મોહમ્મદ
મુસ્તફિઝુર રહેમાને જણાવ્યું હતું કે પદ્મા બ્રિજ, હાઈવે અને
શહેરી માર્ગો પર સુરક્ષા વધારી દેવાઈ છે.
79 વર્ષીય શેખ
હસીનાએ ગયા અઠવાડિયે નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનને ઈમેલ કરીને નવા
પાસપોર્ટ અને નેશનલ આઈડેન્ટિટી કાર્ડ માટે અરજી કરી હતી, જેને તેમની વાપસીની
તૈયારી માનવામાં આવે છે. ઓગસ્ટ 2024 ના વિદ્યાર્થી આંદોલન બાદ ભારત આવેલા હસીનાને
બાંગ્લાદેશની એક વિશેષ ટ્રિબ્યુનલે તેમની ગેરહાજરીમાં મોતની સજા સંભળાવી છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમને ભાગેડુ ગણાવી કોઈ પણ પ્રવાસ દસ્તાવેજ આપવાનો
ઈનકાર કર્યો છે. બીજી તરફ, ભારતે હસીનાના પ્રત્યર્પણ અંગે બાંગ્લાદેશની
વિનંતી મળી હોવાની પુષ્ટિ કરી છે અને નિયમાનુસાર તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું
છે.
રાજકીય અશાંતિની સાથે બાંગ્લાદેશમાં ઔદ્યોગિક અસંતોષ પણ
જોવા મળી રહ્યો છે. ઢાકાના મીરપુર વિસ્તારમાં ગારમેન્ટ ફેક્ટરીના કામદારો લઘુત્તમ
વેતન વધારીને 30,000 ટકા કરવાની
માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. દેખાવકારોએ રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ પર નિયંત્રણ
મેળવી લીધું હતું.