શેખ હસીના બાંગ્લાદેશમાં પરત ફરવા મકક્મ, જનતા ઈચ્છે સત્તા પણ સંભાળશે
પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના કોઈ પણ ભોગે બાંગ્લાદેશ જવા માટે મક્કમ, મૃત્યુદંડનો પણ ભય નહી, જનતા ઈચ્છે તો સત્તા સંભાળવાની પણ દાખવી તૈયારી
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યુ હતુ કે
જો બાંગ્લાદેશની જનતા ઈચ્છે તો તેઓ ફરી એક વખત બાંગ્લાદેશની સત્તા સંભાળવા તૈયાર
છે. તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માટે મક્કમ છે, તેમને ધરપકડ કે
મૃત્યુદંડનો પણ ભય નથી તેમ પણ જણાવ્યુ હતુ. ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં શેખ હસીનાની
સરકાર પડી ભાંગી હતી, ત્યારબાદથી તેઓ ભારતમાં છે. પાકિસ્તાન પ્રેરિત વિદ્યાર્થી
આંદોલન વ્યાપક બની જતા શેખ હસીનાએ સત્તા ગુમાવી પડી હતી. હવે તેઓ ડિસેમ્બરમાં પરત બાંગ્લાદેશ
જવા માટે ઈચ્છે છે. તેથી જ રાજકીય વર્તુળો અને વિશેષજ્ઞો ડિસેમ્બરમાં મોટી ઉથલ-પાથલની
શક્યતા દર્શાવી ચૂક્યા છે.
ભારત પાસે તારિક રહેમાનની સરકારે અગાઉ કરી હતી પ્રત્યાર્પણની માંગ
બાંગ્લાદેશની તારિક રહેમાનની સરકારે ઘણી વખત શેખ હસીનાના
પ્રત્યાર્પણ વિશે માંગ કરી હતી, ભારતે પણ પ્રત્યાર્પણની માંગ મળ્યાની પુષ્ટિ કરી
છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ મામલાની તપાસ નિર્ધારિત કાનૂની પ્રક્રિયા
હેઠળ કરવામાં આવી રહી છે. તે અંગે શેખ
હસીનાએ જણાવ્યુ છે કે ભારત એક સ્વતંત્ર દેશ છે. સરકાર પોતાના કાયદા અને પ્રક્રિયા
મુજબ નિર્ણય કરશે. મને આશા છે કે મારો મામલો બંને દેશોના સંબંધોમાં અડચણ નહીં બને. બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ વધુમાં
જણાવ્યુ છે કે પરત ફરતા જ તેમની ધરપકડ થઈ શકે છે તેની અગાઉથી જ જાણ છે તેમ છતાં
મૃત્યુદંડ કે અન્ય કોઈ સજામાંથી પીછેહઠ કરવાનો કોઈ ઈરાદો નથી. 1981માં પણ હું સૈન્ય શાસન છતાં બાંગ્લાદેશ પરત ફરી હતી. 2007માં ધરપકડના જોખમથી વાકેફ હોવા છતાં પાછી આવી હતી. આજે મારા
દેશના લોકો મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં હું તેમનાથી દૂર રહી શકતી નથી. હું મારા
લોકોની વચ્ચે રહેવા માગું છું, ભલે તેના માટે
મારે મારો જીવ જ કેમ ન ગુમાવવો પડે.
વિદ્યાર્થી આંદોલનો દરમિયાન થયેલી હિંસામાં મૃત્યુ પણ થયા
છે, જેના માટે શેખ હસીનાને જવાબદાર માનવામાં આવી રહ્યા છે અને તે અંગે શેખ હસીનાને
ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી હતી. આ અંગે તેમણે જણાવ્યુ છે કે ક્યારેય કોઈ નિર્દોશને
મારવાનો તેમણે આદેશ આપ્યો નથી. PM તરીકે હંમેશા
તેમનો એવો જ પ્રયાસ રહ્યો છે કે લોકોના જીવ બચે.
નોકરીની માંગ સાથે શરૂ થયુ હતુ આંદોલન
હકીકતમાં, બાંગ્લાદેશમાં 2024માં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થી આંદોલન
શરૂ થયું હતું. ત્યાં સરકારી નોકરીઓમાં 1971ના મુક્તિ
સંગ્રામમાં લડનારા લોકોના પરિવારો માટે 30% સુધીની બેઠકો
અનામત હતી. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે તેના કારણે સામાન્ય યુવાનો માટે સરકારી
નોકરી મેળવવાની તકો ઘટી રહી હતી. તેઓ ઇચ્છતા હતા કે ભરતીમાં પરીક્ષા અને યોગ્યતાના
આધારે વધુ નોકરીઓ આપવામાં આવે. આ જ માંગને લઈને શરૂ થયેલું આંદોલન ધીમે-ધીમે સરકાર
વિરુદ્ધના પ્રદર્શનમાં ફેરવાઈ ગયું. સરકારની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લોકો
માર્યા ગયા. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, જુલાઈ અને
ઑગસ્ટ 2024 દરમિયાન આશરે 1,400 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
અહેવાલોની માનીએ તો, શેખ હસીના પરત ફરે તે સમયે જ તેઓને
બંદીવાન બનાવી દેવામાં આવે તેમ છે. તો તેમના લાખો સમર્થકો અને પ્રતિબંધિત અવામી
લીગના સદસ્યો દેશના વિવિધ ભાગોમાં વિરોધ વંટોળ ફેલાવી તોફાનો કરાવી શકે છે. માર્ગો
પર ઉતરી સરઘસો કાઢે તેવી પણ શક્યતાઓ છે. પરિસ્થિતિ કદાચ હાથ બહાર જતી રહે અને
દેશમાં ફરીથી અશાંતિ સ્થાપિત થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ
નિષ્ણાંતો વ્યક્ત કરી ચૂક્યા છે.