બાંગ્લાદેશમાં હિંસક સ્થિતિ: નેતાઓના-કાર્યકર્તાઓની મિલકત નષ્ટ કરી દીધી
શેખ હસીનાના વતન વાપસીના અહેવાલો બાદ ભડકી હિંસા, મહમ્મદ યુનુસના ઘર બાદ અવામી લીગના અનેક નેતાઓના ઘર અને મિલકત સળગાવ્યા, વડાપ્રધાન તારીક રહેમાનની વધી રહી છે મુશ્કેલીઓ, ડિસેમ્બરમાં શેખ હસીના બાંગ્લાદેશમાં પરત ફરે તેવી શક્યતા
શેખ હસીનાની પરત ફરવાની અટકળો વચ્ચે બાંગ્લાદેશ ભડકે બળ્યુ
છે. અવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓની મિલકતને સતત નુકસાન કરવામાં આવી રહ્યુ
છે. તેમના ઘર અને દુકાનોને આગચંપી અને તોડફોડ, લૂંટફાટ મચાવવામાં આવી છે, રાજકીય
હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે, દેશના નરૈલ જિલ્લાના કાલિયા ઉપજિલ્લા સ્થિત
બેન્દારચર ગામમાં સૌથી વધુ નુકસાન કરવામાં આવ્યુ છે. 30 થી વધુ મકાનો અને મિલકતને
નુકસાન પહોચાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
બેન્દાચર ગામમાં દુકાનોમાં આગ લગાવવામાં આવી
છેલ્લા કેટલાય દિવસોથી ભડકેલી હિંસા અટકવાનું નામ નથી લઈ
રહી, શેખ હસીનાના ડિસેમ્બરમાં પરત ફરવાના પ્રસ્તાવ બાદ હિંસક ઘટનાક્રમ શરૂ થયો છે,
બેન્દારચર ગામ ઉપરાંત બરદિયા બજાર વિસ્તારમાં પણ ઘણી દુકાનોમાં આગ લગાડવામાં આવી
હતી. આ હુમલાઓમાં અવામી લીગના પૂર્વ સાંસદ બી.એમ. કબીરુલ હક મુક્તિનું પૈતૃક
નિવાસસ્થાન, કાલિયા નગરપાલિકાના પૂર્વ
મેયર મુશફિકુર રહેમાન લિટન અને સ્થાનિક પાર્ટી મહાસચિવ કૃષ્ણપદ ઘોષના ઘરોને પણ
નિશાન બનાવીને આગને હવાલે કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં 25
થી વધુ પરિવારોના ઘર તબાહ થઈ ગયા હતા અને તેમને રોડ પર રહેવુ પડે તેવી સ્થિતિ
સર્જાઈ હતી.
અવામી લીગના સભ્યો દ્વારા સરઘસ પર હુમલાના આરોપ
અવામી લીગના સભ્યો દ્વારા કથિત હિંસાના વિરોધમાં કાલિયા
ખાતે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)
દ્વારા એક સરઘસ
કાઢવામાં આવ્યું હતું. આ સરઘસ પર થયેલા હુમલામાં BNPના બે સ્થાનિક
નેતાઓના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. BNPના નેતાઓ અને કાર્યકરોએ આ હત્યાઓ માટે અવામી લીગના સભ્યોને
જવાબદાર ઠેરવ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોના સંબંધીઓ અને સમર્થકોએ અન્ય લોકો સાથે મળીને
હત્યામાં સામેલ હોવાની શંકા ધરાવતા અવામી લીગના કાર્યકરોના ઘરો પર વળતો હુમલો
કર્યો હતો.
અવામી લીગનો નરૈલમાં સુનિયોજિત ષડયંત્રનો આરોપ
અવામી લીગે આરોપ લગાવ્યો છે કે નરૈલમાં તેમના નેતાઓ, કાર્યકરો અને પરિવારોના 200 થી વધુ ઘરોને
સુનિયોજિત ષડયંત્ર હેઠળ નિશાન બનાવવામાં આવ્યા છે. પાર્ટીના જણાવ્યા મુજબ, સૂર્યાસ્ત બાદ હુમલાખોરોના ટોળા ગામમાં ઘૂસ્યા હતા અને
અવામી લીગ સાથે જોડાયેલા ઘરોની ઓળખ કરીને ફર્નિચર, રોકડ, દાગીના અને પશુધન લૂંટી લીધા બાદ ઘરો પર પેટ્રોલ છાંટીને આગ
લગાવી દીધી હતી. કેટલીક મિલકતોને બુલડોઝરથી તોડી પાડવામાં આવી હોવાનો પણ દાવો
કરાયો છે.
તારીક રહેમાનની સરકાર ભીંસમાં
બાંગ્લાદેશમાં હાલ તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની BNP સરકાર સત્તામાં છે અને અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં
આવ્યો છે. તાજેતરમાં જ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ડિસેમ્બર 2026 માં ભારતથી બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી. જોકે, વર્તમાન સરકારે તેમના નવા પાસપોર્ટ અને ઓળખપત્રની અરજી
ફગાવી દીધી હતી. આ નિર્ણય બાદ અવામી લીગના સમર્થકોએ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ
પ્રદર્શન શરૂ કર્યા હતા, જેના કારણે
છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ જિલ્લાઓમાં બંને પક્ષો વચ્ચે લોહિયાળ સંઘર્ષ
અને આગજનીની ઘટનાઓ સતત વધી રહી છે.