બાંગ્લાદેશમાં પ્રદર્શકો બેફામ, મહમ્મદ યુનુસના નિવાસસ્થાનમાં આગચંપી કરી
શેખ હસીનાની વતન વાપસી બાદ બાંગ્લાદેશમાં અરાજકતા, ઠેર-ઠેર હિંસા-આગજનીના બનાવો, ગોપાલગંજ અને ઢાકા સહિત કેટલાય જિલ્લાઓમાં હિંસક પ્રદર્શનો
શેખ હસીનાના પરત ફરવાના પ્રસ્તાવ બાદ જ બાંગ્લાદેશમાં
અસ્થિરતાનું વાતાવરણ બની ગયુ છે. ઠેર-ઠેર હિંસાના બનાવો સામે આવી રહ્યા છે.
ગોપાલગંજ અને ઢાકા બાદ હવે મહમ્મદ યુનુસને નિશાન બનાવવામાં આવ્યા છે. રાજનીતિક
અસ્થિરતા વચ્ચે 28 જિલ્લાઓમાં હિંસા ભડકી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની
પ્રતિબંધિત પાર્ટી અવામી લીગ દ્વારા જાહેર કરાયેલા 'લૉકડાઉન' પૂર્વે દેશભરમાં ભારે બબાલ મચી ગઈ છે. રાજધાની ઢાકા સહિત
દેશના અનેક ભાગોમાં દેશી બોમ્બના ધડાકા અને તોડફોડના બનાવો સામે આવ્યા છે.
મહમ્મદ યુનુસના પૈતૃક નિવાસસ્થાનને આગચંપી કરી
છેલ્લા કેટલાય દિવસોથી બદમાશ ઉપદ્રવીઓ દ્વારા ઠેર-ઠેર હિંસક
વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ચટગાંવમાં વચગાળાની સરકારના પૂર્વ વડા
મહમ્મદ યુનુસના પૈતૃક ઘરને આગ લગાવી દેવાની ઘટના સામે આવી છે. મહમ્મદ યુનુસના
પૈતૃક નિવાસસ્થાનને આગ લગાવીને પણ શાંતિથી ઝંપ્યા ન હતા ઉપદ્રવીઓ. સિલહટ, રાજશાહી,
બારીસાલ અને ફરીદપુરમાં યુનુસની ગ્રામીણ બેન્કની અનેક શાખાઓમાં આગ લગાવી દેવામાં
આવી હતી. બીજી તરફ, વડાપ્રધાન
તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકરોએ પણ ઢાકામાં અવામી લીગના બે નેતાઓના ઘર પર
હુમલો કરી આગ લગાવી હોવાના અહેવાલ છે.
64 વહીવટી જિલ્લામાંથી 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
બાંગ્લાદેશના કુલ 64 વહીવટી
જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓમાં ડઝનબંધ દેશી
બોમ્બ ફૂટ્યા છે અને અનેક વાહનોને ફૂંકી મારવામાં આવ્યા છે. પશ્ચિમી નરાઈલ
જિલ્લામાં BNPની રેલી પર અવામી લીગના
કાર્યકરોના હુમલામાં સત્તાધારી પક્ષના બે સ્થાનિક નેતાઓના મોત થયા છે. આ ઉપરાંત
ફરીદપુર અને પિરોજપુરમાં એક BNP નેતા અને એક
પરિવહન કર્મચારીનું મોત નિપજ્યું છે, જ્યારે ઢાકામાં
ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે.
અવામી લીગે આપ્યુ છે લોકડાઉનનું એલાન
5 ઓગસ્ટ 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા ગુમાવીને ભારતમાં આશ્રય
લઈ રહેલા શેખ હસીનાને ગત વર્ષે એક વિશેષ ટ્રિબ્યુનલે માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ
ગેરહાજરીમાં ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાની વરસી નિમિત્તે અવામી લીગે
લૉકડાઉનનું એલાન આપ્યું છે. આ મહિનાની શરૂઆતમાં હસીનાએ ફાંસીની સજા છતાં ગમે તે
ભોગે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી, ત્યારથી દેશમાં તણાવ વધી ગયો છે. મંગળવારે તેમના વતન
તુંગીપારામાં 30 સમર્થકોની ધરપકડ બાદ ટોળાએ
પોલીસ સ્ટેશન ઘેરી લેતા પોલીસે થાણું ખાલી કરવું પડ્યું હતું.
વડાપ્રધાને સાંસદને રસ્તા પર ઉતરવા આહ્વાન કર્યુ
વડાપ્રધાન તારિક રહેમાને અવામી લીગને 'આતંકવાદી સંગઠન'
અને 'પરાજિત ફાસીવાદી તાકાત' ગણાવી
લોકતાંત્રિક દળોને એકજૂટ થવા અપીલ કરી હતી. તેમણે સાંસદોને માત્ર સરકારી તંત્ર પર
નિર્ભર ન રહેતા રસ્તા પર ઉતરવા આહ્વાન કર્યું છે. સ્થિતિને કાબૂમાં લેવા ગોપાલગંજ
સહિતના સંવેદનશીલ જિલ્લાઓમાં 'બોર્ડર ગાર્ડ
બાંગ્લાદેશ' (BGB) ના હજારો જવાનો
તૈનાત કરાયા છે. પોલીસે 24 કલાકના
ઓપરેશનમાં એકલા ઢાકામાંથી હસીના કેબિનેટના પૂર્વ શિક્ષણ મંત્રી નુરુલ ઇસ્લામ નાહિદ
સહિત 565 લોકોની ધરપકડ કરી છે.
ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે ઓડિયો-વીડિયો પુરાવાના આધારે તોફાનીઓ સામે કડક
કાર્યવાહીની ખાતરી આપી છે.