આશાસ્પદ ક્રિકેટર નંદિની રાઠોડની આત્મહત્યા, BCCIની U-19 ટીમમાં સ્ફોટક બેટર હતી
- એકતરફી પ્રેમમાં પાગલ યુવકની સતામણીથી ત્રાસીને આત્મહત્યા કરી
BCCIની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન ધરાવતી નંદિનીએ આત્મહત્યા કરી લીધાની આઘાતજનક માહિતી સામે આવી છે. તેલંગાણાના વિકારાબાદની રહેવાસી નંદિનીની કેટલાક સમય અગાઉ જ અંડર-19 ટીમમાં પસંદગી થઈ હતી. પરિવારનો આરોપ છે કે નંદિનને અનિલ અને કૃષ્ણા નામની બે વ્યક્તિઓ ખૂબ હેરાન કરતા હોવાથી તેણે આ આઘાતજનક પગલું ભર્યું છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. અનિલ નંદિનીના એકતરફી પ્રેમમાં હતો અને તેને ધાકધમકી આપતો હતો. જ્યારે કૃષ્ણા અનિલનો મિત્ર છે.
ક્રિકેટની પ્રેક્ટિસ માટે નંદિની તેલંગણાના વિકારાબાદમાં તેની નાનીના ઘરે રહેતી હતી અને અભ્યાસની સાથે સાથે ક્રિકેટ પણ રમતી હતી. અનિલ નામનો યુવક કેટલાક દિવસોથી નંદિનીની પાછળ પડ્યો હતો. સતત મેસેજ કરીને અને રોજ તેનાં આવ-જાના રસ્તા પર પરાણે ઊભી રાખીને હેરાન કરતો હતો. એમાં કૃષ્ણા નામનો અનિલનો મિત્ર પણ સામેલ હતો. નંદિનીના પરિવારે બન્ને યુવકો સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ધરપકડ કરવા માટે માંગ કરી છે.
વિકારાબાદના પોલિસ ઈન્સ્પેક્ટર રઘુએ મીડિયાને માહિતી આપી હતી કે નંદિનીના મોતની પોલીસને સવારે 9 વાગે માહિતી મળી હતી. નંદિનીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરીવારને સોંપી દેવામાં આવ્યો હતો. નંદિનીના મોબાઈલની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવાહી શરૂ કરી છે.