વિદેશમાં MBBS કરનારા વિદ્યાર્થીઓ હવે લાયસન્સની પ્રક્રિયામાંથી મુક્ત
NMC દ્વારા વિદેશમાં MBBS નો અભ્યાસ કરતા લોકો માટે મહત્વનો ડ્રાફ્ટ જાહેર, વિદેશમાં રહી મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત.
વિદેશમાં MBBS નો અભ્યાસ કરતા
ભારતના વિદ્યાર્થીઓ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા
મહત્વનો ડ્રાફ્ટ સુધારો જાહેર કરવામાં આવ્યો છે. આ સુધારા પ્રમાણે વિદેશમાં મેડિકલ
ડિગ્રી મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં મેડિકલ પ્રેક્ટિસનું લાયસન્સ મેળવવા
માટે જે-તે દેશના નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સ મેળવવાની મંજૂરી ફરજિયાત નહી
રહે. તેના બદલે જે-તે દેશના મેડિકલ સત્તામંડળમાં રજિસ્ટ્રેશન હોવુ ફરજિયાત કરી
દેવામાં આવ્યુ છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે હતી મુશ્કેલીઓ
મેડિકલના અભ્યાસ અર્થે ભારતના વિદ્યાર્થીઓ રશિયા, ચીન,
જ્યોર્જિયા, ફિલિપાઈન્સ, જર્મની, યુક્રેન જેવા દેશમાં જાય છે. અભ્યાસ પૂર્ણ કર્યા
બાદ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ અને ઈન્ટર્નશીપ
સહિતના નિયમોનું પાલન કરવુ પડે છે. 2021ના ફોરેન
મેડિકલ ગ્રેજ્યુએટ રેગ્યુલેશન્સની સેક્શન 4Bમાં અગાઉ એવી જોગવાઈ હતી કે વિદેશમાં અભ્યાસ
કરનારા વિદ્યાર્થીઓ ત્યાંના નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા માટે લાયક
હોવા જોઈએ. રશિયા સહિતના કેટલાક દેશોમાં ભાષાની પરીક્ષા અને અન્ય પ્રક્રિયાઓને
કારણે ભારતીય વિદ્યાર્થીઓને આ શરત પૂરી કરવામાં મુશ્કેલી પડતી હતી.
ડ્રાફ્ટમાં સુધારો કરી શરતો હળવી કરાઈ
NMCના ડ્રાફ્ટ સુધારામાં આ શરત
હળવી કરવામાં આવી છે. હવે વિદેશમાં મેડિકલ ડિગ્રી મેળવ્યા બાદ જે તે દેશના સક્ષમ
સત્તામંડળ અથવા મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું પૂરતું રહેશે. આ ડ્રાફ્ટ
અંગે સૂચનો અને મંતવ્યો માટે 30 દિવસનો સમય
આપવામાં આવ્યો છે. સુધારો ફાઈનલ થયા બાદ 18 નવેમ્બર 2021 અથવા ત્યારબાદ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને લાગુ પડશે.