બોમ્બે હાઈકોર્ટની BMC ને લપડાક, જનતાને સુવિધાને લઈ ઝાટકણી કાઢી
VIP આગમન સમયે થતી સાફ-સફાઈને લઈ હાઈકોર્ટે ટિપ્પણી કરી, VIP માટે રસ્તા ચમકાવતા હાઈકોર્ટ ખફા, બ્રિટિશ પ્રિન્સની મુલાકાત વખતે સફાઈ કરવામાં આવી હતી.
બૃહન્મુંબઈ મહાનગરપાલિકાને બોમ્બે હાઈકોર્ટે રસ્તાની સફાઈ
અને સુવિધાઓને લઈને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે VIPના આગમન પર જ રસ્તા સુધારવામાં આવે છે અને શહેરને
સાફ-સુથરું કરવામાં આવે છે. તો પછી સામાન્ય લોકોને સુવિધા કેમ મળતી નથી ? કોર્ટે કહ્યું કે ખાસ મહેમાનોના આગમન સમયે બે દિવસ સફાઈનો
દેખાડો કરવાને બદલે શહેરને હંમેશાં સ્વચ્છ રાખવું જોઈએ.
વાયુ પ્રદૂષણ અને ઝેરી ગેસના લીકેજને લઈને સુનાવણી કરી હતી
જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચ વધતા
વાયુ પ્રદૂષણ અને કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ પાસે ઝેરી ગેસના લીકેજને લઈને
સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું, 'જ્યારે ખાસ
લોકો શહેરમાં હોય છે ત્યારે BMC રસ્તાઓને
સાફસુથરા કરી દે છે. આવું હંમેશાં માટે કેમ કરવામાં આવતું નથી? રસ્તાઓ સાફસુથરા હોવાનો બે દિવસનો દેખાડો કરવાને બદલે BMC કોઈ કાયમી વ્યવસ્થા કરી શકે છે.' કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારની સફાઈ દરેક જગ્યાએ, દરેક સમયે થવી જોઈએ. એવું ન હોવું જોઈએ કે માત્ર તે જ
સ્થળોને સુધારવામાં આવે જ્યાં ખાસ લોકો જાય. આ મામલે હવે 7 ડિસેમ્બરે સુનાવણી થશે.
બ્રિટિશ પ્રિન્સની મુલાકાતને લઈને શહેરની સાફ-સફાઈ કરાવી હતી
બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની મુંબઈ મુલાકાત
પહેલા શહેરની સડકોની સફાઈ કરવામાં આવી હતી, બંને 16 નવેમ્બરે મુંબઈ
પહોંચ્યા હતા. 17 નવેમ્બરે તેઓ
અર્થશૉટ પ્રાઇઝ સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન બંનેએ ગલી ક્રિકેટ રમ્યું હતું, જ્યારે પ્રિન્સ વિલિયમ ઇલેક્ટ્રિક ઑટો ચલાવતા પણ નજરે પડ્યા
હતા.
ન્યાયાધીશોએ ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી
કોર્ટે રસ્તા અને દરિયાકિનારે પ્લાસ્ટિકનો કચરો મળી આવવા
અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ન્યાયાધીશે પૂછ્યુ કે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ
કેમ લગાવી શકાય નહી ? તેમણે સરકાર
પાસેથી પ્લાસ્ટિક અંગેની નીતિની માહિતી પણ માગી અને લોકોને જાગૃત કરવા અભિયાન
ચલાવવા માટે પણ ટકોર કરી. ન્યાયાધીશોએ કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત
લીધી હતી. ત્યાં પ્લાસ્ટિકથી ભરેલા કચરાના ઢગલા જોઈને તેમણે ચિંતા વ્યક્ત કરી.
કોર્ટે મોનિટરિંગ કમિટીને ત્યાંની દુર્ગંધ અને પ્રદૂષણની તપાસ કરીને 7 ડિસેમ્બર સુધીમાં અહેવાલ આપવા જણાવ્યું.