આંધ્રપ્રદેશમાં ફરી આકાશી આફત, આવી રહ્યુ છે ‘અકવાન’ તબાહી મચાવવા
આવતીકાલે આંધ્રપ્રદેશ અને ઓડિશા વચ્ચે ટકરાશે, લેન્ડફોલ સમયે ચક્રવાતની ઝડપ 110 કિલોમીટરની હોઈ શકે છે. સૌથી વધુ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં તબાહી મચે તેવી શક્યતા
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલુ ચક્રવાત અકવાન વધુને વધુ
શક્તિશાળી બની રહ્યુ છે. 110 કિલોમીટરની ઝડપે આંધ્રપ્રદેશ તરફ તબાહી મચાવવા માટે
આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત અકવાન આવતીકાલે એટલે કે
20 નવેમ્બરે નેલ્લોર અને વિશાખાપટ્ટનમ વચ્ચે યનમ કાંઠે ટકરાઈ શકે છે. ચક્રવાત
ટકરાય તે સમયે તેની ઝડપ 130 થી 145 કિલોમીટર પ્રતિ કલાક પહોંચવાની આશંકા છે. તોફાનના
ખતરાને જોતા આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગણામાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદનું
ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. સાથે જ પશ્ચિમ બંગાળમાં પણ 21 નવેમ્બર સુધી ભારેથી
અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 રાજ્યો પર અકવાનની અસર થશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત અકવાન 8 રાજ્યો પર
તેની અસર વર્તાવી શકે છે જેના કારણે રાજ્યોના બચાવ તંત્રને સાબદું કરી દેવામાં
આવ્યુ છે. ચક્રવાતની સૌથી ભયાનક અસરો આંધ્રપ્રદેશમાં જોવા મળી શકે છે, જેના પગલે NDRF ની 13 અને SDRFની 11 ટીમો
તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના
આપવામાં આવી છે, શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. ઓડિશાના રાયગઢા,
કોરાપુટ, મલકાનગિરી, ગંજમ અને ગજપતિ જિલ્લાઓમાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા
મળે તેવી શક્યતા છે, આ વિસ્તાર અગાઉના બે વાવાઝોડાનો માર ઝેલી જ રહ્યો છે આ
વિસ્તારમાં પાણી ભરાવા અને ભૂસ્ખલનનું પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. સરકારે આ ચાર
જિલ્લાના લાખો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા અગાઉથી જ સુનિશ્ચિત કરી
છે.
તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી
તમિલનાડુના ચેન્નાઈ સહિતના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે
વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની આશંકાએ માછીમારોને
દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેલંગણામાં પણ વહીવટીતંત્રને સતર્ક કરવામાં
આવ્યુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિની ભીતિને લઈને સ્થાનિકોને સુરક્ષિત
સ્થળે ખસી જવા પહેલેથી જ ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ઝારગ્રામ, 24
પરગણા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુરમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. ઝારખંડમાં
પણ હવામાન વિભાગે ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે. છત્તીસગઢમાં ચક્રવાત
સીધી રીતે નહી ટકરાય, પરંતુ છત્તીસગઢના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી શકે છે.
અકવાન નામ ઈરાને સૂચવ્યુ હતુ
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદ્ભવતા ચક્રવાતોના નામ રાખવાની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. આ માટે ભારત સહિત ઘણા દેશોએ મળીને એક યાદી તૈયાર કરી હતી. વર્ષ 2018માં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને યમન પણ આ જૂથમાં જોડાયા. આ દેશોના વારાફરતી ક્રમ અનુસાર ચક્રવાતોના નામ રાખવામાં આવે છે. નામ નક્કી કરતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે તે કોઈ રાજકારણ, ધર્મ, સંસ્કૃતિ અથવા વ્યક્તિ સાથે સંબંધિત ન હોય. ઈરાને આ વખતે ચક્રવાતનું નામ અકવાન રાખ્યું છે. અકવાન ઈરાનની પૌરાણિક કથાઓમાં એક રાક્ષસનું નામ છે. તેનો ઉલ્લેખ ફારસના પ્રસિદ્ધ મહાકાવ્ય 'શાહનામા'માં મળે છે. વાર્તા અનુસાર, અકવાન એક શક્તિશાળી દાનવ હતો, જેનો સામનો યોદ્ધા રુસ્તમ સાથે થયો હતો.