આંધ્રપ્રદેશ અને ઓડિશા વચ્ચે તબાહી મચાવશે સાયક્લોન અકવાન
બંગાળની ખાડીમાં એક માસમાં ત્રીજું ચક્રવાત, આંધ્રપ્રદેશ-ઓડિશાની વચ્ચે ટકરાશે સાયકલોન અકવાન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલુ ચક્રવાત અકવાન દરિયાકાંઠા તરફ
આગળ વધી રહ્યુ છે. આજે બપોર સુધીમાં ઓડિશા અને આંધ્રના તટીય વિસ્તારમાં ટકરાય તેવી
શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચક્રવાત અકવાન ટકરાય તે પહેલા જ ઓડિશામાં
રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. ઓડિશામાંથી 80 હજાર
લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. 6 જિલ્લામાં 21 નવેમ્બર સુધી શાળા
અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
સાયકલોન અકવાન આજે આંધ્રપ્રદેશના નરસાપુર અને ઓડિશાના પુરી
વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન તેની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક
સુધી પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસરને કારણે
ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર
પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. IMD
અનુસાર, વાવાઝોડાનો સામનો કરવા માટે નૌકાદળ અને અન્ય એજન્સીઓ
તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજી તરફ, રેલવેએ
ગુરુવારે ત્રણ ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર કર્યો છે.
પહેલાં અનુમાન હતું કે અકવાન આંધ્ર પ્રદેશના કિનારે ટકરાશે, પરંતુ ગુરુવારે તેણે રસ્તો બદલી નાખ્યો અને હવે તે આંધ્ર
તથા ઓડિશા વચ્ચે ટકરાશે. ઓડિશાના જગન્નાથ પુરીમાં ભારે વરસાદ વરસવો શરૂ થઈ ગયો છે.
વિશાખાપટ્ટનમમાં બુધવારથી દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અહીં કિનારાની નજીકથી
લોકોને હટાવી દેવામાં આવ્યા છે, માછીમારોએ બોટ કિનારે લાંગરી દીધી છે. આંધ્ર્રપ્રદેશ
અને ઓડિશામાં ચક્રવાતની સૌથી વધુ ગંભીર અસરો થવાની શક્યતા છે, જેને કારણે જ ત્યાં
ભારે વરસાદ વરસી રહ્યો છે. NDRF અને SDRF ની ટીમોને આ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. ઓડિશાના ગંજામ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જેવા દક્ષિણના જિલ્લાઓમાં વધુ અસર થઈ
શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ
છે.સરકારે 8 જિલ્લાઓમાં 2 લાખ 4 હજારથી વધુ લોકોની ઓળખ કરી છે, જેમને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવશે.
વહીવટીતંત્રે રાહત કેન્દ્રોને તૈયાર રાખવાની અને સંવેદનશીલ ગામોમાં લોકોને
સુરક્ષિત રીતે બહાર કાઢવાની તૈયારી કરી છે. હરભંગી અને બદનાળા ડેમમાંથી પાણી
છોડવામાં આવી રહ્યું છે, જેથી ભારે
વરસાદનું પાણી સંગ્રહિત કરવા માટે જગ્યા રહે. સમુદ્રમાં 14 મીટરથી ઊંચા મોજા ઉછળવાની આશંકા છે.