વિરોધ પ્રદર્શનો માટે રાજધાની દિલ્હીમાં નવા નિયમો લાદવાની તૈયારી
રાજધાનીમાં ધરણા- પ્રદર્શનો માટે કડક નિયમો લાગુ પડશે. રામલીલા મેદાન સહિતના ધરણાં-પ્રદર્શન સ્થળો માટે નવી SOP બનાવી. 50 હજાર લોકોને જ મળશે મંજૂરી, 10-5 દરમિયાન જ યોજી શકાશે કાર્યક્રમ.
ભારત દેશની રાજધાનીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને સ્થાનિક
પ્રશાસન અને પોલીસ ત્રસ્ત છે. અનિયંત્રિત ભીડ અને સ્થાનિક લોકોને પડતી અગવડના
કારણે હવે ધરણા-પ્રદર્શનો માટે નવા નિયમો લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. મળતી માહિતી
પ્રમાણે રામલીલા મેદાન જેવા મહત્વના સ્થળોએ પ્રદર્શનો માટે નવી SOP બનાવવામાં આવી છે. જનસભાઓ અને પ્રદર્શનોને વ્યવસ્થિત કરવા
માટે નવી SOP તૈયાર કરવામાં આવી છે. નવા
નિયમોનો ડ્રાફ્ટ મંજૂરી માટે પોલીસ હેડક્વાર્ટ્સમાં રાહ જોઈ રહ્યો છે. મંજૂરી
મળ્યા બાદ પ્રદર્શન સ્થળો પર નવી ગાઈડલાઈન્સનો ચૂસ્તપણે અમલ કરવામાં આવશે.
હવે મરજી પ્રમાણેની ભીડ એકત્ર નહી કરી શકાય
નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હવે રામલીલા મેદાનમાં પ્રદર્શનના
આયોજકો મરજી પ્રમાણેની ભીડ એકત્ર નહી કરી શકે. નવી SOP પ્રમાણે મહત્તમ
50 હજાર લોકો જ ધરણા- પ્રદર્શનમાં સામેલ થઈ શકશે. કોઈપણ કાર્યક્રમમાં કેટલા લોકો
સામેલ થઈ શકશે તેનો અંતિમ નિર્ણય કાર્યક્રમનું સ્વરૂપ અને સુરક્ષા વ્યવસ્થાની
સમીક્ષા કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવશે, એટલે કે જરૂર જણાય તો 50 હજારથી ઓછી
સંખ્યાની પણ મંજૂરી મળી શકે છે.
પ્રદર્શન માટે 10 દિવસ અગાઉ અરજી કરવાની રહેશે
પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં આયોજકો માટે
કેટલીક મહત્વની શરતો પણ મુકવામાં આવી છે. કોઈ પણ ધરણા કે પ્રદર્શન માટે 10 દિવસ
અગાઉ અરજી કરવાની રહેશે અને 'વેન્યુ
અવેલેબિલિટી સર્ટિફિકેટ' લેવું ફરજિયાત
બનશે. આ ઉપરાંત, પ્રદર્શનનો સમય પણ નક્કી
કરી દેવામાં આવ્યો છે, જે મુજબ માત્ર
સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જ કાર્યક્રમ યોજી શકાશે. આયોજકોએ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા માટે પોલીસ સાથે
સંકલન સાધવું પડશે. નવા નિયમોમાં સ્પષ્ટ જણાવાયું છે કે રસ્તા, ફૂટપાથ કે ઈમરજન્સી રૂટ બ્લોક કરવાની મંજૂરી નહીં મળે. તેમજ
હથિયારો, જ્વલનશીલ પદાર્થો અને
પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જ્યારે ડ્રોન ઉડાડવા માટે પણ અગાઉથી મંજૂરી લેવી પડશે.
સ્થાનિકોની અગવડ અને ટ્રાફિકને લઈ કડક નિયમો
ઐતિહાસિક રીતે દિલ્હીનું રામલીલા મેદાન મોટા આંદોલનો અને
રાજકીય રેલીઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. પરંતુ, અહીં ભેગી થતી
વિશાળ ભીડને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક સર્જાય છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને
કાયદો-વ્યવસ્થા જાળવવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. આ તમામ સમસ્યાઓના કાયમી ઉકેલ
માટે દિલ્હી પોલીસે આ વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું છે. પોલીસ હેડક્વાર્ટરની
મંજૂરીની મહોર વાગતા જ દિલ્હીમાં ધરણા-પ્રદર્શનનો નવો તબક્કો આ કડક નિયમો સાથે શરૂ
થશે.