વિશ્વના ત્રણ તાકાતવર નેતાઓ એકસાથે: ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની બેઠક
ડૉનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને વ્લાદિમિર પુતિનની એકસાથે ઐતિહાસિક મંત્રણા, 80 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, ઈલોન મસ્ક પણ ટ્રમ્પ સાથે જશે ચીન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ, રશિયાના
રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા સપ્તાહે
એકમંચ પર ભેગા થશે. ત્રણે વૈશ્વિક નેતાઓ એક બેઠકમાં ભાગ લેવા માટે એકત્ર થશે.
વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના આ કાર્યક્રમ વિશે સત્તાવાર રીતે પુષ્ટિ
કરી છે. આગામી સપ્તાહે ટ્રમ્પ, શી જિનપિંગ અને વ્લાદિમિર પુતિન દક્ષિણ ચીનના
શેનઝેન પ્રાંતમાં દ્વિ-પક્ષીય મંત્રણા યોજશે. એશિયા પેસેફિક ઈકોનોમિક કો-ઓપરેશનની
પરિષદ દરમિયાન ત્રણે રાજનેતાઓની મુલાકાત થશે.
બેઠકમાં પરમાણુ મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે
અમેરિકન અધિકારીઓનું કહેવુ છે કે આ મંત્રણા દરમિયાન પરમાણુ
મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પરમાણુ પ્રસારને
ભયાવહ ગણે છે. પ્રમુખે પોતે જ કહ્યુ છે કે મંત્રણા દરમિયાન તેઓ તે મુદ્દા પર સૌથી
વધુ ભાર મુકશે. ત્રણે નેતાઓની મુલાકાત દરમિયાન નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા નથી
જણાઈ રહી પરંતુ ઈરાન યુદ્ધનો મુદ્દો સહજ રીતે મહત્વનો રહેશે. સાથે જ રશિયા-યુક્રેન
યુદ્ધનો મુદ્દો પણ ચર્ચાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
80 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન થશે
છેલ્લા 80 વર્ષમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યુ છે જ્યારે
વિશ્વની ત્રણ મહાસત્તાઓ અમેરિકા, ચીન અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો ડૉનાલ્ડ ટ્રમ્પ,
શી જિનપિંગ અને વ્લાદિમિર પુતિન એકસાથે દ્વિ-પક્ષીય મંત્રણા કરશે. આ પહેલા
ફેબ્રુઆરી 1945માં અમેરિકા, સોવિયેત સંઘ અને બ્રિટનના નેતાઓ ક્રિમિયાના યાલ્ટામાં
મળ્યા હતા. આ નેતાઓએ બેઠકમાં નક્કી કર્યુ હતુ કે યુદ્ધ સમાપ્ત થયા બાદ યુરોપના
દેશોનું વિભાજન અને શાસન કેવી રીતે થશે.
હકીકતમાં, અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હથિયારોને
મર્યાદિત કરતી છેલ્લી સંધિ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ ગઈ હતી. બીજી તરફ,
ચીન સતત પોતાના પરમાણુ હથિયારોનો જથ્થો વધારી
રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા ઇચ્છે છે કે પરમાણુ હથિયારો પર નિયંત્રણ માટે
હવે માત્ર રશિયા જ નહીં, પરંતુ ચીનને પણ
વાટાઘાટોમાં સામેલ કરવામાં આવે.ટ્રમ્પ અગાઉ પણ કહી
ચૂક્યા છે કે તેઓ જૂના કરારની જગ્યાએ એક નવો કરાર કરવા માગે છે, જેમાં અમેરિકા, રશિયા અને ચીન ત્રણેય સામેલ હોય. જોકે, ચીન અત્યાર સુધી આવી વાટાઘાટોમાં સામેલ થવાથી
બચતું રહ્યું છે.
વિશ્વમાં ઘણા દેશો
પાસે પરમાણુ હથિયારોનો જથ્થો, રશિયા અને અમેરિકા પાસે સૌથી વધુ
વિશ્વમાં ભારત,
પાકિસ્તાન, ચીન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ઈઝરાયલ, ઈરાન, ઉત્તર કોરિયા
જેવા દેશો પાસે પરમાણુ હથિયારો છે. તેમાં સૌથી વધુ રશિયા અને અમેરિકા પાસે પરમાણુ
હથિયારોનો જથ્થો છે. ડૉનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે અલગથી
મુલાકાત યોજાશે, જે બેઠકમાં રેર અર્થ મિનરલ્સની સપ્લાયનો મુદ્દો પણ ટ્રમ્પ ઉઠાવશે.
અમેરિકાનું કહેવુ છે કે ચીન પાસેથી તેને રેર અર્થ અને તેમાંથી બનેલી વસ્તુઓ મળી
રહી છે, પરંતુ જરૂરિયાત અનુસાર સપ્લાય નથી થઈ રહ્યો. રેર અર્થનો ઉપયોગ ઈલેક્ટ્રિક
કાર, મોબાઈલ, કમ્પ્યુટર, લડાકુ વિમાન અને આધુનિક હથિયારો બનાવવામાં થાય છે. આ
પ્રકારના ખનિજોના સપ્લાય પર ચીનનું નિયંત્રણ છે, આ સ્થિતિમાં અમેરિકા ઈચ્છે છે કે
ચીન સપ્લાય વધારે.
ટેસ્લાના CEO ઈલોન મસ્ક પણ
જશે ચીન
વ્હાઈટ હાઉસે ટેસ્લાના CEO ઈલોન મસ્ક પણ
ટ્રમ્પ સાથે જશે, તેમના પ્રવાસ અંગે પણ પુષ્ટિ કરી છે. અમેરિકા અને ચીન વચ્ચેના
વેપાર સાથે મસ્કના મોટા હિત જોડાયેલા છે. ચીન પ્રવાસ દરમિયાન તેઓ ટ્રમ્પને સલાહ
આપવામાં પણ મદદ કરી શકે છે. જો કે ઈલોન મસ્ક, ત્રણે રાષ્ટ્રાધ્યક્ષોની સંયુક્ત
બેઠકમાં સામેલ નહી થાય.
વર્ષ 2026માં શી જિનપિંગ અને ટ્રમ્પની ત્રીજી મુલાકાત
અગાઉ મે, 2026માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઈજિંગમાં શિખર બેઠક યોજાઈ હતી. જ્યારે
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ જ વર્ષે સપ્ટેમ્બર માસમાં અમેરિકાની ત્રિ-દિવસીય
મુલાકાતે આવ્યા હતા. જેમાં બંને રાજનેતાઓ વચ્ચે વેપાર, ટેરિફ, તાઈવાન, આર્ટિફિશિયલ
ઈન્ટેલિજન્સ અને વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક બાદ અમેરિકા-ચીન
ટ્રેડ ટ્રસ બે માસ માટે લંબાવવાનો નિર્ણય જાહેર થયો હતો.