ઈજિપ્તમાં ઓઈલ ટેન્કર પલટી જતા મોટી દુર્ઘટના, 31 ના કરૂણ મોત
ઈજિપ્તની રાજધાનીમાં મોટો માર્ગ અકસ્માત, ઓઈલ ટેન્કર પલટી જતા અગનજ્વાળામાં ફેરવાયો હાઈવે, માર્ગ દુર્ઘટનામાં 31 નિર્દોષોના મોત અને 21 લોકો ઈજાગ્રસ્ત.
ઈજિપ્તની રાજધાની કૈરોમાં મોટી કરૂણાંતિકા સર્જાઈ ગઈ છે. ઓઈલ
ટેન્કર પલટી જતા ભીષણ આગ લાગી હતી અને આગના કારણે આસપાસના વાહનો તેની ચપેટમાં આવી
ગયા અને ભારે તબાહીના દ્રશ્યો થયા હતા, આ દુર્ઘટનામાં 31 ના મોત થયા હતા, જ્યારે 21
લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
રાજધાનીને જોડતા રિંગરોડ પર ગમખ્વાર દુર્ઘટના
ઈજિપ્તના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજધાની કૈરોને ચારે તરફથી જોડતા મુખ્ય રિંગરોડ
પર લાગેલી આ આગમાં 24થી વધુ કાર અને ટુ-વ્હીલર બળીને ખાક થઈ ગયાં હતાં. આ દુર્ઘટના
ગ્રેટર કૈરોના ગીઝા પ્રાંતના ગીચ વસ્તી ધરાવતા વર્રાક વિસ્તારના હાઈવે પર સર્જાઈ
હતી. ઘટનાસ્થળે બચાવ અને રાહતકાર્યમાં જોડાયેલા કર્મીઓએ કારમાંથી લોકોને સુરક્ષિત
રીતે બહાર કાઢ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
હતો. મિસ્રના પ્રમુખે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી પીડિત પરિવારો પ્રત્યે
સંવેદના વ્યક્ત કરી છે.
હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા
સ્વાસ્થ્ય મંત્રીએ
જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને
સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ
પામેલા લોકોની ઓળખ માટે DNA ટેસ્ટ સહિતની
પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃત્યુઆંક હજુ વધવાની
શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
https://x.com/Breaking911/status/2125673639735423461?a=9ywg7enr7mhtYdLU_Xc&s=20
નોંધનીય છે કે,
ઈજિપ્તમાં દર વર્ષે માર્ગ દુર્ઘટનાઓમાં હજારો
લોકોનાં મૃત્યુ થાય છે અને દેશનો માર્ગ સલામતીનો રેકોર્ડ ઘણો નબળો છે. આ દુર્ઘટનાઓ
વધવા પાછળ પૂરઝડપે વાહન ચલાવવું, ખરાબ રસ્તાઓ અને
ટ્રાફિકના નિયમોનો કડક અમલ ન થવો જેવાં કારણો જવાબદાર છે. આ જ વર્ષે જાન્યુઆરી
માસમાં બેની સુએફ નજીક માર્ગ અકસ્માતમાં 21 ના મોત થયા હતા. જેમાં ઘણા વાહનો
એકબીજા સાથે ટકરાયા હતા અને દુર્ઘટના સર્જાઈ હતી.