દેશમાં વધતા પ્રદૂષણ માટે કેન્દ્રીય મંત્રીએ પોતાને જવાબદાર ગણાવ્યા
દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધતા વાયુ પ્રદૂષણ માટે પોતાને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યુ કે રસ્તાના વિકાસ સાથે વાહનોનું પ્રદૂષણ વધ્યુ છે. રસ્તાના વિકાસ સાથે વાહનોની સંખ્યા પણ વધી છે. પેટ્રોલના વિકલ્પરૂપે બાયોફ્યુઅલ, ઈથેનોલ અને હાઈડ્રોજન દ્વારા આત્મનિર્ભર ઉર્જાનું લક્ષ્ય હાંસલ કરાશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ
દેશમાં વધતા વાયુ પ્રદૂષણ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નીતિન ગડકરીએ જણાવ્યુ
છે કે દેશના 40 ટકા પ્રદૂષણ માટે પોતે જવાબદાર છે. તેમણે વધુમાં કહ્યુ કે રસ્તાના
વિકાસ સાથે વાહનોની સંખ્યા અને ઉપયોગ વધતા પ્રદૂષણમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં
યોજાયેલી CII બાયોએનર્જી સમિટમાં નીતિન
ગડકરીએ પેટ્રોલ-ડીઝલના વિકલ્પરૂપે સ્વચ્છ ઈંધણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
હતો. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર દેશનો ઓટોમોબાઈલ ઉદ્યોગ તેમના કાર્યકાળ
દરમિયાન 14 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ રૂપિયાનો થયો છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં
ભારત વિશ્વમાં સાતમા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચ્યુ છે. તેમણે ગોબરધન યોજના હેઠળ
આશરે ત્રણ હજાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરીનો ઉલ્લેખ કર્યો છે. પરાળી
બાળવાના બદલે તેમાંથી બાયોએનર્જી બનાવવાથી ખેડૂતોને આવક મળશે અને દિલ્હી સહિતના વિસ્તારોમાં
પ્રદૂષણ ઘટાડી શકાશે.
નીતિન ગડકરીએ ઈથેનોલ, હાઈડ્રોજન, બાયોફ્યુલ અને આઈસોબ્યુટનોલને
ભવિષ્યના મહત્વપૂર્ણ ઈંધણ ગણાવ્યા. ઈથેનોલમાંથી વિમાનો માટે સસ્ટેનેબલ એવિએશન
ફ્યુઅલ બનાવી શકાય છે. ઈથેનોલ અને આઈસોબ્યુટેનોલથી જનરેટર, ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો ચલાવવાની ટેકનોલોજી વિકસાવવામાં
આવી રહી છે. આ ઉપરાંત ઉદ્યોગોમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરીને યુરિયા
અને ડાઈમિથાઈલ ઈથર (ડીએમઈ) બનાવવાની શક્યતાઓ પણ તપાસાઈ રહી છે. ગડકરી ડીએમઈને
એલપીજીના વિકલ્પ તરીકે વિકસાવવાની વાત કરી હતી. એલપીજીમાં 40 ટકા ડીએમઈ ભેળવવાથી આયાત પરની નિર્ભરતા ઘટી શકે છે.
સરકારની ઊર્જા નીતિનો મુખ્ય હેતુ વિદેશી ઈંધણની આયાત ઘટાડવાનો, ઊર્જા સસ્તી બનાવવાનો અને પ્રદૂષણ નિયંત્રિત કરવાનો છે. એના
માટે ઈથેનોલ, મેથેનોલ, બાયોડીઝલ, એલએનજી અને
હાઈડ્રોજનના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
નીતિન ગડકરીએ કહ્યુ કે હું પરિવહન મંત્રી છુ અને એટલે જ
દેશના 40 ટકા એર પોલ્યુશન માટે હું જ જવાબદાર છુ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ
બાયોએનર્જી સંભાવનાઓ પર ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે ગોબરધન યોજના
અંતર્ગત 3 હજાર પ્લાન્ટમાંથી 250 પ્લાન્ટ
તો કાર્યરત પણ થઈ ચૂક્યા છે. નવા 200 પ્લાન્ટનું કામકાજ લગભગ પૂર્ણ થઈ ગયુ છે. કેન્દ્રીય
મંત્રી નીતિન ગડકરીના મત પ્રમાણે જો પરાળી બાળવાની જગ્યાએ તેનાથી બાયોએનર્જી
ઉત્પન્ન કરવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થશે અને પોલ્યુશનમાં પણ ઘટાડો થશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્યોગો દ્વારા મુક્ત કરાતા
કાર્બન ડાયોક્સાઈડનો પણ ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યુ છે કે કાર્બન
ડાયોક્સાઈડની મદદથી યૂરિયા અને ડાયમિથાઈલ ઈથર બનાવી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યુ
છે કે પાણીની મદદથી ઈલેક્ટ્રોલાઈઝર ટેકનિકની મદદથી હાઈડ્રોજન કાઢીને તેમાંથી
કાર્બન ડાયોક્સાઈડ સાથે મેળવી શકાય છે. આ પ્રક્રિયાથી યૂરિયા બનાવવાની સંભાવના પર
કામ થઈ રહ્યુ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ છે કે ભારત 6 લાખ કરોડ
રૂપિયાનું યૂરિયા આયાત કરે છે.