વિદેશ મંત્રી એસ.જયશંકરનો ચોંકાવનારો દાવો, ભારતના પાછળ રહેવા પર રાજીવ ગાંધી જવાબદાર
વિદેશ મંત્રી એસ.જયશંકરનો મોટો ખુલાસો, 1980માં ચીને આધુનિકીકરણ અપનાવ્યુ, રાજીવ ગાંધીની સરકારે ભારતમાં ગુમાવી તક, જેથી બંને દેશો વચ્ચે વધ્યુ આર્થિક અંતર
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે એક કાર્યક્રમમાં ભારત અને ચીન વચ્ચેના આર્થિક અંતરને લઈને વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એક સમય હતો જ્યારે ભારત અને ચીનની અર્થવ્યવસ્થા લગભગ સમાન સ્તરે હતી, જ્યારે આજે બંને દેશો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. 1980 ના દાયકામાં ભારતે વિકાસની મોટી તક ગુમાવી હોવાની વાત વિદેશ મંત્રી એસ.જયશંકરે કરી છે. તેમણે આ સ્થિતિ માટે તત્કાલીન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. તેમના કાર્યકાળનો વિદેશમંત્રી એસ.જયશંકરે એક કાર્યક્રમ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો. સંબોધન દરમિયાન જયશંકરે જણાવ્યું હતું કે 1988માં જ્યારે રાજીવ ગાંધી ચીનની રાજધાની બેઇજિંગ ગયા હતા ત્યારે ભારત અને ચીનની અર્થવ્યવસ્થાનું કદ લગભગ એકસરખું હતું. જોકે, 1980ના દાયકામાં ચીને મોટા પાયે આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી, જ્યારે ભારત આ તકનો લાભ ઉઠાવવામાં પાછળ રહી ગયું હતું.
https://x.com/DrSJaishankar/status/2121460659200422388?a=PAGP5ZPpBDLPOPxbDsg&s=20
1980ના દાયકામાં ચીને આધુનિકીકરણ અપનાવ્યુ
એસ.જયશંકરના મતે 1980ના દાયકામાં ચીને આધુનિકીકરણના માર્ગે
ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યુ હતુ, જ્યારે ભારત આર્થિક તકનો પૂરતો લાભ લઈ શક્યુ
નહતુ. જેના પરિણામે આજે બંને દેશો વચ્ચેનું આર્થિક અંતર ઘણું જ વધારે છે. 1980ના દાયકાની શરૂઆતમાં ભારત અને ચીનની કુલ GDPમાં બહુ મોટો તફાવત નહોતો. ભારતની GDP અંદાજે 186થી 200 અબજ અમેરિકી ડોલર હતી, જ્યારે ચીનની GDP લગભગ 300 અબજ અમેરિકી
ડોલર આસપાસ હતી. બંને દેશોમાં ગરીબી અને મર્યાદિત આર્થિક સંસાધનો જેવી સમસ્યાઓ પણ
વ્યાપક હતી.
ચીનમાં વિદેશી રોકાણને મહત્વ અપાયુ, ભારતે ઉદારીકરણની નીતિ
અપનાવી
ચીને 1978માં તત્કાલીન નેતા ડેંગ શિયાઓપિંગના નેતૃત્વમાં
આર્થિક સુધારાની શરૂઆત કરી હતી. આ દરમિયાન વિશેષ આર્થિક ક્ષેત્રો વિકસાવવામાં
આવ્યા હતા અને વિદેશી રોકાણને ખૂબ પ્રોત્સાહન પણ મળતુ હતુ, બીજી તરફ ભારતે
ઉદારીકરણની નીતિ અપનાવી હતી અને મોટા પાયે બજારને વિદેશી રોકાણ અને સ્પર્ધા માટે
ખોલ્યુ હતુ. ચીને પોતાને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને નિકાસના કેન્દ્ર તરીકે
વિકસાવ્યું, જ્યારે ભારતે પાછળના
વર્ષોમાં IT અને સર્વિસ સેક્ટરમાં
નોંધપાત્ર પ્રગતિ કરી.
રાજીવ ગાંધીની ચીન મુલાકાતને બંને દેશના સંબંધ સુધારવા મહત્વની
મનાય છે.
1988માં તત્કાલીન વડાપ્રધાન
રાજીવ ગાંધીએ ચીનની મુલાકાત લીધી હતી. જવાહરલાલ નેહરુ પછી ચીનની મુલાકાત લેનારા
તેઓ બીજા ભારતીય વડાપ્રધાન હતા. આ સમયે સુમદોરોંગ ચુ ખીણમાં ભારત અને ચીનની સેનાઓ
સામસામે હતી. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે રાજીવ ગાંધીની મુલાકાતનો હેતુ બંને દેશો
વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશ ઘટાડવાનો હતો. તેમની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે
વાતચીતના અનેક તબક્કા શરૂ થયા હતા. આ મુલાકાતને ભારત-ચીન સંબંધોમાં સુધારાની
દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે.
સરહદ પર આજે ભારતની સ્થિતિ સુધરી છે: એસ.જયશંકર,વિદેશ મંત્રી
જયશંકરે ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ અંગે પણ પોતાનો
અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ચીન સાથે જોડાયેલી સરહદ હવે એક રીતે
વધુ સક્રિય બની છે. ગલવાનની ઘટનાનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે
સરહદ પર પોતાની સ્થિતિ જાળવી રાખવાની અને સૈન્ય તહેનાત કરવાની ભારતની ક્ષમતામાં
નોંધપાત્ર સુધારો થયો છે. તેમના મતે, આ ક્ષેત્રમાં
ભારતે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે.