એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ટોપ-3માં, જાપાનને આપી પછડાટ
વિશ્વના દેશોમાં ભારતનો વધ્યો પ્રભાવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી નેતા, ઓસ્ટ્રેલિયાની ઈન્સ્ટિટ્યુટ દ્વારા એશિયા પાવર ઈન્ડેક્સ રેન્ક જાહેર.
આંતરરાષ્ટ્રીય રેન્કિંગ એજન્સીએ ભારતના વિશ્વમાં વધતા
પ્રભાવ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત સંસ્થા ધ લોવી
ઈન્સ્ટિટ્યુટદ દ્વારા જાહેર કરાયેલા 'એશિયા પાવર ઇન્ડેક્સ 2026'માં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. આ
યાદીમાં હવે ભારતથી આગળ માત્ર અમેરિકા અને ચીન જ છે, જ્યારે જાપાન અને રશિયા જેવા દિગ્ગજ દેશો પણ ભારતથી પાછળ
રહી ગયા છે. ખાસ વાત એ છે કે ભારતનો સ્કોર વધીને 40.5 થયો છે અને વર્ષ 2018 પછી
પહેલીવાર ભારત અને ચીન વચ્ચેની શક્તિનું અંતર સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે.
અમેરિકા પ્રથમ સ્થાને અને ભારત ત્રીજા સ્થાને, ચીન બીજા પોઈન્ટ પર
લોવી
ઇન્સ્ટિટ્યૂટની 2026ની રેન્કિંગ મુજબ, અમેરિકા 78.9 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને અને ચીન 73.6 પોઈન્ટ સાથે બીજા સ્થાને
યથાવત છે. ભારતે 40.5 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે, જે ચોથા ક્રમે રહેલા જાપાન 38.6 પોઈન્ટ અને
પાંચમા ક્રમે રહેલા રશિયા 32.2 પોઈન્ટ કરતાં ઘણું આગળ છે. આ પ્રદર્શન
એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વધતી જતી વ્યૂહાત્મક અને રાજદ્વારી મજબૂતીને
સ્પષ્ટપણે દર્શાવે છે.
લોવી ઈન્સ્ટિટ્યુટ સ્વતંત્ર થિન્ક ટેન્ક
ઓસ્ટ્રેલિયાના
સિડનીમાં આવેલી લોવી ઇન્સ્ટિટ્યૂટ એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક છે,
જેની સ્થાપના 2003માં સર ફ્રેન્ક લોવી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા
વૈશ્વિક રાજનીતિ, વિદેશ નીતિ,
સુરક્ષા અને અર્થવ્યવસ્થા પર સંશોધન કરે છે.
વર્ષ 2018થી દર વર્ષે આ
સંસ્થા દ્વારા એશિયા પાવર ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જેમાં 131 જેટલા વિવિધ
માપદંડોના આધારે એશિયાના 27 દેશો અને
પ્રદેશોની શક્તિ તેમજ પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદી શી જિનપિંગ બાદ સૌથી પ્રભાવશાળી નેતા
એશિયા પાવર
ઇન્ડેક્સના ડાયરેક્ટર હન્ટર માર્સ્ટને પણ સોશિયલ મીડિયા પર ભારતની આ સિદ્ધિની
પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભારતનો સ્કોર 40.5 થવાથી એક મોટી મહાસત્તા
તરીકે તેનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. આ રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે
કે આર્થિક ક્ષમતામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
એશિયા ક્ષેત્રના બીજા સૌથી પ્રભાવશાળી નેતા માનવામાં આવ્યા છે.