અયોધ્યા-જનકપુર વચ્ચે સાપ્તાહિક ટ્રેનને લીલીઝંડી, બંને દેશના ધાર્મિક સંબંધો મજબૂત થશે
ભારત અને નેપાળ વચ્ચે સીધી સાપ્તાહિક ટ્રેન શરૂ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહે ટ્રેનને લીલી ઝંડી આપી.
પ્રભુ શ્રીરામનું જન્મસ્થળ અયોધ્યા અને માતા સીતાનું
જન્મસ્થળ જનકપુર ધામ વચ્ચેની ટ્રેન આજથી શરૂ થઈ છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
અને નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહે સરયૂ-કમલા એક્સપ્રેસને લીલી ઝંડી આપી ટ્રેન
રવાના કરાવી હતી. આ ટ્રેન ઉત્તર પ્રદેશ અને બિહારના 10 સ્ટેશનો પરથી થશે પસાર. જ મુસાફરી લગભગ 19 કલાકમાં પૂર્ણ થશે. સામાન્ય
મુસાફરો માટે આ ટ્રેન 28 નવેમ્બરથી શરૂ થવાની આશા છે. આ ટ્રેન 604 કિલોમીટરનું
અંતર લગભગ 19 કલાકમાં કાપશે. ટ્રેનમાં 17 કોચ હશે. ટ્રેન અયોધ્યાથી દર સોમવારે
સાંજે 5:50 વાગ્યે ઉપડશે, જ્યારે જનકપુરથી દર શનિવારે બપોરે 1:10 વાગ્યે
રવાના થશે. મનકાપુર, બસ્તી, ગોરખપુર, નરકટિયાગંજ, રક્સૌલ, સીતામઢી, શિશો, મધુબની અને જયનગર સહિતના સ્ટેશનો પર રોકાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાલેન શાહ વચ્ચે દ્વિ-પક્ષીય બેઠક યોજાઈ
નેપાળના
પ્રધાનમંત્રી બાલેન શાહ ભારત પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી
દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે
સંબંધો વધુ મજબૂત કરવા, ઊર્જા, સરહદી માળખાકીય
સુવિધાઓ, વેપાર અને કનેક્ટિવિટી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ભારતે નેપાળમાં પૂરથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને 24 હજાર કરોડ નેપાળી
રૂપિયાના વિકાસ પેકેજની પણ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધો
પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીએ જણાવ્યુ હતુ કે ભારત અને નેપાળ વચ્ચે માત્ર પાડોશી દેશોનો સંબંધ નથી, પરંતુ બંનેનો ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓ પણ એકબીજા સાથે જોડાયેલી
છે. બંને દેશોના લોકો વચ્ચે સદીઓ જૂના સંબંધો છે. તેમણે 2018માં પોતાની જનકપુર
યાત્રાને યાદ કરતાં કહ્યું કે ભારત અને નેપાળનો સંબંધ ભગવાન રામ અને માતા સીતાથી
પણ જોડાયેલો છે. જનકપુરને માતા સીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે, જ્યારે અયોધ્યા ભગવાન રામની નગરી છે. બંને સ્થળોનું ધાર્મિક અને સાંસ્કૃતિક
મહત્વ એકબીજા સાથે જોડાયેલું છે. આ સંબંધનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું, “નેપાળ વિના આપણું ધામ પણ અધૂરું છે.” તેમણે કહ્યું કે ભારત અને નેપાળના
સંબંધોની આ જ ખાસિયત બંને દેશોને નજીક લાવે છે.
બંને દેશો વચ્ચે માળખાકીય સુવિધા મજબૂત કરવા લેવાશે પગલાં
ભારત અને નેપાળ
વચ્ચે સરહદી માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા પણ પગલાં લેવાશે. વડાપ્રધાન મોદીએ
ઉત્તરાખંડના ધારચુલામાં ભારત-નેપાળ વચ્ચે રોડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને
બનબસામાં ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટની આધારશિલા મૂકી હતી. નેપાળના દોઢારા ચાંદની
વિસ્તારમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટના વિકાસ કાર્યને પણ વેગ આપવાની જાહેરાત કરી
હતી.