ભારત અને નેપાળ વચ્ચે કનેક્ટિવિટી વધારવા પહેલ, 604 કિમીની સાપ્તાહિક ટ્રેન દોડશે
નવી ટ્રેનથી બંને દેશો વચ્ચે રોટી-બેટીના સંબંધો વધુ મજબૂત થશે, માં સીતાના જન્મસ્થળથી પ્રભુ શ્રીરામના જન્મસ્થળ સુધી દોડશે ટ્રેન, સાપ્તાહિક ટ્રેનથી વ્યાપારિક અને આર્થિક સંબંધો પણ વધારે ઉષ્માભર્યા રહેશે.
ભારતીય રેલવે દ્વારા નેપાળ અને ભારત વચ્ચે રેલ કનેક્ટિવિટી
વધારવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ નેપાળ સ્થિત માતા જાનકીના
જન્મસ્થળ જનકપુરી ધામ અને ઉત્તર પ્રદેશમાં પ્રભુ શ્રીરામના જન્મસ્થળ અયોધ્યા કેન્ટ
વચ્ચે સાપ્તાહિક ટ્રેન શરૂ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કુલ 604 કિલોમીટરનું અંતર કાપનારી આ ટ્રેન બંને દેશોના યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સરહદી વિસ્તારના નાગરિકોને સીધી રેલ સુવિધા
પૂરી પાડશે.
રેલવે વિભાગ દ્વારા મંજૂરી અપાયેલ નવી સાપ્તાહિક ટ્રેન
ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી પસાર થશે. બંને ટર્મિનલ સ્ટેશન ઉપરાંત ટ્રેનને 10
સ્ટેશનો પર કમર્શિયલ સ્ટોપેજ પણ આપવામાં આવ્યા છે. જેમાં બિહારમાં જયનગર, મધુબની,
શિશો, સીતામઢી, રકસૌલ, નરકટિયાગંજ તેમજ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, બસ્તી, મનકાપુર
અને અયોધ્યા ધામ ખાતે ટ્રેન ઉભી રહેશે. આ ટ્રેન સેવા સપ્તાહમાં એક દિવસ કાર્યરત
રહેશે. જનકપુર ધામથી દર શનિવારે ઉપડશે અને અયોધ્યા કેન્ટથી દર સોમવારે ઉપડશે.
રામાયણ સાથે જોડાયેલા પ્રવાસનને વેગ આપવા માટે ઉપરાંત આ
ટ્રેન શિક્ષણ, વેપાર અને પારિવારિક કારણોસર સરહદ પાર મુસાફરી કરતા લોકો માટે
પરિવહનનો સરળ વિકલ્પ પણ બની રહેશે. આ ટ્રેનની મદદથી બિહાર અને નેપાળના સરહદીય
જિલ્લાઓમાં સામાજિક અને આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે. તેમજ રૂટ પરના ટૂર
ઓપરેટર્સ, હોસ્પિટાલિટી વ્યવસાયો, સ્થાનિક વેપારીઓ અને પરંપરાગત કારીગરો માટે
રોજગારીની નવી તકો ઉભી થશે. આ નવી સેવાથી તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓ માટે
સરહદપારની મુસાફરી સરળ અને આરામદાયક બની રહેશે. જનકપુર અને અયોધ્યા વચ્ચેની
ધાર્મિક યાત્રા સરળ બનશે. તેની સાથે જ રામાયણ સાથે જોડાયેલા પ્રવાસન સર્કિટને
પ્રોત્સાહન મળશે.
નેપાળના પ્રધાનમંત્રી નવેમ્બરના અંત સુધી ભારત આવે તેવી શક્યતા
બંને દેશો વચ્ચે આ પ્રકારની સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થાય
તો જળ, વિજળી, વેપાર અને સીમા જેવા ઘણા મુદ્દાઓ પર બંને દેશના સંબંધો સુમેળભર્યા
બની રહેશે. નેપાળના પ્રધાનમંત્રી ખાસ આ ટ્રેન અંગે ચર્ચા માટે આ જ માસમાં ભારત આવે
તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.