સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત, 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાનું વિશેષ સત્ર
સંસદીય મંત્રી કિરણ રિજિજૂએ કરી જાહેરાત, કેટલાક મહત્વના સરકારી કામકાજો માટે વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત, ચોમાસુ સત્ર અંતર્ગત જ યોજાશે બેઠક.
સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી ફરી એકવાર શરૂ થશે, સંસદીય
બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ આ અંગેની સત્તાવાર માહિતી આપી છે. લોકસભાની બેઠક
સોમવારે 30 નવેમ્બરે યોજાશે, જ્યારે રાજ્યસભાની બેઠક બુધવારે 2 ડિસેમ્બરે યોજાશે. બંને
ગૃહોની કાર્યવાહી 3 ડિસેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે. જોકે 3 ડિસેમ્બરે કાર્યવાહી
પૂર્ણ થવાની શક્યતા ખૂબ ઓછી છે, સરકારી કામકાજની જરૂરિયાતો પ્રમાણે સત્રની
કાર્યવાહી પૂર્ણ થવાની બાબત સંભવિત રહેશે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી
કિરણ રિજિજૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સત્તાવાર માહિતી આપી છે. આ બેઠકો સંસદના
ચોમાસુ સત્રનો જ એક ભાગ હોવાનું જણાવ્યુ છે, તેનો અર્થ એ થયો કે તેને નવુ સત્ર
ગણવામાં આવશે નહી, આ માટે સરકારે લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિને બંને
ગૃહોની બેઠક ફરીથી બોલાવવા અનુરોધ કર્યો છે. કિરણ રિજિજૂએ જણાવ્યુ છે કે આ બેઠકો
બોલાવવા પાછળનો મુખ્ય હેતુ અત્યંત જરૂરી સરકારી કામકાજ પૂર્ણ કરવાનો છે.
ચોમાસુ સત્રની કાર્યવાહી 13 ઓગસ્ટે અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરાઈ હતી
સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી 13 ઓગસ્ટે અનિશ્ચિત કાળ
સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, હવે સરકારે તે જ કાર્યવાહી ફરીથી શરૂ કરવાની
વિનંતી કરી છે. સરકાર તરફથી આ બેઠકો અંગેના એજન્ડાની કોઈ વિસ્તૃત માહિતી જાહેર
કરવામાં આવી નથી. આ સત્ર દરમિયાન બંને ગૃહોમાં મહત્વના સરકારી કામકાજ હાથ ધરવામાં
આવશે, પરંતુ ગૃહમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે તેને લઈને સત્તાવાર વિગતો હજુ
સુધી જાહેર કરવામાં આવી નથી.