ઈન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના, ગેરકાયદે સોનાની ખાણમાં પાણી ભરાતા 8ના મોત
ઈન્ડોનેશિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં દુર્ઘટના, વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી 8 શ્રમિકોના મોત, 18 હજુ પણ ફસાયેલા, વરસાદના કારણે બચાવ કામગીરીમાં સમસ્યા.
ઈન્ડોનેશિયામાં વેસ્ટ જાવા પ્રાંતમાં સોનાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ છે. મુશળધાર વરસાદના કારણે 100 મીટર ઉંડી ખીણમાં પાણી ભરાઈ જતાં 8 શ્રમિકોના મોત થયા છે. જ્યારે 18 શ્રમિકો હજુ પણ અંદર ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
રાજધાની જેકારતાથી આશરે 60 કિલોમીટર દૂર બોગોરના પૌંગકોર પહાડી વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ખાણની મુખ્ય શાફ્ટમાં પાણી ભરાઈ ગયા હતા. અંદર ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે સુરક્ષા દળો અને બચાવ ટુકડીઓ દ્વારા પંપ મૂકીને પાણી બહાર કાઢવાની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે. જેકારતા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓફિસના વડા દેસિયાના કાર્તિકા બહારીના જણાવ્યા અનુસાર, ખાણની ઊંડાઈ વધુ હોવાની સાથે તેનો પ્રવેશદ્વાર ખૂબ જ સાંકડો છે. ઉપરાંત, ભારે વરસાદના કારણે રસ્તો અત્યંત લપસણો બની ગયો છે અને અંદર પૂરતું અંધારું હોવાથી રેસ્ક્યૂકર્મીઓ માટે કામગીરી કરવી અત્યંત જોખમી અને પડકારજનક બની રહી છે.

ઈન્ડોનેશિયાની સ્ટેટ માઈનિંગ કંપની 'અંતમ' જે તે
વિસ્તારમાં સોનાનું સત્તાવાર ઉત્ખનન કરે છે, તેણે સ્પષ્ટતા
કરી છે કે આ દુર્ઘટના તેમની કોઈ ખાણમાં નથી થઈ પરંતુ તે એક ગેરકાયદેસર અને અનધિકૃત
રીતે ચાલતી સોનાની ખાણ હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાના
દુર્ગમ વિસ્તારોમાં આવા નાના પાયાના અનધિકૃત માઈનિંગના કારણે અગાઉ પણ અનેક જીવલેણ
અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.
