લલિત મોદી હવેથી બ્રિટિશ નાગરિક, સપ્ટેમ્બરમાં મળી નાગરિકતા
16 વર્ષથી લંડનમાં છે લલિત મોદી, લંડનના પોશ વિસ્તારમાં લલિત મોદીનો વિલા છે. અગાઉ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના ગુના નોંધાયા છે. હવે ભારત પરત લાવવામાં મુશ્કેલી
ઈન્ડિયન પ્રિમિયર લીગના સ્થાપક લલિત મોદીએ જાહેરાત કરી છે
કે સત્તાવાર રીતે હવે તેઓ બ્રિટિશ નાગરિક છે. તેમને 15 સપ્ટેમ્બર 2026ના રોજ
સત્તાવાર રીતે બ્રિટનની નાગરિકતા મળી છે, લલિત મોદીએ ડિબેટ સોસાયટી ઓક્સફર્ડ
યુનિયનમાં સંબોધન સમયે આ વાત જણાવી હતી. લલિત મોદીની જાહેરાતનો અર્થ છે કે હવે તેઓ
ભારતીય નાગરિક નથી, કારણ કે ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી. જો કે તેમની
ભારતીય નાગરિકતા તો 2 વર્ષ પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી.
વાનુઆતુના પ્રધાનમંત્રીએ પાસપોર્ટ રદ્દ કરાવી દીધો હતો
માર્ચ 2025માં લલિત મોદીએ પેસેફિક આઈલેન્ડ દેશ વાનુઆતુની
નાગરિકતા લીધી હતી. બાદમાં ત્યાંના પ્રધાનમંત્રીએ તેમનો પાસપોર્ટ રદ્દ કરાવી દીધો
હતો, તેમણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે લલિત પ્રત્યાર્પણથી બચવા માટે નાગરિકતા લઈ
રહ્યા છે.
ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ જેવા આરોપ છે લલિત મોદી પર
લલિત મોદી વર્ષ 2010માં જ લંડન જતા રહ્યા હતા, તેમના પર IPL માં નાણાકીય અનિયમિતતા, મની લોન્ડરિંગ, બિડ-રિગિંગ જેવા
આરોપ લાગ્યા હતા, ત્યારથી જ તેઓ ત્યાં રહે છે. બ્રિટિશ નાગરિકતા તેમની ત્રીજી
નાગરિકતા હશે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યુ છે કે આ એક ગર્વની ક્ષણ છે, આજથી નવા અધ્યાયની
શરૂઆત છે. મને ઓક્સફર્ડ યુનિયનમાં સંબોધનની તક મળી, જ્યાં મેં ખૂબ ખાસ અને
વ્યક્તિગત સીમાચિહ્ન વિશે વાત કરી. મને બ્રિટિશ નાગરિકતા મળવા પર ખૂબ ગર્વ થઈ
રહ્યો છે, 15 સપ્ટેમ્બર 2026 ના રોજ પરિવાર અને મિત્રો સાથે બ્રિટિશ નાગરિકતાની
ઉજવણી કરી હતી.
ભારત આવવા માટે OCI કાર્ડની અરજી કરશે
બંધારણના અનુચ્છેદ
9 અને સિટિઝનશિપ એક્ટ 1955ની કલમ 9 મુજબ જ્યારે કોઈ ભારતીય બીજા દેશની નાગરિકતા
અપનાવી લે છે, તો તેની ભારતીય
નાગરિકતા આપમેળે સમાપ્ત થઈ જાય છે. આ માટે કોઈ અલગથી ઓર્ડર કે મંજૂરી લેવી પડતી
નથી.લલિત મોદીએ જુલાઈ 2026માં કહ્યું હતું કે,
હવે તેઓ OCI કાર્ડ માટે અરજી કરશે. ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા કાર્ડ,
નાગરિકતા નથી. તે એક લાઈફટાઈમ વિઝા જેવું છે.
તેને બનાવનારને ભારતમાં રહેવાનો, કામ કરવાનો અધિકાર
મળે છે.જોકે OCI કાર્ડ હોલ્ડર વોટ આપી શકતા નથી, ચૂંટણી લડી શકતા નથી, સરકારી નોકરી કરી શકતા નથી, ખેતીની જમીન ખરીદી શકતા નથી.
વિવાદાસ્પદ રહ્યો છે કાર્યકાળ
લલિત મોદી 2005થી
2009 સુધી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. 2008માં IPL શરૂ કરી. BCCIએ તેમને IPLના અધ્યક્ષ અને
કમિશનર બનાવ્યા. 2010માં લલિત પર IPLમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા.લલિતે મોરેશિયસની
કંપની વર્લ્ડ સ્પોર્ટ્સને IPLનો 425 કરોડનો
કોન્ટ્રાક્ટ આપ્યો હતો. મોદી પર 125 કરોડ રૂપિયા કમિશન લેવાના આરોપ હતા. એવું પણ
કહેવાયું કે, તેમણે બે નવી
ટીમોની હરાજી દરમિયાન ખોટી રીતો અપનાવી.2010માં BCCIએ IPLની ત્રીજી સિઝનની ફાઈનલના તરત બાદ લલિતને સસ્પેન્ડ કરી દીધા. 2010માં જ
અંડરવર્લ્ડ તરફથી ધમકીઓનો હવાલો આપતા લલિત મોદી ભારત છોડીને લંડન ચાલ્યા ગયા.EDએ તેમની વિરુદ્ધ 'બ્લુ કોર્નર' નોટિસ જારી કરી. તેમનો પાસપોર્ટ પણ રદ કરી દેવામાં આવ્યો. 2011માં BCCIએ અરુણ જેટલીની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ
બનાવી.ત્યારે કોંગ્રેસ સાંસદ રહેલા જ્યોતિરાદિત્ય
સિંધિયા અને BCCI અધ્યક્ષ રહેલા એન.
શ્રીનિવાસન તેના સભ્ય હતા.2012માં લલિત મોદીએ
કહ્યું કે, તેમણે 2009ની IPLમાં CSKમાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફને લાવવામાં શ્રીનિવાસનની મદદ કરી
હતી.