ઈરાનમાં હિજાબ ન પહેરવા પર મહિલા સિંગરને 74 કોરડા વિંઝવાની સજા
સિંગર પરસ્તુ અમહદીને કુમ ક્રિમિનલ કોર્ટે ફટકારી સજા, ડિસેમ્બર 2024માં લાઈવ કોન્સર્ટ દરમિયાન હિજાબ નહોતો પહેર્યો, પુરૂષો સામે સ્લિવલેસ ડ્રેસ પણ પહેર્યો હતો, ઈરાનમાં મહિલાઓને અનેક પ્રકારના સામાજિક પ્રતિબંધો.
ઈરાનમાં એક ગાયિકાને હિજાબ વગર કોન્સર્ટ કરવા બદલ કાયદાકીય
કાર્યવાહી કરવામાં આવી છે અને સિંગરને 74 કોરડા વિંઝવામાં આવ્યા હતા. જૂન 2026માં
કુમ શહેરની ક્રિમિનલ કોર્ટે સિંગરને આ સજા સંભળાવી હતી. કોર્ટે સિંગર પર અશ્લીલ
કન્ટેન્ટ અને શાલીનતા ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે તમામ ક્રુ પર 2 વર્ષ
સુધી દેશ છોડવા અને ગીત-સંગીતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુક્યો છે.
દેશભક્તિ ગીત યુટ્યુબ લાઈવ કોન્સર્ટ કરીને ગાયુ
આ સમગ્ર ઘટના ડિસેમ્બર 2024ની છે. 29 વર્ષની પરસ્તુ અહમદીએ હિજાબ પહેર્યા વિના યુટ્યુબ પર લાઇવ
કોન્સર્ટ કર્યો હતો. તેણે ઈરાનનું લોકપ્રિય દેશભક્તિ ગીત 'અઝ ખૂને જવાનાને વતન' (માતૃભૂમિના
યુવાનોના લોહીથી) ગાયું હતું. આ દરમિયાન તેમણે હિજાબ વિના અને સ્લીવલેસ ડ્રેસ
પહેર્યો હતો. કોન્સર્ટનો વીડિયો થોડા જ
સમયમાં વાયરલ થઈ ગયો. આ વીડિયોને યુટ્યુબ પર 10 લાખથી વધુ વખત
જોવામાં આવ્યો. પરસ્તુ અહમદીના આ 27 મિનિટના
વીડિયોમાં તે સ્લીવલેસ ડ્રેસ પહેરીને ચાર પુરુષ સંગીતકારો સાથે ગીત ગાતી જોવા મળી
રહી હતી. વીડિયોના કેપ્શનમાં તેમણે તેને કાલ્પનિક કોન્સર્ટ ગણાવ્યો હતો.
મહિલાઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું પ્રતીક ગણાવ્યો
પરસ્તુના આ વીડિયોને અનેક લોકોએ મહિલાઓની અભિવ્યક્તિની
સ્વતંત્રતાનું પ્રતીક ગણાવ્યો. ઈરાની અધિકારીઓએ તેને કાયદા વિરુદ્ધ ગણાવ્યું. ઈરાનમાં
મહિલાઓ માટે જાહેર સ્થળોએ હિજાબ પહેરવો ફરજિયાત છે. અધિકારીઓએ હિજાબ પહેર્યા વિના
ગીત ગાવાને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું.ઑક્ટોબરમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે અપીલ બાદ પણ સજા યથાવત્
રાખવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સંગઠને ઈરાનના અધિકારીઓને કોરડા મારવાની સજા
અમલમાં ન મૂકવાની માંગ કરી હતી.
મહિલાઓ પર ઈરાનમાં અનેક સામાજિક પ્રતિબંધો
ઈરાનમાં મહિલાઓ પર અનેક સામાજિક પ્રતિબંધો છે. કાયદા અનુસાર
તેઓ જાહેર સ્થળે એકલી ગાઈ શકતી નથી અને હિજાબ વિના લોકો સામે આવી શકતી નથી. તેમને
સાદાં કપડાં પહેરવાનો નિયમ પણ પાળવો પડે છે. પરસ્તૂ અહમદીયે આ નિયમોનો ખુલ્લેઆમ
વિરોધ કર્યો હતો. તેઓ પહેલીવાર 2022માં હિજાબ
વિરોધી પ્રદર્શનો દરમિયાન ચર્ચામાં આવી હતી. તેમના પર આ પ્રદર્શનોના સમર્થનમાં ગીત
ગાવાનો આરોપ મૂકાયો હતો. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ તેમની પૂછપરછ કરી હતી અને
તેમના ઘરમાં તપાસ પણ કરી હતી.