જાપાન પાસે મિસાઈલ પરીક્ષણ માટે નથી જગ્યા, ભારતની જમીનનો કરશે ઉપયોગ
જાપાન એક હજાર કિલોમીટર સુધીની મિસાઈલ અને નાના ડ્રોનનું પરીક્ષણ ભારતમાં કરી શકશે-બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મોટો સહયોગ સાધી શકાશે, ભારતને પણ આનાથી ફાયદો જ ફાયદો.
ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મોટું પગલુ લેવામાં
આવી રહ્યુ છે. જાપાનની સેના આવનારા વર્ષોથી લાંબા અંતરની મિસાઈલોનું પરીક્ષણ
ભારતની ફાયરિંગ રેન્જમાં કરશે. બંને દેશો વચ્ચે ટોક્યોમાં યોજાયેલી વાટાઘાટોમાં આ
અંગે સંમતિ સધાઈ છે. જાપાન પોતાની 1000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી
ટાઈપ-25-એન્ટિ શિપ મિસાઈલ અને નાના અટેક ડ્રોનનું પરીક્ષણ કરવા ઈચ્છે છે, પરંતુ આ
માટે જાપાન પાસે આટલી લાંબી રેન્જ ધરાવતી ખાલી જગ્યા નો અભાવ છે. જેના માટે ભારતની
જગ્યાનો ઉપયોગ કરશે જાપાન.
જાપાનના સંરક્ષણ મંત્રી શિંજિરો કોઈઝુમીએ કહ્યું- અમે આ વાત
પર સહમત થયા છીએ કે, આવતા વર્ષે
જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ પહેલીવાર ભારતની ફાયરિંગ રેન્જનો ઉપયોગ કરશે. આ
વ્યૂહાત્મક રીતે પણ એક મોટું પગલું છે. જાપાન સામે મિસાઇલોના લાઇવ-ફાયર પરીક્ષણ
માટેની રેન્જ ધરાવતી જગ્યા હંમેશાંથી મોટો પડકાર રહી છે. કારણ કે જાપાન અનેક
દ્વીપોથી બનેલો દેશ છે. ત્યાં વસ્તીની ગીચતા ઘણી વધારે છે અને સમુદ્રની આસપાસનો
વિસ્તાર વેપારી પ્રવૃત્તિઓને કારણે વ્યસ્ત રહે છે. જ્યારે, લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરવા માટે વિશાળ અને
સુરક્ષિત ફાયરિંગ ક્ષેત્રની જરૂર પડે છે. મિસાઇલ છોડ્યા પછી તેના સમગ્ર માર્ગ અને
સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર પર નજર રાખવી પડે છે. આવા પરીક્ષણો માટે સમુદ્રમાં પણ
પૂરતી ખાલી જગ્યા શોધવી પડે છે, જેથી કોઈ જહાજ
અથવા નાગરિક પ્રવૃત્તિને જોખમ ન પહોંચે. આ સંદર્ભમાં ભારત પાસે વધુ સારી
પરિસ્થિતિઓ છે. આપણા દેશમાં વિશાળ સૈન્ય તાલીમ ક્ષેત્રો અને સમુદ્રમાં મોટા
ઓપરેશનલ સ્પેસ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં જાપાનને ભારતીય ફાયરિંગ રેન્જનો ઉપયોગ
કરવાની સુવિધા મળવાથી તેને વાસ્તવિક પરિસ્થિતિઓમાં પોતાની મિસાઇલોની ક્ષમતા
ચકાસવાની તક મળશે.
ભારત અને જાપાન વચ્ચે સહયોગ માત્ર મિસાઇલ તાલીમ પૂરતો જ
સીમિત રહેવાનો નથી. આ ઉપરાંત બંને દેશો સંરક્ષણ ટેક્નોલોજી અને સૈન્ય ઉત્પાદનના
ક્ષેત્રમાં પણ સાથે આગળ વધી રહ્યા છે. સાથે જ બંને દેશો યુનિકોર્ન (UNICORN) સ્ટેલ્થ નેવલ માસ્ટ સિસ્ટમના પ્રોજેક્ટ્સને
વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા માંગે છે. 'ડિઝાઇન વિથ
જાપાન, મેક ઇન ઇન્ડિયા' હેઠળ ફેબ્રુઆરી 2027 સુધીમાં ભારત તરફથી જરૂરી મંજૂરી વહેલી મળવાની આશા છે. નોંધનીય
છે કે, યુનિકોર્ન એક એવી ખાસ
એન્ટેના સિસ્ટમ છે, જેમાં
યુદ્ધજહાજ પર અલગ-અલગ સ્થળે લગાવવામાં આવેલા અનેક એન્ટેના અને સંચાર ઉપકરણોને એક જ
ઊંચા માળખામાં સ્થાપિત કરવામાં આવે છે. તેને જાપાને વિકસાવી છે અને ભારત પણ તેને
પોતાની નૌકાદળના યુદ્ધજહાજોમાં સ્થાપિત કરવા માટે જાપાન સાથે મળીને વિકસાવવા જઈ
રહ્યું છે.
જાપાન ભારતમાં મિસાઈલ પરીક્ષણ કરે તો ભારતને શું ફાયદો થાય ?
-
ભારતીય યુદ્ધ જહાજો દુશ્મનના રડારમાં આવવાથી બચી જશે
-
દુશ્મન માટે જહાજોને ઓળખવા કે ટ્રેક કરવા મુશ્કેલ થઈ પડશે
-
સંચાર અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમની ગુણવત્તામાં સુધારો થશે
-
નૌકાદળ અને વાયુસેના વચ્ચે પણ તાલમેલ વધશે
બંને દેશોએ સમુદ્રમાં સુરક્ષા વધારવા માટે પણ સાથે મળીને
કામ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય નૌકાદળ અને જાપાનનું નૌકાદળ હવે સમુદ્ર અને
આકાશમાં દેખરેખ, ગુપ્તચર માહિતીની વહેંચણી, સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવવા અને આપત્તિના સમયે રાહત
પહોંચાડવા જેવા કાર્યોમાં સહયોગ કરશે. બંને દેશો સમુદ્રમાં બિછાવવામાં આવેલી
દરિયાઈ સુરંગો શોધવા અને તેમને નષ્ટ કરવાની પદ્ધતિમાં પણ સુધારો કરશે. આ ઉપરાંત, બંને દેશો સાથે મળીને નૌસૈનિક જહાજો બનાવવાની શક્યતાઓ પણ
શોધશે.
હવાઈ ક્ષેત્રમાં પણ ભારત અને જાપાન વચ્ચે સૈન્ય સહયોગ વધી
રહ્યો છે. 'વીર ગાર્જિયન-26' સૈન્ય અભ્યાસ દરમિયાન જાપાનના લડાકુ વિમાનોએ પ્રથમ વખત
ભારતની મુલાકાત લીધી. હવે બંને દેશો પોતાના સૈન્ય અભ્યાસને વધુ આધુનિક બનાવવાની
તૈયારી કરી રહ્યા છે. તેમાં ડ્રોન અને પાઇલટ વિના ચાલતા અન્ય સૈન્ય સાધનોનો પણ
સમાવેશ કરવામાં આવશે. સાથે જ, જરૂર પડે
ત્યારે ઓછા સમયની સૂચના પર પણ બંને દેશો સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી શકશે.
આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેરવાની તૈયારી
ભારત અને જાપાન તરફથી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં
આતંકવાદના મુદ્દે પણ સહિયારી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નિવેદનમાં બંને દેશોએ
સરહદ પારના આતંકવાદ સહિત દરેક પ્રકારના આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની આકરા શબ્દોમાં
નિંદા કરી છે. સંયુક્ત નિવેદનમાં અલ-કાયદા, ISIS, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંયુક્ત રાષ્ટ્ર
દ્વારા સૂચિબદ્ધ આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને દેશોએ
આતંકવાદીઓને મળતા સુરક્ષિત આશ્રયસ્થાનો, નાણાકીય સહાય
અને સરહદ પારની અવરજવર રોકવા માટે નક્કર પગલાં લેવા પર ભાર મૂક્યો છે