મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ: ફરી એક થશે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ?
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધ્યો, NCP ના વિલયની અટકળો વચ્ચે શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથને એક કરવા પ્રસ્તાવ, ઉદ્ધવ ઠાકરે જૂથે સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા
છે. NCP ના બંને જૂથોના વિલયની
અટકળો વચ્ચે હવે શિવસેનાના એકીકરણની ચર્ચાએ જોર પકડ્યુ છે, જેના લીધે રાજકારણમાં
ગરમાવો આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના તરફથી
ઉદ્ધવ ઠાકરે જૂથને સાથે આવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રતાપ
જાદવે આ અંગે પહેલ કરતા જણાવ્યુ છે કે ઉદ્ધવ ઠાકરે જૂથ તેમની સાથે વિલય કરી શકે
છે. જો કે આ માટે તેમણે એક મહત્વપૂર્ણ શરત પણ રાખી છે. વર્ષ 2022માં શિવસેનામાં થયેલા ભાગલા બાદ પક્ષનું નામ અને ચૂંટણી
ચિહ્ન એકનાથ શિંદે જૂથને મળ્યા હતા, ત્યારે હવે આ
નવા પ્રસ્તાવ પર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા
આપવામાં આવી નથી.
કેન્દ્રીય મંત્રી પ્રતાપ જાદવે શિવસેના UBT સામે શરત મુકતા કહ્યુ છે કે અમારા અગાઉના નેતાઓ પાર્ટીની
નીતિથી દૂર થઈ ગયા હતા, તેથી તેઓ એકનાથ શિંદે સાથે ગયા જેઓ બાળાસાહેબના આદર્શોનું
પાલન કરી રહ્યા છે. જો બીજા જૂથના લોકો પણ બાળાસાહેબના આદર્શો માનતા હોય અને પાલન
કરતા હોય તો તેમનું સ્વાગત છે. આ અંગે શિવસેનાના નેતા ચંદ્રકાંત રઘુવંશીએ પણ સકારાત્મક
સંકેત આપ્યા છે. તેમણે કહ્યુ કે જો ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ફરીથી સાથે આવે
તો, તે સાચી દિવાળી હશે, બીજી તરફ સાંસદ ઓમરાજ નિમ્બાલકરે પણ માન્યુ કે જો બંને
નેતાઓ એક થઈ જાય તો સામાન્ય જનતાને જ ફાયદો છે.
એક તરફ શિવસેનાના વિલયની વાતો ચાલી રહી છે, તો બીજી તરફ શિવસેના (UBT) એનસીપીના વિલયની અટકળોને લઈને વરિષ્ઠ નેતા શરદ પવાર પર
નિશાન સાધી રહી છે. પાર્ટીના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, 'આવી અફવાઓથી શરદ પવારની છબીને નુકસાન પહોંચે છે, કારણ કે તેઓ મહાવિકાસ આઘાડી અને ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો હિસ્સો છે. પાર્ટીના મુખપત્રના
સંપાદકીયમાં પણ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુનેત્રા પવાર સમર્થિત જૂથનો કોઈ
વૈચારિક આધાર નથી અને માત્ર મંત્રી પદ મેળવવા માટે શરદ પવારના સિદ્ધાંતોને ખતમ
કરવા યોગ્ય નથી.'
એનસીપીના બંને જૂથોના વિલય અંગે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું
નથી. નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારની એનસીપીનું કહેવું છે કે, 'જ્યાં સુધી સુનેત્રા પવાર કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી કંઈ
કહી શકાય નહીં.' બીજી તરફ, સાંસદ સુપ્રિયા સુલેએ આવા કોઈપણ પ્રસ્તાવનો સ્પષ્ટ ઇનકાર
કરતા કહ્યું છે કે, 'પૂર્વ નાયબ
મુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ આ ચર્ચાઓ સમાપ્ત થઈ ગઈ હતી.' જોકે, કેબિનેટ મંત્રી
છગન ભુજબળ અને મહારાષ્ટ્ર એનસીપી અધ્યક્ષ સુનીલ તટકરેએ વિલયની તરફેણમાં નિવેદનો
આપ્યા છે. તટકરેએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે જો અજિત પવાર જીવિત હોત, તો ફેબ્રુઆરીમાં જ બંને જૂથોનું વિલય થઈ ગયું હોત.