માઈક્રોસોફ્ટ 365 ઠપ્પ: વિશ્વમાં કેટલાય દેશોમાં અટવાયા કામકાજ
માઈક્રોસોફ્ટની સિસ્ટમ ઠપ્પ થતા વિશ્વમાં હડકંપ, કેટલાય દેશની ડિજિટલ સિસ્ટમ ખોટકાઈ, ભારતમાં એરલાઈન્સ થઈ પ્રભાવિત.
માઈક્રોસોફ્ટમાં સિસ્ટમ ખોટકાઈ જતા સમગ્ર વિશ્વમાં ડિજિટલ
કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. વિશ્વની મોટી મોટી કંપનીઓ અને સરકારી સંસ્થાની કામગીરી પર
અસર પડી છે. હોંગકોંગમાં બેન્કિંગ સેવાઓ, ઓસ્ટ્રેલિયામાં ગુપ્તચર અને પોલીસ સેવાની
કામગીરીમાં મુશ્કેલી આવી હતી. 74 થી વધુ દેશોમાં ધંધાકીય કામકાજ પર અસર પડી ગઈ
હતી. જાપાનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીના કારોબાર પર અસર પડી ગઈ હતી. ફિલિપાઈન્સમાં
અદાલતોની કામગીરી ખોરવાઈ ગઈ હતી. અનેક સ્થળો પર શાળા અને હોસ્પિટલોની કામગીરી પણ
ઠપ્પ થઈ ગઈ હતી. ભારતમાં હવાઈ સેવાઓ પર પણ તેની અસર જોવા મળી હતી.
20 કલાક બાદ પણ રિકવરીમાં સમસ્યા
અમેરિકન ટેકનોલોજી કંપની આ મુશ્કેલીની જાણકારી મળ્યા પછી
તેને પૂર્વવત્ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. જાણકારી મળ્યાના 20 કલાક પછી પણ તેના
એન્જિનિયરો આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી. કંપની હજી પણ કહી રહી છે કે તેને 48
કલાક જેટલો સમય લાગી શકે છે. તેણે સ્વીકાર્યુ કે તેની સર્વિસને વધુ સારી કરવાની
જરૂર છે. માઇક્રોસોફ્ટ 365માં આવેલી
આ તકલીફના લીધે લાખો યુઝર્સ પોતાના આઉટલૂક ઇનબોક્સ ખોલી ન શક્યા. ઇ-મેઇલ મોકલવામાં
અને મેળવવામાં ખાસ્સા સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે ટીમ્સ તેમજ
માઇક્રોસોફ્ટ એઆઈ આસિસ્ટન્ટ કોપાયલોટના ઘણા ફીચર્સ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ડાઉનડિટેક્ટર મુજબ આઉટલૂક સાથે જોડાયેલી તકલીફોના કુલ 1.38
લાખ મામલા નોંધાયા છે. કેટલાક યુઝર્સ માટે આ સંકટ પાંચ કલાકથી પણ વધુ સમય ચાલ્યું.
આ દરમિયાન ચેટજીપીટી અને ક્લોડ જેવા લોકપ્રિય એઆઈ ટૂલ્સને પણ માઇક્રોસોફ્ટ ૩૬૫
સાથે જોડાવવામાં ભારે સંઘર્ષનો સામનો કરવો પડયો.કંપનીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું
હતું કે રિકવરીના ઉપાય જારી છે. અમને સ્થિતિમાં પ્રારંભિક સ્થિરતા અને ક્ષમતામાં
સુધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પગલે મોડેથી પહોંચતા ઇ-મેઇલને સલામતરાખવા માટે
અમે ઇ-મેઇલનો ટાઇમઆઉટ સમય વધારી 40 મિનિટનો કરી દીધો છે.
અપડેટના કારણે થઈ સમસ્યા, સાયબર હુમલાની આશંકા નહિવત
માઇક્રોસોફ્ટ મુજબ, આ આઉટેજ ખરાબ
અથવા ખોટી રીતે કરવામાં આવેલા સૉફ્ટવેર અપડેટને કારણે થયો છે. તેની પાછળ કોઈ સાયબર
હુમલો અથવા હૅકિંગ જેવી ઘટના નથી. માઇક્રોસોફ્ટે
એમ પણ કહ્યું કે આ સમસ્યા ઘણી હદ સુધી જુલાઈ 2024માં થયેલી
ક્રાઉડસ્ટ્રાઇકની ઘટના જેવી જ છે, જ્યાં
ખામીયુક્ત અપડેટને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. ખામી દૂર કરવા માટે કરવામાં આવેલા
ફેરફારો અપેક્ષા મુજબ કામ કરી રહ્યા નથી. કંપની હવે અન્ય રીતોની ટેસ્ટિંગ કરી રહી
છે, જેથી સિસ્ટમ પર વધુ દબાણ
નાખ્યા વિના વધુમાં વધુ યુઝર્સને પ્લેટફોર્મ સાથે જોડી શકાય.દુનિયાભરમાં 43
કરોડથી વધુ લોકો માઇક્રોસોફ્ટ 365 એપ્સનો ઉપયોગ કરે છે. તેમાં આઉટલુક-ટીમ્સ જેવી
સબ્સ્ક્રિપ્શન સેવાઓનો સમાવેશ થાય છે. ટ્રેકિંગ પ્લેટફોર્મ્સના આંકડા અનુસાર, 30થી 40 લાખ કંપનીઓ પોતાના રોજિંદા કામકાજ માટે માઇક્રોસોફ્ટ 365 પર નિર્ભર
છે. આ ઉપરાંત, કંપનીનું કહેવું છે કે દુનિયાની ટોપ 90%થી વધુ
ફોર્ચ્યુન 500 કંપનીઓ તેના AI ચેટબોટ 'કોપાયલટ'નો ઉપયોગ કરે છે.