80 કરોડના લગ્નમાં બિહારીઓએ મચાવી લૂંટ, ધારાસભ્ય અનંત સિંહની દીકરીના લગ્ન સમારોહમાં ભીડ બેકાબૂ
બિહારના મોકામામાં ધારાસભ્ય અનંત સિંહની દીકરી શિવાંગીના લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. શાહી ઠાઠમાઠ સાથે ત્યાં ઉમટેલી ભીડ અને લૂંટફાટના દ્રશ્યોના કારણે લગ્ન સમગ્ર દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ધોડદોડ જોવા માટે હજારો લોકો ઉમટી પડતા 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો અને ધોડદોડ રેસ રદ્દ કરવાની ફરજ પડી હતી.
અનંતસિંહની દીકરીના લગ્નમાં આયોજકો દ્વારા અંદાજે 4 લાખ
લોકોના ભોજનની તૈયારી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ લોકો
એકસાથે જમવા માટે ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી. મહાભોજમાં સૌથી વધુ ચર્ચા
ભોજન વિતરણ દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિની થઈ રહી છે. લગ્નમાં મહેમાનો અને સ્થાનિક
લોકોની ભારે ભીડ એકઠી થવાની શક્યતા પહેલેથી જ હતી, જેને ધ્યાનમાં
રાખીને મેદાનમાં અસ્થાયી રસોડું બનાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે જમવા માટે
લોકોની ભીડ વધી ત્યારે પતરાળા વહેંચવા અને વ્યવસ્થિત રીતે ભોજન પીરસવું મુશ્કેલ
બની ગયું. ભીડનું દબાણ એટલું વધી ગયું કે લોકો સુધી પતરાળા પહોંચાડવા માટે તેને
હવામાં ઉછાળીને ફેંકવા પડ્યા હતા. જમવાની રાહ જોઈને ઉભેલા લોકો વચ્ચે પતરાળા
મેળવવા માટે રીતસરની હોડ જામી હતી. કેટલાક લોકોને જ્યાં જગ્યા મળી ત્યાં જમીન પર
કે ભીડની વચ્ચે જ બેસીને જમવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકો પીરસવાની રાહ
જોવાને બદલે જાતે જ વાસણોમાંથી ભોજન કાઢતા જોવા મળ્યા હતા. ક્યાંક હાથ વડે જ
વાસણોમાંથી ભોજન કાઢવાની તસવીરો સામે આવી તો ક્યાંક લોકો પોતાની સુવિધા મુજબ ભોજન
લઈને બેસતા નજરે પડ્યા. જે આયોજનમાં મહેમાનોને વ્યવસ્થિત બેસાડીને જમાડવાની તૈયારી
હતી, ત્યાં અનિયંત્રિત ભીડ સામે
વ્યવસ્થા જાળવવી આયોજકો માટે મોટો પડકાર બની ગઈ હતી.
અનંત સિંહની દીકરીના લગ્નમાં ભીડનો અંદાજ એ વાત પરથી લગાવી
શકાય છે કે આસપાસના રસ્તાઓ પર 10 કિલોમીટરથી વધુ
લાંબો જામ લાગી ગયો હતો. મોકામામાં આયોજિત આ ઘોડદોડ સ્પર્ધા જોવા માટે બિહારના
વિવિધ વિસ્તારો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવ્યા હતા. ઘોડાઓ વચ્ચેની
હરીફાઈનું આકર્ષણ એટલું હતું કે મેદાનની આસપાસ પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી.
ભીડને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડતા અનંત સિંહે ઘોડદોડને અધવચ્ચે જ રોકાવી
દીધી હતી. હવે તેનો ફાઈનલ રાઉન્ડ ગુરુવારે યોજાવાનો છે. આ સ્પર્ધાના વિજેતા ઘોડાના
માલિકને ઇનામમાં 'થાર' ગાડી આપવામાં આવશે.
શિવાંગીના લગ્નમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક
જાણીતા ચહેરાઓએ પણ હાજરી આપી હતી. જેમાં ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ
સિંહ, બિહાર વિધાનસભાના અધ્યક્ષ
પ્રેમ કુમાર અને બિહાર સરકારના મંત્રી રામકૃપાલ યાદવ સહિતના અગ્રણીઓ સામેલ થયા
હતા. વરરાજા ઋષિકેશ કુમારની જાન પટનાના બિહટા સ્થિત કૃષ્ણા નગરથી આવી હતી. જયમાળા
દરમિયાન દુલ્હન શિવાંગીએ લૅન્ડ ક્રૂઝર કારમાં ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી, જ્યારે અનંત સિંહ પોતે જાનૈયાઓનું સ્વાગત કરતા જોવા મળ્યા
હતા.
આ સમગ્ર આયોજનની તૈયારીઓ પણ સરળ ન હતી. છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદે મેદાન અને અન્ય વ્યવસ્થાઓ ઉભી
કરવામાં ભારે મુશ્કેલી ઉભી કરી હતી. આમ છતાં અનંત સિંહ પોતાના સમર્થકો અને
કાર્યકરો સાથે મોડી રાત સુધી તૈયારીઓમાં જોતરાયેલા રહ્યા હતા. મેદાનને સમથળ
કરાવવામાં આવ્યું, ઘોડદોડ માટે
જગ્યા તૈયાર કરાઈ અને હેલિપેડ સુધીની વ્યવસ્થા કરવામાં આવી. આયોજકો તરફથી અંદાજે 4 લાખ લોકોના ભોજનનો પ્રબંધ કરાયો હોવાનું જણાવાયું હતું, જેના માટે મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી એકઠી કરવામાં આવી
હતી.