સૌથી ઘાતક અલ નીનો, 2027માં ગરમીના તમામ રેકોર્ડ તોડશે
અમેરિકાની હવામાન એજન્સીએ આપી ચેતવણી, પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ બની ગંભીર, 1950 પછીનું સૌથી શક્તિશાળી અલ નીનો. ગરમીના તમામ રેકોર્ડ્સ તોડશે
આવનારી ગરમીની ઋતુ બહુ આકરી બની રહે તેવી ચેતવણી અમેરિકન
હવામાન એજન્સીએ આપી છે. વર્ષ 2027માં ગરમીના તમામ રેકોર્ડ્સ તૂટવાની આશંકા વ્યક્ત
કરવામાં આવી છે. અમેરિકાની હવામાન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક
એડમિનિસ્ટ્રેશન (NOAA)એ 1950 પછીના સૌથી શક્તિશાળી અલ નીનોની ચેતવણી આપી છે. એજન્સીના
જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં અલ
નીનોની સ્થિતિ સતત ગંભીર બની રહી છે અને 2027ના જાન્યુઆરીથી
માર્ચ દરમિયાન પણ તે અત્યંત મજબૂત સ્થિતિમાં રહી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, આ અલ નીનો 1950 પછીનો સૌથી
શક્તિશાળી સાબિત થઈ શકે છે. તેની અસરથી ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરની સપાટીના
તાપમાનના જૂના રેકોર્ડ તૂટી શકે છે. આ ફેરફારની અસર વિશ્વભરના હવામાન ચક્ર પર જોવા
મળી શકે છે.
NOAAના તાજેતરના આંકડા મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર અને નવેમ્બરથી જાન્યુઆરીના સમયગાળા
દરમિયાન અલ નીનો 1950 પછીના તમામ
રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા લગભગ 60 ટકા સુધી
પહોંચી છે. આ સમયગાળા દરમિયાન સમુદ્રની સપાટીનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ વધી શકે છે. ઓક્ટોબર મહિનાથી જ
ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરના પશ્ચિમી વિસ્તારોમાં સમુદ્રની સપાટીનું તાપમાન
સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસથી વધુ
નોંધાઈ રહ્યું છે. 1950ના દાયકામાં
આંકડાઓની નોંધણી શરૂ થયા પછી પહેલીવાર આટલો મોટો વધારો જોવા મળ્યો છે. વિશ્વ
હવામાન સંગઠન (WMO)એ પણ આ વર્ષે
ઓક્ટોબરમાં તાપમાન અસાધારણ સ્તરે પહોંચવાની આશંકા વ્યક્ત કરી હતી.
શું છે અલ નીનો ?
સામાન્ય લોકો માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે આ અલ નીનો
શું છે અને તે પૃથ્વીના હવામાનને કેવી રીતે બદલી નાખે છે. અલ નીનો એ એક કુદરતી અને
ચક્રીય હવામાન સંબંધિત ઘટના છે, જેમાં પ્રશાંત
મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભૂમધ્યરેખીય વિસ્તારમાં સમુદ્રનું પાણી સામાન્ય કરતાં
ઘણું વધારે ગરમ થઈ જાય છે. હવામાન વિજ્ઞાનની ભાષામાં આ ઘટના ‘અલ નીનો સાઉથર્ન
ઓસિલેશન’ એટલે કે એન્સો (ENSO) ચક્રના ત્રણ
મુખ્ય તબક્કાઓમાંથી એક ગણાય છે. જ્યારે પ્રશાંત મહાસાગરના ચોક્કસ ‘નિનો 3.4’ વિસ્તારમાં સમુદ્રની સપાટીનું સરેરાશ તાપમાન સતત ત્રણ મહિના
સુધી સામાન્ય કરતાં 0.5 ડિગ્રી
સેલ્સિયસથી વધુ જળવાઈ રહે છે, ત્યારે
સત્તાવાર રીતે અલ નીનોની સ્થિતિ જાહેર કરવામાં આવે છે. આ વખતે તાપમાનનો વધારો
નિર્ધારિત માપદંડ કરતાં અનેકગણો વધારે હોવાથી તેની તીવ્રતા ખૂબ જ ભયાનક રહેવાની
ધારણા છે. સમુદ્રની સપાટી ગરમ થવાથી તેની ઉપરની હવા પણ ગરમ થાય છે, જે પવનની દિશા અને ગતિમાં મોટા ફેરફારો લાવે છે.
અલ નીનોની વિનાશક અસર માત્ર સમુદ્રના તાપમાન પૂરતી મર્યાદિત
રહેતી નથી, પરંતુ તે સમગ્ર પૃથ્વીના
વાતાવરણ અને ઋતુચક્રને અસ્તવ્યસ્ત કરી નાખે છે. સમુદ્ર અને વાતાવરણ વચ્ચેના આ
અસંતુલનને કારણે દુનિયાના અલગ-અલગ ખૂણામાં વિરોધાભાસી અને અત્યંત જોખમી હવામાન
જોવા મળે છે. એક તરફ કેટલાક દેશો અને વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઘણો
ઓછો વરસાદ પડે છે, જેના કારણે
ભયાનક દુષ્કાળ અને પાણીની તંગી જેવી સ્થિતિ સર્જાય છે. બીજી તરફ, દુનિયાના અન્ય કેટલાક ભાગોમાં વાદળ ફાટવા, અતિવૃષ્ટિ અને ભારે પૂર જેવી કુદરતી આફતો તબાહી મચાવે છે. આ
ઉપરાંત, જમીન પરના તાપમાનમાં ખૂબ જ
ઝડપથી વધારો થવાને કારણે ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે અને ગરમ પવનો એટલે કે લૂનું
પ્રમાણ ચિંતાજનક રીતે વધી જાય છે. અસહ્ય ગરમી અને સૂકા વાતાવરણને કારણે વિશ્વના
મોટા જંગલોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓમાં પણ મોટો વધારો થવાનું જોખમ રહેલું છે.