મધ્યપ્રદેશમાં વન અધિકારીને ત્યાં લોકાયુક્તના દરોડા: 2.5 કિલો સોનું અને કરોડોની મિલકત મળી
સાતપુડા ટાઈગર રિઝર્વના ડાયરેક્ટર સંજીવ કુમાર શર્માના ભોપાલ, પંચમઢી અને છિંદવાડા સ્થિત ઠેકાણાઓ પર લોકાયુક્તના દરોડા. આવક કરતા 560 ટકા વધુ સંપત્તિ મળી.
મધ્યપ્રદેશમાં લોકાયુક્તે વન વિભાગના એક અધિકારી સામે મોટી
કાર્યવાહી કરી છે. સાતપુડા ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર સંજીવ કુમાર શર્માના
ભોપાલ, પંચમઢી અને છિંદવાડા સ્થિત રહેઠાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ
દરમિયાન તેમની આવક કરતા 560 ટકા વધુ સંપત્તિ મળી આવી છે. 7.6 કરોડ રૂપિયાની
અપ્રમાણસર સંપત્તિ મળી હોવાનો ખુલાસો થયો છે. દરોડામાં 3.5 કરોડ રૂપિયાનું તો
માત્ર સોનું જ મળી આવ્યુ છે. આ સિવાય પણ બે આલીશાન રિસોર્ટ, વાહનો સહિતની મિલકતો
મળી આવી છે.
ગુપ્ત માહિતી અને સર્ચ વોરંટના આધારે કાર્યવાહી
મધ્યપ્રદેશ લોકાયુક્તના સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (SPE) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભોપાલની પ્રોફેસર
કોલોની ઉપરાંત પંચમઢી અને છિંદવાડામાં આવેલી સરકારી તથા ખાનગી મિલકતો પર એકસાથે
તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુપ્ત માહિતી અને કોર્ટ પાસેથી મેળવેલા સર્ચ વોરંટના
આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અધિકારીની સંપત્તિ આવક કરતાં 228 ટકા વધુ હોવાનો અંદાજ હતો. જોકે, તપાસ આગળ વધતાં આ આંકડો વધીને 560 ટકા એટલે કે આશરે 7.6 કરોડ રૂપિયા
થયો હતો. તપાસમાં પોતાની, પત્ની અને અન્ય
લોકોનાં નામે સંપત્તિ એકઠી કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે.
અધિકારીના ઘરેથી 26 લાખ રોકડ રકમ મળી આવી
તપાસ દરમિયાન અધિકારીના ઘરેથી 26.36 લાખ રૂપિયા રોકડા મળી
આવ્યા હતા. આ ઉપરાંત 2.528 કિલો સોનું, જેની કિંમત 3.5 કરોડ રૂપિયા થાય છે અને
1.65 કિલો ચાંદી મળી આવી હતી. ચાંદીની કિંમત 2.94 લાખ રૂપિયા આંકવામાં આવી છે. 2
કરોડ રૂપિયાની કિંમતનો ઈકોટેલ રિસોર્ટ અને 1 કરોડ રૂપિયાની કિંમતનો સેરેનિટી ધ
વિલા પણ મળી આવ્યા છે. વાહનોમાં બે કાર અને બે સ્કુટરનો સમાવેશ થાય છે. તેમની કુલ
કિંમત 31.2 લાખ રૂપિયા થાય છે. 50 લાખની ઘર વપરાશની વસ્તુઓ અને જમીનના ખરીદ વેચાણ
સંબંધિત 28 દસ્તાવેજો પણ મળી આવ્યા છે. દસ્તાવેજના મૂલ્યાંકન બાદ આંકડો વધી શકે
છે.
પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
લોકાયુક્તના ડિરેક્ટર જનરલ યોગેશ દેશમુખના નિર્દેશ અને
ડીઆઈજી મનોજ કુમાર સિંહના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારી
સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988ની કલમ 13(1)(B) અને 13(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પહેલાં 4 નવેમ્બરે લોકાયુક્તે ધાર જિલ્લાના નાલચામાં આદિમ જાતિ સેવા
સહકારી સમિતિના મેનેજર શેર સિંહ ઠાકુર સામે પણ કાર્યવાહી કરી હતી. 20 વર્ષની નોકરીમાં આશરે 65 લાખ રૂપિયાનો
પગાર મેળવ્યો હોવા છતાં તેમની પાસે 2.41
કરોડ રૂપિયાની
મિલકતો મળી આવી હતી. તેમાં મકાન, કોમર્શિયલ
બિલ્ડિંગ, ખેતીની જમીન, અર્થ-મૂવિંગ મશીન અને શંકાસ્પદ બેનામી ઇમારતનો સમાવેશ થાય
છે. તેમની સામે પણ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધાયો છે.