મ્યાનમારમાં રોહિંગ્યા નરસંહારનો મુદ્દે 9 વર્ષ પછી ચૂકાદો
સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી અદાલત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે મ્યાનમારને રોહિંગ્યા મુસલમાનોના નરસંહાર માટે દોષિત ઠેરવ્યુ છે. આ મામલો 2017માં મ્યાનમારમાં થયેલી હિંસા સાથે જોડાયેલો છે. તે દરમિયાન લગભગ 10 હજાર રોહિંગ્યા મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે લગભગ 7.5 લાખ લોકોને પોતાનો જીવ બચાવવા માટે દેશ છોડીને બીજા દેશોમાં શરણ લેવી પડી હતી.
લગભગ 9 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં
અદાલતે મ્યાનમારને પીડિતોના નુકસાનની ભરપાઈ કરવા અને તેમને વળતર આપવાનો આદેશ આપ્યો
છે. અદાલતે 9-6ની બહુમતીથી આ ચુકાદો સંભળાવ્યો. અદાલતે પોતાના
ચુકાદામાં જણાવ્યું કે, મ્યાનમારની સેનાએ રોહિંગ્યા
સમુદાયને નિશાન બનાવીને મોટા પાયે હિંસા કરી. સેનાએ મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મ
અને યૌન હિંસા કરી. બાળકો અને અહીં સુધી કે નવજાત શિશુઓને પણ બક્ષવામાં આવ્યા
નહીં. સેંકડો ગામડાંઓને આગને હવાલે કરી દેવામાં આવ્યાં.
અદાલતના જણાવ્યા મુજબ, આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે હિંસાનો હેતુ રોહિંગ્યા
સમુદાયના મોટા હિસ્સાને ખતમ કરવાનો હતો. અદાલતે એમ પણ કહ્યું કે, મ્યાનમાર નરસંહાર માટે જવાબદાર લોકોને સજા કરવામાં નિષ્ફળ
રહ્યું.આ ચુકાદો વધુ એક કારણસર ઐતિહાસિક છે. 1948ના નરસંહાર રોકવા સંબંધિત આંતરરાષ્ટ્રીય કરારના ઉલ્લંઘન
માટે પ્રથમ વખત કોઈ દેશને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. આ પહેલાં આ કરાર હેઠળ માત્ર
વ્યક્તિઓને જવાબદાર માનવામાં આવતી હતી
સુનાવણી દરમિયાન મ્યાનમારે સેનાની કાર્યવાહીને
યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેનું કહેવું હતું કે, સેના રોહિંગ્યા વિસ્તારમાં સશસ્ત્ર બળવાખોરો વિરુદ્ધ અભિયાન
ચલાવી રહી હતી.ઉલ્લેખનીય છે કે, 2016માં રોહિંગ્યા સશસ્ત્ર જૂથોએ પોલીસ ચોકીઓ અને સેનાના એક ઠેકાણા પર હુમલો કર્યો
હતો. ત્યારબાદ મ્યાનમારની સેનાએ સમગ્ર વિસ્તારમાં મોટા પાયે અભિયાન શરૂ કર્યું.
મ્યાનમાર સરકારે તેને 'ક્લિયરન્સ ઑપરેશન' એટલે કે વિસ્તાર ખાલી કરાવવાનું અભિયાન ગણાવ્યું હતું.
જોકે, અદાલતે મ્યાનમારની આ દલીલ
સ્વીકારી નહોતી. અદાલતે કહ્યું કે, જો સેનાનો હેતુ આતંકવાદીઓ
વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હતો, તો મહિલાઓ સાથે સામૂહિક
બળાત્કાર, બાળકોની હત્યા, ગામડાં સળગાવવાં અને જીવ બચાવીને ભાગી રહેલા સામાન્ય લોકો પર હુમલા કરવાનું
કારણ શું હતું? આવી ઘટનાઓને આતંકવાદીઓ વિરુદ્ધની સૈન્ય
કાર્યવાહીનો ભાગ માની શકાય નહીં.
રોહિંગ્યા સમુદાય વિરુદ્ધ હિંસા અચાનક શરૂ થઈ
નહોતી. મ્યાનમારમાં તેમને ઘણા દાયકાઓથી ભેદભાવ અને અત્યાચારનો સામનો કરવો પડી
રહ્યો હતો. ધીમે ધીમે તેમના નાગરિક અધિકારો છીનવી લેવામાં આવ્યા અને રોજિંદું જીવન
પણ મુશ્કેલ બનાવી દેવામાં આવ્યું.આવાગમન અને પરિવાર વધારવા પર પ્રતિબંધ, ધાર્મિક
અને શૈક્ષણિક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા.2017માં હિંસા વધ્યા બાદ રોહિંગ્યા લોકોનું સ્થળાંતર શરૂ
થયુ હતુ અને 7.5 લાખ લોકો જીવ બચાવવા મ્યાનમાર છોડી બાંગ્લાદેશ પહોંચ્યા હતા. જંગલ
અને કાદવભર્યા રસ્તા પસાર કરીને રોહિંગ્યા પરિવારો બાંગ્લાદેશમાં પહોંચ્યા હતા.
રોહિંગ્યા સમુદાય વિરૂદ્ધ હિંસાને લઈને મ્યાનમાર
સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં આફ્રિકન દેશે કેસ દાખલ કર્યો હતો. 2019માં ઈસ્લામિક
સંગઠનની મદદથી કેસ દાખલ કર્યો હતો. મ્યાનમારે રોહિંગ્યા સમુદાયનો નરસંહાર કર્યો છે
અને 1948ના આંતરરાષ્ટ્રીય નરસંહાર રોકવા અંગેના કરારનું
ઉલ્લંઘન કર્યું છે.આ મામલામાં માલદીવ, જર્મની અને ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો જેવા દેશોએ પણ
ગામ્બિયાને સમર્થન આપ્યું હતું.
રોહિંગ્યા કોણ છે, તેમનો મ્યાનમાર સાથે કેટલો જૂનો સંબંધ છે
રોહિંગ્યા મ્યાનમારના પશ્ચિમ ભાગમાં આવેલા
રાખાઈન પ્રાંતનો મુસ્લિમ લઘુમતી સમુદાય છે. તેમાંના મોટાભાગના સુન્ની મુસ્લિમો છે.
તેમની ભાષા બંગાળના ચટગાંવ વિસ્તારમાં બોલાતી ભાષા સાથે મળતી આવે છે. તેમની મોટી
વસ્તી રાખાઈન પ્રાંતના મૌંગડૉ, બુથિડૉન્ગ અને રાથેડૉન્ગ
વિસ્તારોમાં રહેતી હતી.રોહિંગ્યા સમુદાયનો દાવો છે કે, તેમના પૂર્વજો સદીઓથી આ વિસ્તારમાં રહેતા આવ્યા છે. તેઓ
પોતાના મૂળિયાં ઓછામાં ઓછા 9મી સદી સુધી હોવાનું જણાવે છે. કેટલાક ઐતિહાસિક
દસ્તાવેજોમાં 18મી સદીના અંતમાં પણ આ વિસ્તારના મુસ્લિમ
રહેવાસીઓનો ઉલ્લેખ મળે છે.આ વિસ્તારને અગાઉ અરાકાન તરીકે ઓળખવામાં આવતો
હતો. રોહિંગ્યા નામ પણ અરાકાનના જૂના નામ 'રોહાંગ' સાથે જોડાયેલું માનવામાં
આવે છે.મ્યાનમારની સેના અને સરકાર રોહિંગ્યાઓને અલગ
વંશીય સમુદાય તરીકે માન્યતા આપતી નથી. તેમનો દાવો છે કે, આ લોકો બ્રિટિશ શાસન દરમિયાન અને ત્યાર બાદ બંગાળથી આવીને
વસ્યા હતા. આ કારણે સરકાર તેમને રોહિંગ્યા કહેવાને બદલે 'બંગાળી' કહેતી રહી છે.જોકે, ઇતિહાસકારો અને
આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, રાખાઇનમાં મુસ્લિમ વસ્તીની
હાજરી બ્રિટિશ શાસન પહેલાં પણ હતી. બ્રિટિશ શાસન દરમિયાન આ વિસ્તારમાં બંગાળથી
લોકોનું આવનજાવન અને વસવાટ ચોક્કસપણે વધ્યો હતો.2017માં હિંસા શરૂ થતાં પહેલાં મ્યાનમારમાં આશરે 10થી 12 લાખ રોહિંગ્યા રહેતા હતા.
તેમાંના મોટા ભાગના રાખાઇન પ્રાંતમાં રહેતા હતા. તે સમયે તેઓ આ પ્રાંતની વસ્તીના
આશરે એક તૃતીયાંશ હિસ્સો હતા.