પશ્ચિમ બંગાળના નામકરણ પર બદલાવની મહોર, કેબિનેટમાં મળ્યુ અપ્રુવલ
પશ્ચિમ બંગાળમાંથી પશ્ચિમ બંગ કરવા કેબિનેટે આપી મંજૂરી, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની સરકાર પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કરશે, અગાઉ 2019 સુધી પ્રસ્તાવ કેન્દ્ર સરકાર પાસે અટક્યો હતો.
પશ્ચિમ બંગાળનું નામ બદલવાના પ્રયાસમાં આ વખતે સફળતા મળી
હોય તેવુ જણાઈ રહ્યુ છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની કેબિનેટ બેઠકે પશ્ચિમ બંગ
નામના નવા નામ પર મહોર મારી દીધી છે. 23 નવેમ્બરે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન
નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે, હવે આગામી 9 ડિસેમ્બરે આ પ્રસ્તાવ
વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાનું સત્ર 4 ડિસેમ્બરથી શરૂ
થવા જઈ રહ્યુ છે. વિધાનસભા સત્રમાં પ્રસ્તાવ પાસ થયા બાદ કેન્દ્ર સરકાર પાસે
મોકલાશે.
ભાગલાના ઈતિહાસ સાથે જોડાયો છે નામકરણનો પ્રસ્તાવ
નામકરણ માટે ભાજપનો તર્ક 1947 ના ભાગલાના ઈતિહાસ સાથે
જોડાયેલો છે. જ્યારે બંગાળનો પૂર્વ ભાગ અલગ થયો અને પશ્ચિમ ભાગ ભારતમાં રહ્યો.
પાર્ટીના મતે 'પશ્ચિમ બંગ' તે ઐતિહાસિક ઓળખ દર્શાવે છે, જ્યારે કેટલાક
નેતાઓને 'બાંગ્લા' નામ સામે વાંધો હતો કારણ કે તે પડોશી દેશ બાંગ્લાદેશ જેવું
લાગે છે.1999માં પ્રથમવાર 'પશ્ચિમ બંગ'નો પ્રસ્તાવ આવ્યો હતો, 2011માં મમતા બેનર્જી સરકારે પણ આ જ નામ મોકલ્યું હતું, 2016માં 'બાંગ્લા', 'બંગાળ' અને 'બાંગાલ' નામો આવ્યા અને
2018માં વિધાનસભાએ ત્રણેય
ભાષામાં 'બાંગ્લા' નામનો પ્રસ્તાવ પસાર કર્યો હતો, પરંતુ 2019માં કેન્દ્રની
મંજૂરી ન મળતા તે અટકી ગયો હતો.
અત્યાર સુધી 6 રાજ્યોના બંધારણીય પ્રક્રિયા મુજબ નામ બદલાયા
બંધારણ મુજબ, રાજ્યના નામ
બદલવાનો પ્રસ્તાવ ગૃહ મંત્રાલય, રાષ્ટ્રપતિની
ભલામણ અને સંસદના બંને ગૃહોમાં સામાન્ય બહુમતીથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની
મંજૂરીથી કાયદો બને છે. આઝાદી બાદ 6 રાજ્યોના નામ
બદલાયા છે, જેમાં 1950માં યુનાઈટેડ પ્રોવિન્સીઝમાંથી ઉત્તર પ્રદેશ, 1969માં મદ્રાસમાંથી તમિલનાડુ, 1973માં મૈસૂરમાંથી કર્ણાટક, 2007માં ઉત્તરાંચલમાંથી ઉત્તરાખંડ, 2011માં ઉડીસામાંથી ઓડિશા અને આ વર્ષે કેરળને 'કેરળમ' કરાયું છે.
રાજ્યના મંત્રી દિલીપ ઘોષે કહ્યું કે 'પશ્ચિમ બંગાળ' જેવા નામોનો
અનુવાદ ન થવો જોઈએ; આ પરંપરા
અંગ્રેજોએ શરૂ કરી હતી, જેના કારણે 'ભારત'નું નામ 'ઇન્ડિયા' પડ્યું હતું.