પાકિસ્તાનમાં પુરૂષો થયા જાગૃત, વસ્તી નિયંત્રણ માટે કરાવી રહ્યા છે નસબંધી
પાકિસ્તાનમાં પુરૂષોના હાથમાં વસ્તી નિયંત્રણની કમાન, મહિલાઓની સરખામણીએ પુરૂષો વધુ પ્રમાણમાં કરાવી રહ્યા છે નસબંધી, પાકિસ્તાનની વસ્તી 2050 સુધીમાં 50 કરોડને પાર પહોંચવાનો અંદાજ, વસ્તી વિસ્ફોટ થાય તો અર્થવ્યવસ્થા જોખમાય તેવી ભીતિ
લાગે છે કે વધતી વસ્તીને રોકવા માટે હવે પાકિસ્તાનના પુરૂષો
આગળ આવી રહ્યા છે અને જાતે જ નસબંધી કરાવી રહ્યા છે. પાકિસ્તાનમાં ઓક્ટોબર 2026માં
નસબંધી કરાવનારા પુરૂષોની સંખ્યામાં વિક્રમજનક વધારો થયો છે. વર્ષ 2021 માં
પાકિસ્તાનમાં 4 હજાર લોકોએ જ નસબંધી કરાવી હતી, જ્યારે ઓક્ટોબર 2026 માસમાં જ 3600
થી વધુ પુરૂષોએ નસબંધી કરાવી છે, આ આંકડો એ વાતની સાબિતી છે કે પાકિસ્તાનમાં
પુરૂષો વસ્તી નિયંત્રણ માટે સ્વયં જ જાગૃત બની રહ્યા છે.
સિંધ પ્રાંતમાં નસબંધીના પ્રયોગને મોટી સફળતા
પાકિસ્તાનમાં વધતી જતી વસ્તીને કંટ્રોલમાં લેવા માટે નવો
પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, એ પુરૂષોની નસબંધી વિશેનો છે. સરકારી આંકડા પ્રમાણે
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આ નવા પ્રયોગને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ
પ્રતિસાદને જોતા પાકિસ્તાની સરકાર નસબંધીને લઈને કોઈ નવો નિર્ણય લે તેવુ પણ લાગી
રહ્યુ છે. હાલ પાકિસ્તાનમાં 26 કરોડની જનસંખ્યા છે, જે વર્ષ 2050 સુધીમાં 50
કરોડને પાર પહોંચવાની શક્યતા છે.
મહિલાઓના સ્વાસ્થ્યને લઈને પુરૂષો થયા જાગૃત
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સૌથી વધુ પુરૂષોએ નસબંધી કરાવી
છે. ખૈબર પ્રાંતમાં માત્ર એક અને પંજાબ પ્રાંતમાં 11 પુરૂષોએ નસબંધી કરાવી છે. પાકિસ્તાનમાં
મહિલાઓના સ્વાસ્થ્યને લઈ જાગૃત થઈ રહ્યા છે પુરૂષો જેના કારણે નસબંધી કરાવવા માટે
સ્વયં આગળ આવી રહ્યા છે. મહિલાઓ કરતા પુરૂષોમાં નસબંધીનો ખર્ચો પણ ઓછો છે.
વસ્તી વિસ્ફોટ થાય તો અર્થ વ્યવસ્થા જોખમાય તેવી ભીતિ
વર્ષ 2017માં પાકિસ્તાનની વસ્તી 21 કરોડ હતી. જે અત્યારે 26
કરોડને પાર પહોંચી છે. છેલ્લા 9 વર્ષમાં વસ્તીમાં 25 ટકાનો વધારો થયો છે.
પાકિસ્તાન સરકારના મત પ્રમાણે જો વસ્તીને નિયંત્રણમાં ન લેવામાં આવે તો આગામી
સમયમાં અર્થવ્યવસ્થા પર ગંભીર અસરો થઈ શકે છે.