ફિલિપાઈન્સથી પરત આવ્યા બાદ તુરંત જ પ્રધાનમંત્રીએ લીધા મંત્રીઓના ક્લાસ
મનિલાથી પરત ફર્યા બાદ તુરંત જ પ્રધાનમંત્રીએ કેબિનેટની બેઠક બોલાવી, માત્ર કેબિનેટ મંત્રીઓને જ બેઠકમાં બોલાવતા ફેરબદલના એંધાણને લઈ રાજકીય ગરમાવો, પરિસીમન બિલને લઈને ચર્ચાની શક્યતા
ફિલિપાઈન્સથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભારત મંડપમ પહોંચ્યા છે અને અહીં તેઓ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા
કરી રહ્યા છે. બેઠકમાં સરકારના અત્યાર સુધીના કામકાજની સમીક્ષા અને પરીસીમન બિલ પર
ચર્ચા થાય તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં માત્ર
કેબિનેટ મંત્રીઓને જ તેડુ આપવામાં આવ્યુ છે. રાજ્ય મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો
ધરાવતા મંત્રીઓ બેઠકમાં સામેલ કરવામાં આવ્યા નથી, જેના કારણે કેબિનેટ બેઠકમાં
નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ બેઠક પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
કાર્યાલયમાં રાજ્ય મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓ સાથે અલગ-અલગ
વન ટુ વન બેઠકો કરી હતી.
મંત્રીઓને વિકાસના કામને લઈ ચર્ચા, લાભાર્થીઓ સુધી યોજના
પહોંચે તેવા પ્રયાસ પર ભાર
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મંત્રીઓને સરકાર સમક્ષ રહેલા
મુદ્દાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવાનો છે, જો કે કેબિનેટમાં ફેરબદલને લઈને સરકાર
તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી, પરંતુ આ અટકળો વચ્ચે યોજાઈ રહેલી આ
બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં મંત્રી પરિષદની
ચિંતન શિબિર યોજાઈ હતી. તેમાં મંત્રીઓએ વિગતવાર ચર્ચા કરી હતી કે સરકારી યોજનાઓનો
લાભ 100 ટકા વાસ્તવિક લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય અને નાગરિકો સાથે
વધુ અસરકારક રીતે કેવી રીતે જોડાવુ. આ બેઠકો દરમિયાન પ્રધાનમંત્રીએ મંત્રી પરિષદને
આઠ જૂથમાં વહેંચી દીધી હતી, વડાપ્રધાને દરેક જૂથ સાથે અલગ-અલગ ચર્ચા કરવા ઉપરાંત
તમામ મંત્રીઓને સામૂહિક રીતે પણ સંબોધિત કર્યા હતા. હાલમાં સરકારની આશરે 40થી 45 કલ્યાણકારી
યોજનાઓ કાર્યરત છે અને આગામી બેઠકમાં આ બાબતે પણ ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન આ
બેઠકમાં મંત્રીઓ પાસેથી સૂચનો પણ મેળવી શકે છે અને સરકારના કામકાજને વેગ આપવા અંગે
માર્ગદર્શન આપી શકે છે.
રામદાસ આઠવલેએ કેબિનેટમાં ફેરબદલના આપ્યા હતા સંકેત
આ બેઠક વચ્ચે કેબિનેટ ફેરબદલની અટકળોએ પણ જોર પકડ્યું છે.
તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સંકેત આપ્યા હતા કે ટૂંક સમયમાં જ
કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે કેબિનેટનું વિસ્તરણ સંભવ છે
અને તેમાં નવા ચહેરાઓને પણ તક મળી શકે છે તેમજ તમામ જાતિઓને યોગ્ય સ્થાન મળી શકે
છે.
જાણો લોકસભામાં કેટલુ સંખ્યાબળ છે.
એપ્રિલની સરખામણીએ બંને ગૃહોમાં સરકારનું સમર્થન વધ્યુ છે.
પરંતુ હજુ પણ બે તૃતિયાંશ બહુમતીથી પાછળ છે. 2024ની લોકસભા
ચૂંટણીમાં ભાજપ 240 બેઠકો પર
જીત્યું હતું. NDAમાં ચંદ્રબાબુ
નાયડુની TDPના 16, નીતિશ કુમારની પાર્ટી JDUના 12, શિવસેના (શિંદે જૂથ)ના 7, LJP (રામ વિલાસ)ના 5 અને અન્ય
પક્ષોના 13 સાંસદો મળીને કુલ સંખ્યા 292 છે. 14 જૂન 2026ના રોજ TMC નેતા કાકોલી
ઘોષ દસ્તીદાર સહિત 20 લોકસભા સાંસદો NDA સમર્થિત નેશનાલિસ્ટ સિટિઝન પાર્ટીમાં જોડાઈ ગયા, જેના કારણે NDAની સંખ્યા 292થી વધીને 312 થઈ ગઈ. જૂન 2026માં જ શિવસેના ઉદ્ધવ જૂથના 9માંથી 6 સાંસદો પણ NDAના સહયોગી
શિવસેના (શિંદે જૂથ)માં જોડાઈ ગયા અને NDAનો આંકડો 318 પર પહોંચી ગયો. આસામની નગાંવ બેઠક પર યોજાયેલી
પેટાચૂંટણીમાં ભાજપના દેવાશિષ શર્મા પણ જીત્યા છે. હાલમાં લોકસભાની 3 બેઠકો ખાલી છે- જમ્મુ-કાશ્મીરની શ્રીનગર, પશ્ચિમ બંગાળની બસીરહાટ અને મેઘાલયની શિલૉન્ગ. એટલે કે
લોકસભામાં મહત્તમ 540 સાંસદો બિલ પર
મતદાન કરશે. આ હિસાબે લોકસભામાં બે તૃતીયાંશના 360ના આંકડાથી NDA હાલમાં 41 મત પાછળ છે.