બ્રિટિશ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન ભારત મુલાકાતે, મુંબઈમાં ગલી ક્રિકેટ રમ્યા
2016 બાદ બ્રિટિશ પ્રિન્સ વિલિયમ અને તેમના પત્ની ભારતની મુલાકાતે, મુંબઈમાં રમ્યા ગલી ક્રિકેટ, અર્થશોટ પ્રાઈસ સમારોહમાં ભાગ લેવા આવ્યા ભારત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ કરશે મુલાકાત
બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ મિડલટન ત્રણ
દિવસની ભારત યાત્રાએ છે. આજે તેઓ મુંબઈ પહોંચ્યા અને દિગ્ગજ ક્રિકેટર સચિન
તેંડુલકરે તેમનું સ્વાગત કર્યુ છે. આ દરમિયાન પ્રિન્સ વિલિયમ અને કેટ મુંબઈમાં ગલી
ક્રિકેટ પણ રમ્યા. વિલિયમ અને કેટની આ બીજી સત્તાવાર ભારત મુલાકાત છે, અગાઉ તેઓ
એપ્રિલ 2016માં ભારત આવ્યા હતા. કેટ મિડલટન 2024માં કેન્સરનો શિકાર થઈ હતી,
કેન્સરની સારવાર અને કીમો થેરાપી બાદ આ તેમની પ્રથમ હાઈ-પ્રોફાઈલ વિદેશ યાત્રા છે.
પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન આવતીકાલે યોજાનાર અર્થશોટ
પ્રાઈસ સમારોહમાં ભાગ લેશે અને બીજા દિવસે નવી દિલ્હી જશે અને ત્યાં પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મુંબઈમાં કેટ મિડલટન અને પ્રિન્સ વિલિયમ પ્રવાસ
દરમિયાન મેટ્રોમાં મુસાફરી કરી હતી અને કેટ હોસ્પિટલની પણ મુલાકાત લેશે તેમજ મુંબઈકર
સાથે પણ મુલાકાત કરશે, જ્યાં તેઓ મુંબઈકર્સને પર્યાવરણ બચાવવા અને નવી ટેકનોલોજી
સાથે જોડાયેલા કામ વિશે જણાવશે. બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો સાથે પણ મુલાકાત
કરશે. આ દરમિયાન ક્રિકેટ, ફેશન અને ફિલ્મો દ્વારા ભારત અને બ્રિટનના જૂના સંબંધોને
દર્શાવાવમાં આવશે.
પ્રિન્સ વિલિયમે 6 વર્ષ પહેલા અર્થશોટ પ્રાઈસની શરૂઆત કરી
હતી. તેનો હેતુ પર્યાવરણની સમસ્યાના નવા ઉકેલ શોધનારા લોકો અને સંસ્થાઓને
પ્રોત્સાહન આપવાનો છે. દર વર્ષે 5 વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે અને દરેક
વિજેતાને 10 લાખ પાઉન્ડ એટલે કે 11 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ વર્ષે 17
નવેમ્બરે મુંબઈમાં આ પુરસ્કારનો છઠ્ઠો સમારોહ યોજાશે. કેન્સિગ્ટન પેલેસ અનુસાર, આ
અત્યાર સુધીનું સૌથી મોટુ આયોજન હશે, આ પહેલા પ્રિન્સ વિલિયમ ફાઈનલિસ્ટો સાથે
મુલાકાત કરશે.
આ વખતે પ્રથમ વખત બાળકો માટે ચિલ્ડ્રન અર્થશોટ અવોર્ડ
સમારોહ પણ યોજાશે. તેમાં 9 થી 17 વર્ષની વય સુધીના બાળકો અને કિશોરોને પર્યાવરણ
બચાવવા સાથે જોડાયેલા વિચારો અને કાર્યો માટે બિરદાવવામાં આવશે. અર્થશોટ પ્રાઈસની
નાઈટમાં આલિયા ભટ્ટ પણ સામેલ થશે. ફિલ્મમેકર કરણ જોહર કાર્યક્રમનું સંચાલન કરશે.
ગાયિકા શ્રેયા ઘોષાલ બ્રિટિશ બેન્ડ ટેક ધેટ સાથે મળીને રજૂઆત કરશે, આ બેન્ડ પ્રથમ
વખત ભારતમાં પર્ફોમન્સ કરી રહ્યુ છે.
મુંબઈની મુલાકાત પૂર્ણ કરીને પ્રિન્સ વિલિયમ અને તેમના
પત્ની કેટ મિડલટન દિલ્હી જશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓ મુલાકાત
કરશે. આ સાથે જ તેમની ભારત મુલાકાત પૂર્ણ થશે. બ્રિટનના કાર્યકારી હાઈ કમિશનરે
જણાવ્યુ હતુ કે આ મુલાકાતથી બંને દેશના જૂના સંબંધો ફરીથી મજબૂત થશે, ભારત અને
બ્રિટન ટેકનોલોજી, રોકાણ, સ્વચ્છ ઉર્જા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ
વધારી રહ્યા છે.