આ વર્ષે પણ મિસ યુનિવર્સનો ખિતાબ ચૂક્યુ ભારત, પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની મિસ યુનિવર્સ 2026
જેનિફર બોરેટો 75 મી મિસ યુનિવર્સ બની છે. ડોમિનિક રિપબ્લિક રનર અપ અને વેનેઝુએલા ત્રીજા ક્રમે, 116 સ્પર્ધકો વચ્ચે યોજાઈ હતી ફાઈનલ.
75 મી મિસ યુનિવર્સ 2026 સ્પર્ધામાં પ્યુઅર્ટો રિકોની
જેનિફર બેરેટો 116 સુંદરીઓને પછાડીને વિજેતા બની છે. આ સ્પર્ધામાં ડોમિનિકન
રિપબ્લિક રનર-અપ રહ્યું છે, જ્યારે
વેનેઝુએલાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી ભાગ લઈ રહેલી કાઝિયા લિઝ મેજો
ટોપ-30 રાઉન્ડ સુધી પહોંચી હતી, પરંતુ ટોપ-12માં સ્થાન
મેળવતા પહેલાં જ બહાર થઈ ગઈ હતી. મિસ યુનિવર્સના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર
પોસ્ટ કરીને નવી વિજેતાનું સ્વાગત કરવામાં આવ્યું છે.
મિસ યુનિવર્સ 2026નો ખિતાબ
જીતનારી જેનિફર બેરેટો પ્રિવેન્શન સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે. તેણે રિસર્ચ
સાયકોલોજીમાં બેચલર ડિગ્રી અને સાયકોલોજી તથા ક્લિનિકલ સોશિયલ વર્કમાં બે માસ્ટર
ડિગ્રી મેળવી છે. વર્ષ 2021માં તેણે
ટેક્સાસના ફૉર્ટ હૂડ ખાતે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ સાથે પોતાની
કારકિર્દીની શરૂઆત કરી હતી. ફેમિલી એડવોકેસી પ્રોગ્રામ હેઠળ તેણે ઘરેલુ હિંસા અને
બાળ શોષણનો ભોગ બનેલા લશ્કરી પરિવારોને મદદ કરી હતી તેમજ નેતાઓને નિવારણ અને મદદની
વ્યૂહનીતિ અંગે તાલીમ પણ આપી હતી. આ ઉપરાંત તેણે કાર્લ આર. ડાર્નલ આર્મી મેડિકલ
સેન્ટરમાં સ્વયંસેવક તરીકે સેવા આપી છે અને પ્યુઅર્ટો રિકોમાં પીડિયાટ્રિક
ડાયાબિટીસ એસોસિએશન સાથે પણ સામાજિક કાર્યમાં જોડાયેલી છે.
આ ભવ્ય ફાઈનલ પ્યુઅર્ટો રિકોના સાન જુઆન સ્થિત જોસ મિગુએલ
એગ્રેલોટ કોલિઝિયમમાં યોજાયો હતો, જે
આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના 75 વર્ષ પૂરા
થવાની ઉજવણી સમાન હતો. આ સ્પર્ધામાં કુલ 116 સ્પર્ધકોએ ભાગ
લીધો હતો અને નેશનલ કૉસ્ચ્યુમ, પ્રિલિમિનરી
તથા ફાઈનલ રાઉન્ડમાં પોતાની રજૂઆત કરી હતી. અગાઉની મિસ યુનિવર્સ મેક્સિકોની ફાતિમા
બોશે જેનિફરને તાજ પહેરાવ્યો હતો. જોકે, સ્પર્ધાના 75મા વર્ષ દરમિયાન કેટલીક સ્પર્ધકોના ખસી જવા, ફ્રેન્ચાઈઝી અધિકારો અંગેના વિવાદ અને ઇવેન્ટ મેનેજમેન્ટને
લઈને ઉઠેલા સવાલોના કારણે આયોજન વિવાદોમાં પણ ઘેરાયું હતું.
ફાઈનલ પહેલાં મિસ યુનિવર્સના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર
વિદાય લઈ રહેલી ફાતિમા બોશ માટે ખાસ સંદેશ પણ લખવામાં આવ્યો હતો, જેમાં તેની સફર,
હિંમત અને
પ્રેરણાદાયી વ્યક્તિત્વની પ્રશંસા કરવામાં આવી હતી. બીજી તરફ, ભારત માટે આ સતત પાંચમું વર્ષ છે જ્યારે મિસ યુનિવર્સનો તાજ
હાથમાંથી સરકી ગયો છે. ભારત વતી છેલ્લે વર્ષ 2021માં હરનાઝ
સંધુએ આ ખિતાબ જીત્યો હતો, જ્યારે તેની
પહેલાં 1994માં સુષ્મિતા સેન અને 2000માં લારા દત્તાએ ભારતને ગૌરવ અપાવ્યું હતું.