પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફરીથી મુલાકાત
મનિલામાં આસિયાન સમિટમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના વૈશ્વિક નેતાઓ આવશે એક મંચ પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની ફરીથી થશે મુલાકાત
23મા આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી ફિલિપાઈન્સ પહોંચ્યા છે. ત્રણ દિવસીય મુલાકાત માટે ફિલિપાઈન્સની
રાજધાની મનિલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. જ્યાં એરપોર્ટ પર
ફૂલોની માળા પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી 23મા આસિયાન-ભારત શિખર સંમેલન અને 21મા ઈસ્ટ એશિયા શિખર સંમેલનમાં
ભાગ લેશે. આ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ હિંદ-પ્રશાંત
ક્ષેત્રમાં સહયોગ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.
વ્હાઈટ હાઉસ દ્વારા ડૉનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીની મુલાકાતની પુષ્ટિ
દુનિયાની રાજનીતિમાં ફરીથી ગરમાવો આવી જાય તેવો માહોલ
સર્જાયો છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એક જ મંચ પર દેખાશે, જેને લઈને
વિશ્વની અન્ય મહાસત્તાઓના પેટમાં તેલ રેડાય તો નવાઈ નહી. અમેરિકી રાષ્ટ્રપતિ
ડૉનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પર પણ દુનિયાની મીટ
મંડાયેલી છે. વ્હાઈટ હાઉસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે કે ચાર દેશના
નેતાઓની ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં મહત્વની બેઠક યોજાશે, આસિયાન શિખર સમિટ
દરમિયાન આ ચાર દેશના નેતાઓની બેઠક યોજાશે.
ચીનની નારાજગીના કારણે બેઠકો બંધ થઈ ગઈ હતી
ક્વાડની શરૂઆત 2007માં થઈ હતી, જેમાં ભારત, અમેરિકા, જાપાન
અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ચીનની નારાજગીની આશંકાના કારણે આ ક્વાડ દેશોની
બેઠકો બંધ થઈ ગઈ હતી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ
દરમિયાન વર્ષ 2017માં તેને ફરીથી શરૂ કર્યુ હતુ. તેને હેતુ હિંદ-પ્રશાંત
ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવો અને ચારેય દેશો વચ્ચે સહયોગ વધારવાનો
છે. મનિલામાં યોજાઈ રહેલી આ બેઠક ચારેય દેશના નેતાઓની બે વર્ષ બાદ રૂબરૂ યોજાઈ
રહેલી બેઠક હશે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પણ આ પ્રથમ ક્વાડ લીડર્સ મિટિંગ છે.
ચીનના વધતા પ્રભાવ અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોનું સંગઠન છે આસિયાન
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જૂનિયરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આસિયાન સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યુ હતુ. સમિટમાં
સમુદ્રની સુરક્ષા, વેપાર, આબોહવા પરિવર્તન અને એશિયાઈ દેશો વચ્ચે સહયોગ વધારવા
મુદ્દે ચર્ચા થશે. આસિયાન દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનું સંગઠન છે. તેની શરૂઆત 8
ઓગસ્ટ 1967ના દિવસે થઈ હતી. તે સમયે ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, મલેશિયા
અને થાઈલેન્ડે મળીને તેની સ્થાપના કરી હતી.