સુપ્રીમ કોર્ટે અપમાનજનક ટિપ્પણી બદલ સંજય રાઉતને ઝાટક્યા
મુખ્ય ન્યાયાધીશે મળવા માટે સમય ન ફાળવતા સંજય રાઉતે કરી હતી ટિપ્પણી, અવમાનનાના કેસમાં સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના મામલે આજે
સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન
શિવસેના UBT નેતા સંજય રાઉત પોતે
કોર્ટમાં હાજર રહ્યા હતા, જ્યારે વરિષ્ઠ
પત્રકાર નિખિલ વાગલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.
સુપ્રીમ કોર્ટે બંનેના નિવેદનો અને ટ્વીટ પર કડક વલણ અપનાવીને સંયમ જાળવવાની ટકોર
કરી છે.
અદાલતે અનુભવી રાજકારણી તરીકે જવાબદારી નિભાવવા સૂચન કર્યુ
સુપ્રીમ કોર્ટે શિવસેના (UBT) નેતા સંજય રાઉતને કહ્યું કે માફી દિલથી માંગવી જોઈએ, દિમાગથી નહીં. કોર્ટે આ ટિપ્પણી અવમાનના કેસમાં સુપ્રીમ
કોર્ટ બાર એસોસિએશન (SCBA)ની અરજી પર કરી
હતી. SCBAએ પત્રકાર નિખિલ વાગલે અને
શિવસેના (UBT)ના સાંસદ વિરુદ્ધ અરજી દાખલ
કરી હતી. પત્રકાર નિખિલ વાગલેના વકીલે તેમના બિનશરતી માફી માંગવા અને પોસ્ટ હટાવી
દેવાનો ઉલ્લેખ કરતાં કાર્યવાહી બંધ કરવાની માગ કરી હતી. અદાલતે સાંસદ સંજય રાઉતને
એક અનુભવી રાજકારણી તરીકે વધુ જવાબદારીપૂર્વક કામ કરવા કહ્યું. કોર્ટે એવો પણ સવાલ
કર્યો હતો કે શું અદાલત તરફથી નોટિસ જારી થયા પછી પણ સંજય રાઉતે આ પ્રકારના
નિવેદનો આપ્યા છે? કોર્ટે સ્પષ્ટ
શબ્દોમાં કહ્યું કે આ મામલાના 2 પાસા છે અને
આટલા ગંભીર કેસમાં માફી મગજથી નહીં, પરંતુ દિલથી
આવવી જોઈએ.
INDIA બ્લોકના
પ્રતિનિધિમંડળને મળવા અંગે હતો વિવાદ
આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે CJI સૂર્યકાંતે INDIA
બ્લોકના
પ્રતિનિધિમંડળને મળવાનો અનુરોધ ઠુકરાવી દીધો હતો. CJIએ કહ્યું હતું
કે આ મુદ્દો અરજી દ્વારા અદાલતમાં ઉઠાવી શકાય છે. સંજય રાઉત અને નિખિલ વાગલેએ CJIના આ નિર્ણયની ટીકા કરી હતી. 12 ઑક્ટોબરે રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી નેતાઓએ બારાખંભા
રોડથી સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી હતી અને SIRના વિરોધમાં 13 અરજીઓ દાખલ કરી હતી. સંજય રાઉતે સીધી મુખ્ય ન્યાયાધીશ પર
ટિપ્પણી કરી હતી કે અમે મળવા માંગીએ ત્યારે રાજકીય નેતા સાથે મુલાકાત કરવાની ના
પાડો છો પરંતુ મુખ્યમંત્રી સાથે ડિનર કરો છો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે હુમલા દુર્ભાગ્યપૂર્ણ
સુનાવણી દરમિયાન CJIએ કહ્યું કે
અદાલતોએ હંમેશા વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે. આવી
સ્થિતિમાં ન્યાયતંત્ર પરના હુમલા દુર્ભાગ્યપૂર્ણ છે. SCBAના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ પ્રદીપ રાયે પણ કહ્યું હતું કે
આવી ટિપ્પણીઓથી સુપ્રીમ કોર્ટમાં લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે.