હુથીઓનો ફરીથી સાઉદી અરબ પર મોટા હુમલાનો દાવો, રિયાધમાં મિસાઈલ અને ડ્રોન હુમલો
સાઉદી અરેબિયા અને યમનના હુથીઓ વચ્ચે વધતો તણાવ, સાઉદી અરેબિયાના સશસ્ત્ર વિમાન પર હુથીઓનો અટેક, રિયાધ તરફ પણ મિસાઈલ મારો કર્યાનો દાવો
યમનના હુથીઓએ સાઉદી અરેબિયા પર વધુ ભયાનક હુમલા કરવાનું શરૂ
કરી દીધુ છે. આ વખતે યમનના હુથી વિદ્રોહીઓએ ફરી એક વખત સાઉદી અરેબિયા પર ભીષણ
હુમલો કર્યાનો દાવો કર્યો છે, આ વખતે હુમલામાં સાઉદી અરબનું ટોહી વિમાન તોડી
પાડ્યુ હોવાનો હુથીઓએ દાવો કર્યો છે. તો વળી સાઉદી સરકારે રિયાધમાં 2 મિસાઈલ અને 3
ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. સાઉદી અરેબિયાનું સશસ્ત્ર ટોહી વિમાનને તોડી
પાડ્યાનો હુથીઓએ દાવો કરતા સનસનાટી મચી ગઈ છે.
સાઉદીના ટોહી વિમાનને નિશાન બનાવ્યુ
હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીને જણાવ્યુ હતુ કે તેમના
લડાકુ જવાનોએ અલ-જૌફના હવાઈ ક્ષેત્રીય વિસ્તારમાં સાઉદી અરબના સશસ્ત્ર ટોહી
વિમાનને નિશાને લીધુ હતુ, તેમના જણાવ્યા પ્રમાણે વિમાન કેટલીક અયોગ્ય હરકતો કરી
રહ્યુ હતુ, જેને હુથીઓ પોતાની વિરૂદ્ધમાં માને છે. સરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
X પર પોસ્ટ કરીને જણાવ્યુ હતુ
અને અત્યાર સુધી 5 વિમાન તોડી પાડવામાં આવ્યા છે તેવો દાવો કર્યો હતો, પરંતુ હજુ
સુધી તેની સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી.
મિસાઈલ અને ડ્રોનને હવામાં નષ્ટ કર્યાનો સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના સંગઠનનો દાવો
બીજી તરફ સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા સંગઠને રાજધાની રિયાધ
તરફ છોડવામાં આવેલી 2 બેલેસ્ટિક મિસાઈલ અને 3 ડ્રોનને હવામાં જ નષ્ટ કર્યાનો દાવો
કર્યો છે. આ ડ્રોન સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંત તરફ છોડવામાં આવ્યા હતા. સાઉદી
અરેબિયાનો પૂર્વીય પ્રાંત તેલ અને ગેસના ભંડાર માટે મહત્વનો માનવામાં આવે છે.
સાઉદી અરામકો કાર્યાલય પર પણ કર્યો હતો હુમલો
હુથીઓએ છેલ્લા કેટલાય સમયથી સાઉદી અરેબિયામાં હુમલા વધારી
દીધા છે. થોડા દિવસ અગાઉ જ સાઉદીની સૌથી મોટી સરકારી તેલ કંપની સાઉદી અરામકોની
ઈમારતને નુકસાન પહોંચાડ્યુ હતુ, આ ક્ષેત્ર સાઉદી અરેબિયાની અર્થ વ્યવસ્થા માટે
સૌથી મહત્વનું માનવામાં આવે છે. અહીં દેશનો મહત્તમ તેલ અને ગેસનો ભંડાર છે. અરામકોનું
મુખ્ય કાર્યાલય પણ આ જ પ્રાંતમાં આવેલુ છે. ઓક્ટોબર માસમાં થયેલા ભીષણ હુમલામાં
અરામકોના કાર્યાલયને પણ નુકસાન પહોંચ્યુ હતુ. છેલ્લા કેટલાય દિવસોમાં હુથીઓ આ
વિસ્તારમાં વધારે હુમલા કરવા લાગ્યા છે.