શેખ હસીના વિજય દિવસે જ બાંગ્લાદેશ પરત ફરે તેવી શક્યતા
તારિક રહેમાન સરકાર પાસે વિમાન મોકલવાની માંગ કરી, સરકારી એરલાઈન દ્વારા ઢાકા પરત ફરવાની વ્યક્ત કરી ઈચ્છા, ઢાકા પરત ફરતા જ થઈ શકે છે ધરપકડ.
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ પરત વતન જવા
માટે પ્રથમ વખત તારીખ જણાવી છે. તેઓ 16 ડિસેમ્બરે પોતાના દેશમાં પરત ફરવા માંગે
છે. શેખ હસીનાએ તારિક રહેમાનની સરકાર પાસે વિમાન મોકલવાની માંગ કરી છે. શેખ
હસીનાના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે હસીના
સરકારી એરલાઈન દ્વારા દિલ્હીથી ઢાકા પરત ફરવા માંગે છે. બાંગ્લાદેશ સરકારના
પ્રવક્તાએ હસીનાની વાપસી અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન જાહેર કર્યુ નથી. જો કે
બાંગ્લાદેશ સરકારના મંત્રીએ એવુ કહ્યુ હતુ કે શેખ હસીના પરત ફરે તો એરપોર્ટથી જ
તેમની ધરપકડ કરી લેવામાં આવશે.
બંધારણ વિરૂદ્ધ બહાર મોકલવામાં આવ્યા, તેવી જ રીતે પરત લાવવાની વ્યવસ્થા કરવાની માંગ
હસીનાના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ એમ પણ કહ્યું કે 5 ઑગસ્ટ 2024ના રોજ હસીનાને
જે બાંગ્લાદેશી વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા, હવે એ જ રીતે તેમની વાપસીની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ. હસીનાને
બંધારણ વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે તેમને પરત
લાવવાની જવાબદારી સરકારની છે.
વિજય દિવસે જ પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી
16 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં
વિજય દિવસ મનાવવામાં આવે છે. આ જ દિવસે 1971માં પાકિસ્તાન
વિરુદ્ધનું યુદ્ધ પુરુ થયું હતું અને બાંગ્લાદેશ આઝાદ થયું હતું. આનાથી
બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વધી શકે છે. તેમની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લાગેલો
છે. આ જ મહિનાની શરૂઆતમાં તેમણે નવા પાસપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો માટે પણ
અરજી કરી હતી. જોકે રહમાન સરકારે તેમની માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
જૂન 2024માં શરૂ થયુ હતુ આંદોલન અને શેખ હસીના ભારત આવ્યા
બાંગ્લાદેશમાં જૂન 2024માં સરકારી
નોકરીઓમાં અનામત વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલન શરૂ થયું હતું. હાઈકોર્ટે 1971ના સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ મુક્તિ સેનાનીઓના બાળકો અને
પૌત્ર-પૌત્રીઓને સરકારી નોકરીઓમાં 30% અનામત આપવાનો
નિર્ણય સંભળાવ્યો હતો. વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો. તેમની માંગ હતી કે સરકારી
નોકરીઓમાં ભરતી અનામતના બદલે યોગ્યતાના આધારે થવી જોઈએ. જુલાઈમાં વિરોધ પ્રદર્શન
ઉગ્ર બન્યાં. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ. પોલીસ પર
પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો અને જરૂર કરતાં વધુ બળપ્રયોગ કરવાનો આરોપ લાગ્યો.
તેના પછી વિદ્યાર્થીઓએ હસીનાના રાજીનામાની માંગ શરૂ કરી. ધીમે-ધીમે આંદોલન સમગ્ર
દેશમાં ફેલાઈ ગયું. સંયુક્ત રાષ્ટ્ર મુજબ, 2024માં વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસામાં આશરે 1,400 લોકોનાં મોત થયાં હતાં. 5 ઓગસ્ટ 2024ના રોજ હજારો
પ્રદર્શનકારીઓ ઢાકા તરફ આગળ વધ્યા અને હસીનાના સરકારી નિવાસસ્થાન સુધી પહોંચી ગયા.
ત્યારબાદ હસીના સૈન્ય વિમાન દ્વારા ભારત આવી ગયાં. ત્યારથી તેઓ ભારતમાં રહે છે.