સોનિયા ગાંધીના પુસ્તકમાં સાબરમતી એક્સપ્રેસમાં આગનો ઉલ્લેખ, SIT ચીફે વિવાદિત કારણ પર ઉઠાવ્યો વાંધો
Belonging: a Journey of Love પુસ્તકમાં સોનિયા ગાંધીએ સાબરમતી એક્સપ્રેસમાં આગ પાછળ વિવાદિત કારણનો ઉલ્લેખ કર્યો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનુ
પુસ્તક લૉન્ચ થયા બાદ એક પછી એક મુદ્દાઓ સામે આવતા જાય છે તેમ વિવાદ ઉભો થતો જાય
છે. Belonging: A journey of love પુસ્તકમાં વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડનો પણ
ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોનિયા ગાંધીએ લખ્યુ છે કે ટ્રેનમાં આગ લાગવાનું કારણ શુ
હતુ તે અંગે વિવાદ છે. ત્યારપછી આ ટિપ્પણી સામે સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડની
તપાસ કરનાર ગુજરાત પોલીસનું નેતૃત્વ કરી ચૂકેલા SIT ચીફ રાકેશ
અસ્થાનાએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ટ્રેનમાં આગ એ કોઈ અકસ્માત
નહોતો પરંતુ જાણી જોઈને લગાવવામાં આવી હતી, જેનાથી દેશને અસ્થિર કરી શકાય, આ આગ
ષડયંત્રના ભાગરૂપે લગાવવામાં આવી હતી, તેવુ રાકેશ અસ્થાનાએ જણાવ્યુ હતુ. રાકેશ
અસ્થાનાએ તો એ પણ દાવો કર્યો હતો કે તપાસ દરમિયાન પાકિસ્તાન સુધી ષડયંત્રના તાર
જોડાયેલા હોવાનું સામે આવ્યુ હતુ.
રાકેશ અસ્થાનાએ વિવાદિત
કારણ સામે વાંધો ઉઠાવી, ઘટનાને સુનિયોજિત કાવતરૂ ગણાવ્યુ
આ ઘટનાની તપાસ
કરનાર ગુજરાત પોલીસ SITના તત્કાલીન વડા
રાકેશ અસ્થાનાએ ખુલીને વાત કરી છે. તેમણે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે આગ લાગવાનું કારણ
વિવાદિત છે એવું કહેવું ખોટું છે. આગ જાણીજોઈને કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી
હતી.ભારતીય પોલીસ સેવાના ભૂતપૂર્વ અધિકારી રાકેશ
અસ્થાનાએ કહ્યું કે જ્યાં સુધી આગ લાગવાની વાત છે, કેસ ફોરેન્સિક પુરાવા, પ્રત્યક્ષદર્શીઓની જુબાની, કેટલાક આરોપીઓના કબૂલાતનામા અને બળી ગયેલા કોચ તથા આસપાસના
વિસ્તારોની ફોરેન્સિક તપાસ પર આધારિત છે. તેમણે કહ્યું કે પ્રોસિક્યુશનનો કેસ
માત્ર આ કબૂલાતનામાઓ પર નિર્ભર ન હતો, કારણ કે ફોરેન્સિક પુરાવા અને સ્વતંત્ર સાક્ષીઓ ટ્રાયલ કોર્ટ અને ગુજરાત
હાઈકોર્ટમાં સજા અપાવવા માટે પૂરતા હતા. રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે ફોરેન્સિક
તપાસમાં સામે આવ્યું છે કે આગ કેવી રીતે લાગી અને કાવતરું કેવી રીતે રચવામાં
આવ્યું હતું. મને આ વાતનો ગર્વ છે કે તપાસને પુરાવા અને સાક્ષીઓના આધારે જ આગળ
વધારવામાં આવી હતી.
ગુપ્તચર વિભાગ
તરફથી પણ મળ્યુ હતુ ઈનપુટ
રાકેશ અસ્થાનાના
જણાવ્યા અનુસાર, તે સમયે ગુપ્તચર વિભાગ તરફથી એ પ્રકારના ઈનપુટ મળ્યા હતા કે
અયોધ્યામાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે. આ માટે સાધુના વેશમાં આવી કમંડળમાં બોમ્બ
વિસ્ફોટ કરવાની યોજના હોવાની માહિતી મળી હતી. આ ઉપરાંત અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ
વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચાયુ હતુ, તેમણે એ પણ દાવો કર્યો હતો કે આવી
પ્રવૃત્તિઓમાં પાકિસ્તાની ISIની ભૂમિકા રહેતી
હતી અને આ જ ષડયંત્રના ભાગરૂપે કારસેવકોથી ભરેલી સાબરમતી એક્સપ્રેસની બોગીને નિશાન
બનાવવામાં આવી હતી.
https://x.com/ANI/status/2121475142492782857?s=20
આગ કેવી રીતે લાગી
હતી તે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો
રાકેશ અસ્થાનાએ સાબરમતી
એક્સપ્રેસમાં આગ કેવી રીતે લાગી હતી કે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી, તેમણે જણાવ્યુ
કે સવારે ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પરથી આગળ વધી ત્યારે એક સાથે ચાર ડબ્બામાં ચેન
પુલિંગ કરવામાં આવી હતી, જેના કારણે ટ્રેન અટકી ગઈ હતી, હવે જ્યારે ફરીથી ટ્રેન
શરૂ થઈ ત્યારે ફરીથી એકસાથે ચાર ડબ્બામાં ચેન પુલિંગ કરવામાં આવી હતી. ટ્રેન સિગ્નલ
વિસ્તાર પાસે અટકી હતી. જ્યાં અગાઉથી જ લોકોની ભીડ એકત્ર થયેલી હતી. કેટલાક છોકરાઓ
પેટ્રોલ લઈને પહેલેથી જ ત્યાં ઉભા હતા. કેટલાક છોકરાઓએ ધક્કો મારીને દરવાજો ખોલી
નાંખ્યો, અંદર જબરદસ્તીથી ઘુસ્યા અને બોગીમાં પેટ્રોલ રેડ્યુ. બહાર હાજર ભીડે અંદર
મશાલો ફેંકી. પથ્થરમારાના કારણે બારીના કાચ તૂટી જ ગયા હતા. 5 મિનિટની અંદર આખેઆખી
બોગીમાં આગ પ્રસરી ગઈ હતી. આ ઘટનામાં 59 લોકોના મોત થયા હતા, જેમાં 27 મહિલાઓ, 10
બાળકો અને 22 પુરુષો સામેલ હતા.
સોનિયા ગાંધીએ
પુસ્તકમાં રમખાણો વિશે ઉલ્લેખ કર્યો
સોનિયા ગાંધીએ
પોતાના પુસ્તકમાં પેજ 403 પર લખ્યું છે કે 2002નાં રમખાણો ત્યારે ભડક્યાં હતાં
જ્યારે સાબરમતી એક્સપ્રેસના 4 ડબ્બાઓમાં આગ લગાવવામાં આવી હતી, જેમાં 59 યાત્રાળુઓનાં મોત થયાં હતાં. આ
યાત્રાળુઓ અયોધ્યાથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા. તેમાં રામ મંદિરના સ્વયંસેવકો
સવાર હતા. તેમણે આગળ એ પણ લખ્યું છે કે આગ લાગવાનું કારણ હજુ પણ વિવાદિત છે,
પરંતુ ત્યારબાદ સમગ્ર રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ
હતી, જેના ભોગ મુખ્યત્વે મુસ્લિમો બન્યા હતા.