આવુ જોયુ ક્યાંય ! પરીક્ષા માટે ફ્લાઈટ્સ, શેરબજાર અને ઓફિસના સમયમાં ફેરફાર
દક્ષિણ કોરિયામાં 19 નવેમ્બરે યોજાનારી 'સુન્યુંગ' પરીક્ષા માટે દેશ થોભી ગયો, 5.5 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યનો ફેંસલો કરતી પરીક્ષા, ફ્લાઇટ્સ, શેરબજાર અને સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર. ચોરી રોકવા કડક સુરક્ષા વ્યવસ્થા.
આ વાત દક્ષિણ કોરિયાની છે, જ્યાં એક પરીક્ષા માટે સમગ્ર દેશમાં
ઉથલ-પાથલ મચાવી દેવામાં આવી છે. દક્ષિણ કોરિયામાં દર વર્ષે નવેમ્બર માસમાં આવો એક
દિવસ આવે જ છે. આખો દેશ વિદ્યાર્થીઓ માટે સમર્પિત થઈ જાય છે. આ દિવસ છે 'સુન્યુંગ'
(Suneung) એટલે કે ‘કોલેજ સ્કોલાસ્ટિક એબિલિટી ટેસ્ટ’ (CSAT)નો! આ માત્ર એક પરીક્ષા નથી, પરંતુ અહીંના
લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો ફેંસલો કરતો સૌથી મહત્ત્વનો દિવસ છે. આ વર્ષે 19 નવેમ્બરના રોજ યોજાનારી આ પરીક્ષા માટે દક્ષિણ કોરિયા
ફ્લાઇટ્સથી લઈને શેરબજાર સુધીના ટાઇમ ટેબલમાં મોટા ફેરફાર કરાયા છે. એટલું જ નહીં, આધુનિક ટેક્નોલોજીથી થતી ચોરી રોકવા અભૂતપૂર્વ સુરક્ષા
વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
સરકારે પરીક્ષા માટે દિનચર્યામાં ફેરફાર કર્યો
પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે સરકારે
કાર્યક્રમો અને દિનચર્યામાં ફેરફાર કરી નાંખ્યો છે. અંગ્રેજી લિસ્નિંગની પરીક્ષા
દરમિયાન વિમાનના ટેક ઓફ અને લેન્ડિંગ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ
નિર્ણયના કારણે 81 આંતરરાષ્ટ્રીય અને 49 સ્થાનિક ફ્લાઈટ્સના સમયમાં ફેરફાર કરવામાં
આવ્યો છે. જે વિમાનો પહેલેથી હવામાં હશે, તેમણે ઓછા અવાજ માટે 3 હજાર મીટરની ઉંચાઈ
જાળવવી પડશે, જો ઈમરજન્સી થાય તો જ લેન્ડિંગની છૂટ મળશે. વિદ્યાર્થીઓને ટ્રાફિક ન
નડે તે માટે કામકાજના સમયમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. સમયસર વિદ્યાર્થીઓ
પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે પરિવહનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી
છે. શેરબજાર કોરિયા એક્ચેન્જ પણ સવારે 9ને બદલે 10 વાગ્યે ખુલશે.
પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને ટોચની સંસ્થામાં પ્રવેશ મળી શકે
આ વર્ષે દક્ષિણ કોરિયામાં 5.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ
પરીક્ષા આપવાના છે, આ પરીક્ષા તેમના માટે માત્ર કોલેજમાં પ્રવેશ લેવા પૂરતી સિમીત
નથી, પરંતુ સામાજિક દરરજો પણ નક્કી કરે છે. સારા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને 'SKY' (સિઓલ નેશનલ યુનિવર્સિટી, કોરિયા યુનિવર્સિટી અને યોનસેઈ યુનિવર્સિટી)
જેવી ટોચની સંસ્થાઓમાં પ્રવેશ મળે છે. આ યુનિવર્સિટીમાંથી ભણ્યા બાદ Samsung, Hyundai અને LG જેવી મોટી કંપનીઓમાં નોકરી મળવાની શક્યતાઓ વધી
જાય છે.
ચોરી રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા
તાજેતરમાં દક્ષિણ કોરિયાની ટેક્સ એકાઉન્ટન્ટ પરીક્ષામાં એક
ટોપર વિદ્યાર્થીએ AI અને સ્માર્ટ
ગ્લાસિસ (કેમેરાવાળા ચશ્મા) ની મદદથી ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ
ઘટના બાદ સરકારે સુન્યુંગ પરીક્ષા માટે અત્યંત કડક નવા નિયમો લાગુ કર્યા છે, હાઈ-ટેક
ચોરી રોકવા માટે સરકારે છેલ્લી ઘડીએ નિયમો બદલ્યા છે. હવે વિદ્યાર્થીઓ પરીક્ષા
ખંડમાં માત્ર કાળી પેન્સિલ (Black
Pencil) જ લઈ જઈ શકશે. પરીક્ષા કેન્દ્રો પર ખાસ તાલીમ પામેલા અધિકારીઓ
વિદ્યાર્થીઓના ચશ્માની ઝીણવટભરી તપાસ કરશે, જેથી તેમાં છુપાયેલો કોઈ કેમેરા કે ડિસ્પ્લે પકડી શકાય. આ
ઉપરાંત કપડાંના બટનમાં છુપાયેલા માઇક્રો કેમેરાને રોકવા માટે બટન પર સ્ટીકર લગાવી
દેવાશે. જો કોઈ પણ
ઉમેદવાર ડિજિટલ ઉપકરણ કે AI ની મદદથી ચોરી
કરતો પકડાશે, તો તેના પર 10 વર્ષ સુધી આ પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાદવામાં
આવશે.