સ્વચ્છતાને લઈ સુપ્રીમ કોર્ટ નારાજ, સમૃદ્ધ દેશ પાસેથી સ્વચ્છતામાં આળસને લઈ ટકોર કરી
supreme-court-bmc-slams-on-cleanliness-program-visit-dumping-sites-to-check-waste-management
સુપ્રીમ કોર્ટે સ્વચ્છતાને લઈને ટિપ્પણી કરી છે કે ભારત એક
સમૃદ્ધ દેશ છે, પરંતુ સ્વચ્છતાના મુદ્દે આપણું પ્રદર્શન ખરાબ છે. ખરાબ સ્વચ્છતા અને ઘન કચરા વ્યવસ્થાપનની અસર
સમાજ અને દેશની છબી પર પડે છે. કોર્ટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ લાગુ ન થવા
અંગે ચિંતા વ્યક્ત કરી. જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટી અને જસ્ટિસ એન.વી. અંજરિયાની
બેન્ચે નગર નિગમોના પર્યાવરણીય નિયમોના પાલન સાથે સંબંધિત અપીલો પર સુનાવણી
દરમિયાન આ આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 લાગુ
કરવાની દેખરેખ માટેના પ્રારંભિક બે તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમાં કામ શરૂ
કરવું અને દેખરેખ માટે વહીવટી વ્યવસ્થા તૈયાર કરવાનો સમાવેશ થાય છે. સુપ્રીમ
કોર્ટે કલેક્ટરોને પોતાના વિસ્તારોમાં બલ્ક વેસ્ટ જનરેટર્સની ઓળખ કરવાનો નિર્દેશ
આપ્યો. તેમણે આ કામ સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને કરવું પડશે.
કોર્ટે કહ્યું કે
ખરાબ સ્વચ્છતા અને ઘન કચરા વ્યવસ્થાપનની અસર સમાજ અને દેશની છબી પર પડે છે. ભારત
અને ભારત બહાર સમાન અર્થવ્યવસ્થા ધરાવતા કેટલાક વિસ્તારોમાં સ્વચ્છતા અને સફાઈના
લક્ષ્યાંકો હાંસલ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટ મોનિટરિંગ કમિટી
(SCMC) દ્વારા દાખલ કરાયેલા તમામ અહેવાલોની સમીક્ષા કરી. કોર્ટે
કહ્યું કે રાજ્યનું દરેક અંગ પોતાની રીતે કામ કરી રહ્યું છે. બેન્ચે કહ્યું, “આ અંગોને જોડતા નાગરિકોએ સારા પરિણામો માટે એક લક્ષ્યની દિશામાં કામ કરવું
પડશે.” કોર્ટે કહ્યું કે બંધારણમાં સત્તાઓનું વિભાજન તેની મૂળભૂત રચનાનો એક ભાગ
છે. સંસદે એન્વાયર્નમેન્ટ (પ્રોટેક્શન) એક્ટ, 1986 બનાવ્યો છે.
કાર્યપાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026 બનાવ્યા છે.
બેન્ચે કહ્યું કે કાયદા અને નિયમો અસ્તિત્વમાં હોવા છતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 અને 2026નું પ્રદર્શન સંસદ દ્વારા નિર્ધારિત લક્ષ્ય કરતાં ઓછું છે. કોર્ટે કહ્યું કે તે પ્રદૂષણમુક્ત પર્યાવરણના સંવૈધાનિક અધિકારનું સંરક્ષક છે. તેથી તેણે SCMC મારફતે સ્થાનિક સંસ્થાઓને સતત નિર્દેશ આપવાની જવાબદારી ઉઠાવી છે. બેન્ચે કહ્યું, “SCMC મારફતે સુપ્રીમ કોર્ટનો આ પ્રયાસ પાંચમા પૈડા જેવો નથી, જે બાકીનાં ચાર પૈડાં ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય. અમારા અગાઉના આદેશોમાં જણાવ્યા મુજબ, હવે કરો અથવા ક્યારેય નહીં.”કોર્ટે કહ્યું કે SCMCના પ્રયાસો બાદમાં નિયમોમાં યોગદાન આપનારા તમામ પક્ષોના સ્વ-નિયમનમાં પરિવર્તિત થઈ જશે.બેન્ચે સમસ્યાની ગંભીરતા અને તેને દૂર કરવા માટે જરૂરી પ્રયાસોને સ્વીકાર્યા. કોર્ટે SCMC અને દેશભરના જિલ્લા કલેક્ટરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો. કોર્ટે કહ્યું કે કેટલાક રાજ્યોમાં જિલ્લા કલેક્ટરોએ આ નિયમોનો સંપૂર્ણ સાવચેતી અને કડકાઈથી અમલ કર્યો. બે-ત્રણ જિલ્લા કલેક્ટરોના આવા કાર્યનો કોર્ટને વ્યક્તિગત અનુભવ પણ છે. આ જ કારણસર કોર્ટે પોતાના લક્ષ્યો અને નિયમોનો અમલ કરાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટો પર ભરોસો રાખ્યો છે. બેન્ચે કહ્યું કે ચાલી રહેલા કામમાં નિષ્ફળતા પરિસ્થિતિને વધુ ખરાબ કરી દેશે અને પછી તેને સુધારવી શક્ય નહીં બને. કોર્ટે કહ્યું કે આ આદેશ જિલ્લા મેજિસ્ટ્રેટો માટે કોઈ પ્રેરણાદાયક સંદેશ નથી. તે સુપ્રીમ કોર્ટની તેમની પાસેથી રહેલી અપેક્ષાઓ અને તેમની ક્ષમતાની યાદ અપાવે છે. બેન્ચે જિલ્લા મેજિસ્ટ્રેટોને કહ્યું કે તેઓ સ્થાનિક જરૂરિયાતો અનુસાર નવી વ્યૂહરચના બનાવે. તેઓ મુખ્ય સચિવો અને SCMCને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026 અને કોર્ટના આદેશોનો અમલ કરવામાં મદદ કરે. સુપ્રીમ કોર્ટે 18 ઑગસ્ટે ઘન કચરાના વ્યવસ્થાપન અને નિકાલ માટે અનેક નિર્દેશો આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026ના ધોરણોને પૂર્ણ કરવા માટે માળખાગત સુવિધાઓ વધારવી જરૂરી છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે સમગ્ર સમાજમાં એવી વિચારસરણી
અફસોસજનક છે કે “મને કચરો પેદા કરવાનો અધિકાર છે, પરંતુ તેની અસરોને
રોકવાની અને કચરા વ્યવસ્થાપનમાં સહયોગ કરવાની જવાબદારી નથી.” ભોપાલ નગર નિગમે
નગરપાલિકા સંસ્થાના ઘન કચરાના સંચાલન સાથે જોડાયેલી જવાબદારીઓ અંગેની કાર્યવાહીનો
સુપ્રીમ કોર્ટમાં પડકાર કર્યો હતો.સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ
કોર્ટે બાદમાં આ મામલાનો વ્યાપ સમગ્ર દેશ સુધી વિસ્તારી દીધો. કોર્ટે SMW નિયમોના પાલનને લઈને લોકો અને સંસ્થાઓમાં રહેલી ખામીઓનો પણ ઉલ્લેખ કર્યો. SCMCની રચના સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશ પર કરવામાં આવી હતી. તેમાં કેન્દ્ર
સરકારના અનેક સચિવો અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના સચિવનો સમાવેશ થાય છે.