મહિલા કલેક્ટર સાથે જાતિય સત્તામણીના કેસ મુદ્દે મદ્રાસ હાઈકોર્ટની સરકાર સામે લાલ આંખ
તમિલનાડુમાં મહિલા કલેક્ટરે ધારાસભ્ય સામે કર્યા જાતિય સત્તામણીના આરોપ, સમયસર કાર્યવાહી ન કરવા બદલ મદ્રાસ હાઈકોર્ટે તતડાવી સરકારને, સરકારની નિષ્ક્રિયતા પર કોર્ટની નારાજગી, તાત્કાલિક તપાસ સમિતિ રચવાનો આદેશ કર્યો.
રાજકારણમાં અને વહીવટી તંત્રમાં હાલ એક ગંભીર મુદ્દે ખળભળાટ
મચી ગયો છે. કલ્લાકુરિચીના મહિલા કલેક્ટરે સત્તાધારી પક્ષ TVK ના ધારાસભ્ય અરૂલ વિગ્નેશ સામે જાતિય સત્તામણીના આરોપો
લગાવ્યા છે. આ ગંભીર આરોપો સામે સમયસર યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ મદ્રાસ
હાઈકોર્ટે તમિલનાડુ સરકારને આડે હાથ લીધી છે. મદ્રાસ હાઈકોર્ટે સરકારની
નિષ્ક્રિયતા પર આકરા સવાલ ઉઠાવ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરવાનો
પણ નિર્દેશ કર્યો છે.
શું છે સમગ્ર ઘટના ?
આશરે 3 મહિના પહેલાં TVK ધારાસભ્યે કલેક્ટરને અશ્લીલમેસેજ મોકલ્યા હતા અને તેમની તરફ અયોગ્ય ચેનચાળા કર્યા હતા.
ધારાસભ્ય પર એવો પણ આરોપ છે કે તેઓ નશાની હાલતમાં કલેક્ટરના સત્તાવાર નિવાસસ્થાને
ગયા હતા અને અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે DMK સાંસદ કનિમોઝીએ આ આક્ષેપો પર ચિંતા વ્યક્ત કરી. ત્યારબાદ 12 નવેમ્બરના રોજ DMK
અને AIADMK બંને વિપક્ષી દળોએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને
અલગ-અલગ ફરિયાદો સુપરત કરીને તપાસની માંગણી કરી હતી. જોકે, ધારાસભ્ય અરુલ વિગ્નેશે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને
રાજકીય ષડયંત્ર ગણાવીને ફગાવી દીધા છે તેમજ અયોગ્ય WhatsApp મેસેજ મોકલવાનો પણ ઇનકાર કર્યો છે.
હાઈકોર્ટે જોસેફ વિજયના નેતૃત્વની સરકારને ફટકાર લગાવી
કોર્ટે એ બાબતે પણ જવાબ માંગ્યો કે જ્યારે 31 જુલાઈના રોજ પ્રથમ વખત આ આક્ષેપો સરકારના ધ્યાન પર લાવવામાં
આવ્યા હતા, ત્યારે અસરકારક કાર્યવાહી
કેમ કરવામાં આવી નહીં ? સુનાવણી
દરમિયાન રાજ્યના પબ્લિક પ્રોસિક્યુટર આર. જ્હોન સત્યને કોર્ટમાં એક લેખિત નોટ રજૂ
કરીને જાણકારી આપી કે ફરિયાદના સંબંધમાં FIR નોંધવામાં આવી
છે. જોકે, સરકારના આ જવાબથી કોર્ટનો
અસંતોષ દૂર થયો નહોતો. જસ્ટિસ લક્ષ્મીનારાયણને આકરા શબ્દોમાં પૂછ્યું કે, આ મેસેજને કેમ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી? તમે આ અંગે શું કર્યું છે? શું મારે તમને
તે કરવાનું સૂચન કરવું પડશે? તમે જાતે કેમ ન
કરી શકો?
હાઈકોર્ટનો સરકાર પર
ધારાસભ્યને બચાવવાનો આરોપ
કલેક્ટરને કથિત રીતે અશ્લીલ મેસેજ મોકલવા અને અયોગ્ય
ચેનચાળા કરવા સંબંધિત અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ લક્ષ્મીનારાયણને સરકારની
નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે મહિનાઓ પહેલાં આ આક્ષેપો
અંગે જાણ કરવામાં આવી હોવા છતાં તંત્રએ કોઈને બચાવવાનો પ્રયાસ કર્યો છે કે શું અને
અત્યાર સુધી શું પગલાં લીધાં છે.
કોઈ પણ મહિલા હોય, તેની સુરક્ષા થવી જોઈએ: હાઈકોર્ટ
જજે એ પણ પૂછ્યું કે શું સરકારે ફરિયાદી મહિલા અધિકારી સાથે
વાત કરી છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતાં પગલાં લીધાં છે કે નહીં ? વહીવટી માળખામાં મહિલાનો હોદ્દો ગમે તે હોય, જાતીય સતામણી સામે સુરક્ષાની ખાતરી મળવી જ જોઈએ તે વાત પર
ભાર મૂકતા કોર્ટે કહ્યું કે, 'પછી તે ચીફ
સેક્રેટરી હોય કે સફાઈકર્મી, દરેક મહિલાને
જાતીય સતામણીથી બચાવવી જ જોઈએ.'
સોશિયલ મીડિયા પર ઓળખ છતી થવા મુદ્દે હાઈકોર્ટ નારાજ
વધુમાં સોશિયલ મીડિયા પર પીડિતાની ઓળખ છતી થવા પર પણ
હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે સરકારે એવી દલીલ કરી હતી કે સોશિયલ
મીડિયા પર ફરતા અહેવાલો તેમના કાબૂમાં હોતા નથી, સરકારની આ દલીલ પર કોર્ટે અસંતોષ
વ્યક્ત કર્યો હતો. કોર્ટે સરકારને સાયબર ક્રાઈમ હોવાનું અને તેનો ઉપયોગ કરવાની પણ
સલાહ આપી હતી.