સુપ્રીમ કોર્ટનો આદેશ, શનિવારે ફરીથી વિવાદિત સ્તંભ પર દીપ પ્રાગટ્ય થશે
તમિલનાડુના તિરુપારનકુંડ્રમ પહાડી પર કાર્તિકાઈ દીપમ દીવો પ્રગટાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે શનિવારે દીપથૂન સ્તંભ પર પરંપરાગત રીતે દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરના ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરી, મદ્રાસ હાઇકોર્ટના 2 નિવૃત્ત ન્યાયાધીશોને વહીવટ સોંપ્યો છે. મંદિર અને પહાડીની સુરક્ષા CRPFને સોંપાઈ છે. અગાઉના આદેશનું પાલન ન થતાં, સુપ્રીમ કોર્ટે તમિલનાડુના ઉચ્ચ અધિકારીઓને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી છે.
તમિલનાડુના તિરૂપારનકુંડ્રમ પહાડી વિસ્તારમાં કાર્તિકાઈ
દીપમ દીવો પ્રગટાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે
શનિવારે પરંપરાગત વિવાદિત દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે
જ કોર્ટે અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરના ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરી દીધું છે
અને મંદિરના વહીવટની જવાબદારી મદ્રાસ હાઇકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશોને સોંપી
છે. મંદિર અને તિરુપારનકુંડ્રમ પહાડીની સુરક્ષા CRPFને સોંપવાનો પણ
આદેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે
આ આદેશ આપ્યો હતો. કોર્ટે ચેતવણી આપી હતી કે બંધારણીય વ્યવસ્થામાં અરાજકતા ઊભી
કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે અગાઉ 24 નવેમ્બરે
વચગાળાના એક વખતના આદેશ તરીકે દીપથૂન પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાની મંજૂરી આપી
હતી. જોકે, આદેશ છતાં દીપથૂન સ્તંભને
બદલે ઉચી પિલ્લૈયાર મંદિર પાસે આવેલા દીપ મંડપમમાં જ દીવો પ્રગટાવવામાં આવ્યો હતો.
આ બાબતને ગંભીરતાથી લેતાં સુપ્રીમ કોર્ટે હવે શનિવારે દીપથૂન સ્તંભ પર પરંપરાગત
દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો છે. આ માટે ઉચી પિલ્લૈયાર મંડપમમાં પ્રગટાવવામાં
આવેલી જ્યોતનો ઉપયોગ કરવાનો રહેશે.
કોર્ટે અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરના ટ્રસ્ટી મંડળને
સસ્પેન્ડ કરી દીધું છે. મંદિરના વહીવટ માટે મદ્રાસ હાઇકોર્ટના બે નિવૃત્ત
ન્યાયાધીશો જસ્ટિસ એસ. વૈદ્યનાથન અને જસ્ટિસ વી. પાર્થિબનને રિસીવર તરીકે નિયુક્ત
કર્યા છે. આ ઉપરાંત મંદિર અને તિરુપારનકુંડ્રમ પહાડીની સુરક્ષાની જવાબદારી પણ
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(CRPF)ને સોંપવામાં
આવી છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે
કેતમિલનાડુના અધિકારીઓનું
વર્તન પ્રથમ દૃષ્ટિએ રાજ્યમાં વહીવટી અરાજકતાની સ્થિતિ દર્શાવે છે. સુપ્રીમ કોર્ટે કડક ચેતવણી આપી છે કે અમારા આદેશનું પાલન
કરવામાં નહીં આવે તો અમે ચૂપચાપ બેસી રહી શકીએ નહીં. અમારો આદેશ ચર્ચા માટેનું કોઈ
આમંત્રણ નથી. રાજ્ય, તેના અધિકારીઓ
અને ધાર્મિક સંસ્થાઓ તેનું પાલન કરવા માટે બાધ્ય છે, ન્યાયની પ્રક્રિયાને દૂષિત
કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં, પછી ભલે તે
કોઈપણ ઊંચા હોદ્દા પર બેઠેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોય.
સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના
પોતાના આદેશનું પાલન ન કરવા બદલ તમિલનાડુના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક (DGP), મદુરાઈના કલેક્ટર સહિત અન્ય અધિકારીઓને કન્ટેમ્પ્ટ નોટિસ
ફટકારી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે રાજ્યના વહીવટી અધિકારીઓએ તેમના રાજકીય
નેતાઓના આદેશ પર કામ કર્યું હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાય છે. બેન્ચે મુખ્ય સચિવને
વ્યક્તિગત રીતે હાજર રહેવા અને આ મામલે અધિકારીઓ વચ્ચે થયેલા ઈમેઇલ, ફોન કોલ્સ તથા મેસેજની વિગતો સાથે સોગંદનામું રજૂ કરવા આદેશ
આપ્યો છે. કોર્ટે કહ્યું, "કોર્ટના
આદેશોનું જાણીજોઈને પાલન ન કરવું, ખાસ કરીને
વહીવટી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી અવગણના, નજરઅંદાજ કરી
શકાય નહીં. તેની સામે કડક હાથે કાર્યવાહી કરવી પડશે." બેન્ચે વધુમાં કહ્યું
કે અધિકારીઓનું વર્તન રાજ્યમાં વહીવટી અરાજકતા હોવાનો સંકેત આપે છે. ન્યાયિક
પ્રક્રિયાને નબળી પાડવાના પ્રયાસો સહન કરવામાં આવશે નહીં તેવી ચેતવણી પણ કોર્ટે
આપી હતી.
1862 અને 1912માં પણ સ્તંભ પર દીવો પ્રગટાવવાનો પ્રયાસ થયો
હતો, તિરુપરંકુન્દ્રમ પહાડી પર દીપથૂન એટલે કે પથ્થરના સ્તંભ પર દીવો પ્રગટાવવાને
લઈને અરુળમિગુ સુબ્રમણિયા સ્વામી મંદિર અને સિકંદર બદૂશા દરગાહ વચ્ચે લાંબા સમયથી
વિવાદ છે. મંદિર પહાડીની નીચે આવેલું છે, જ્યારે દરગાહ અને દીપથૂન પહાડી પર આવેલા છે. હિંદુ સંગઠનો દીપથૂન પર કાર્તિકૈ દીપમ
પ્રગટાવવાની માંગ કરતા રહ્યા છે. જોકે, દરગાહ નજીક હોવાને કારણે આ માંગનો વિરોધ થતો રહ્યો છે. જૂના
અદાલતી રેકોર્ડ મુજબ, 1862 અને 1912માં પણ દીપથૂન પર દીવો પ્રગટાવવાનો પ્રયાસ થયો
હતો. બંને વખત અધિકારીઓએ તેની મંજૂરી આપી નહોતી. તિરુપરંકુન્દ્રમ
પહાડી પરનો વિવાદ માત્ર દીવો પ્રગટાવવાની જગ્યા પૂરતો મર્યાદિત નથી. તેની પાછળ
પહાડીની માલિકી અને ધાર્મિક અધિકારોનો જૂનો મામલો પણ છે.