UAE માં 23 વાહનો વચ્ચે ભયાનક અકસ્માતમાં 14ના મોત, 4 ભારતીયો સામેલ
રસ્તાના સમારકામ દરમિયાન અકસ્માત થયો હતો, 4 ભારતીયોમાં કેરળના એક પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. પરિવાર સાથે રજાઓ માણવા ગયેલા ગુજરાતી કિશોરનું પણ મોત થયુ. ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઈવરને પોલીસ કસ્ટડીમાં લેવાયો.
સંયુક્ત આરબ અમીરાતના ફુજેરાહ ખાતે શેખ ખલીફા બિન જાયદ રોડ
પર એક ભીષણ ગમખ્વાર અકસ્માત થયો હતો, ટ્રક સહિત 23 વાહનો વચ્ચે ભયાનક ટક્કર થઈ
હતી, જેમાં 14 નિર્દોષના મોત થયા છે, જ્યારે 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મૃતકોમાં ચાર ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યો
અને એક ગુજરાતી કિશોરનું મોત થયુ છે.
UAE ગૃહ મંત્રાલયે આપી માહિતી
UAE ના ગૃહ મંત્રાલયે સોશિયલ
મીડિયા પર માહિતી આપી હતી, ગૃહ મંત્રાલયે
જણાવ્યુ હતુ કે UAE ના 10
નાગરિકોના પણ મોત થયા છે અને 4 ભારતીયોનો સમાવેશ થાય છે. ઘાયલોમાં વિદેશી નાગરિકોનો
પણ સમાવેશ થાય છે, જેમાં 2 જોર્ડનના નાગરિકો, 7 ભારતીયો, બ્રાઝિલ અને પાકિસ્તાનના
2 નાગરિકો, ત્રણ ઈજિપ્તના નાગરિકો અને ઓમાનના 6 નાગરિકો સહિત યુએઈના 8 નાગરિકો
સામેલ છે. દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી
હતી અને ઘાયલોના કુશળક્ષેમ વિશે પૃચ્છા કરી હતી, ઉપરાંત તેમણે પીડિત પરિવારોને શક્ય
તમામ મદદની ખાતરી આપી હતી.
હાઈવેના સમારકામ દરમિયાન એક બાદ એક વાહનો વચ્ચે ટક્કર
અધિકારીઓની પ્રાથમિક તપાસ પ્રમાણે, હાઈવે પર સમારકામ ચાલી
રહ્યુ હતુ, જેના કારણે એક તરફની લેન બંધ હતી. આ દરમિયાન એક વાહન રસ્તાની નજીક
ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર ટકરાયુ હતુ. આ પ્રથમ ટક્કર બાદ પાછળથી આવી રહેલ અન્ય બે
શિપિંગ કન્ટેનર ભરેલા વિશાળ ટ્રકે નિયંત્રણ ગુમાવી દીધુ હતુ અને આગળ જઈ રહેલા અન્ય
વાહનોનો ફુરચો બોલાવી દીધો હતો અને બાદમાં મોટો ટ્રક પલટી મારી ગયો હતો. આ
અકસ્માતમાં જવાબદાર ટ્રક ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો છે અને તેને પોલીસ કસ્ટડીમાં
લેવામાં આવ્યો છે.
ભારતીય પરિવારો UAE માં રજા ગાળવા
ગયા હતા
કેરળના મલ્લપુરમ જિલ્લાના વતની એવા એક જ પરિવારના ત્રણ નિર્દોષ
સભ્યોના અકસ્માતમાં મોત થયા છે. જ્યારે ગુજરાતનો 13 વર્ષીય કિશોર આતિફ મન્સુર
પરિવાર સાથે રજાઓ ગાળવા UAE ગયો હતો,
અકસ્માત સમયે ભારતીય પરિવાર એરપોર્ટ જઈ રહ્યો હતો, ત્યારે જ નડ્યો ભયંકર અકસ્માત. આતિફના
માતા-પિતા અને બહેન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.