રશિયાએ 7 લાખ સૈનિકો ગુમાવ્યાના રિપોર્ટથી ખળભળાટ
છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યુ છે યુક્રેન-રશિયા યુદ્ધ, સામેથી હુમલો કરવાની નીતિ અપનાવી રહ્યુ છે રશિયા, જેમાં સૈનિકો સૌથી વધુ ગુમાવવાનો વારો, રશિયન સરકારી આંકડા પ્રમાણે 5 લાખ સૈનિકોના મોત, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 7 લાખ સૈનિકો ગુમાવ્યા
યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના 7
લાખ સૈનિકોના મોતનો ખુલાસો થયો છે. આ સંખ્યા રશિયન સરકારી રેકોર્ડમાં નોંધાયેલા
મૃત્યુઆંક કરતા લગભગ 2 લાખ વધુ છે. રશિયાની બહાર કામ કરી રહેલી મીડિયા સંસ્થાની
તપાસમાં આ વાત સામે આવી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સૈનિકોની ખોટ પૂરી
કરવા દર વર્ષે 4 લાખ સૈનિકોની ભરતી કરે છે. આ માટે નવા સૈનિકોને મોટી રકમ આપવાની
પણ ઓફર કરવામાં આવે છે.
રશિયાના સરકારી રેકોર્ડ પ્રમાણે સપ્ટેમ્બર સુધીમાં પાંચ લાખ
સૈનિકોના મોત થયાનો અહેવાલ છે. સરકારી આંકડામાં મોતની વિગતો મોડી નોંધાય છે,
મીડિયા કંપનીઓએ એવા સૈનિકોના આંકડા પણ નોંધ્યા છે જે ગુમ છે અથવા માર્યા ગયા
હોવાની આશંકા છે. નિષ્ણાંતોના મત પ્રમાણે રશિયા જેટલા સૈનિકોની ભરતી કરી રહ્યુ છે
તેનાથી વધુ સૈનિકો તે ગુમાવી રહ્યુ છે. સતત ભરતીના કારણે જ રશિયા સૈનિકોના ભારે
નુકસાન છતાં યુદ્ધ ચાલુ રાખી શક્યુ છે. તેનાથી યુદ્ધમાં સ્થિતિ સુધરવાની સંભાવના
ઓછી છે, આવનારા સમયમાં રશિયા પાસે હુમલા માટે પૂરતા પાયદળ સૈનિકોની અછત થઈ શકે છે.
યુક્રેને યુદ્ધમાં અત્યાર સુધી કેટલા સૈનિકો ગુમાવ્યા તેનો
સાચો આંકડો સામે આવ્યો નથી. એવુ માનવામાં આવે છે કે રશિયાને યુક્રેનની સરખામણીએ
ઘણી વધારે સૈનિકોની જાનહાનિ થઈ છે. તેનું એક કારણ એ છે કે યુદ્ધમાં આગળ વધીને
હુમલો કરનારી સેનાને સામાન્ય રીતે વધારે નુકસાન વેઠવું પડે છે. રશિયાએ પણ એવી
વ્યૂહરચનાઓ અપનાવી છે, જેમાં તેના
સૈનિકોના મૃત્યુની સંખ્યા વધી છે. સૈન્ય નિષ્ણાતો પણ તેને રશિયાની વધારે
જાનહાનિનું એક કારણ માને છે.