સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મૃત્યુદંડ પર રોકનો પ્રસ્તાવ પાસ, ભારતે કર્યો વિરોધ
ફાંસીની સજા પર રોકના સમર્થનમાં 133 દેશોનો મત. અમેરિકા, ભારત સહિતના દેશોએ વિરોધ કર્યો, ફ્રાન્સે કર્યુ સમર્થન. ભારતીય સચિવ ભાવિકા મંગલાનંદને કહ્યુ દરેક દેશનો પોતાનો કાયદો અને સજા નક્કી કરવાનો અધિકાર.
સમગ્ર વિશ્વમાં ફાંસીની સજા પર રોકની વિરૂદ્ધમાં સંયુક્ત
રાષ્ટ્રમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. 133 દેશોએ તેના સમર્થનમાં મત આપ્યો છે. જ્યારે
ભારત સહિત 33 દેશોએ વિરોધ કર્યો હતો. 16 દેશો મતદાનથી દૂર રહ્યા. ભારતે કહ્યુ કે
વિશ્વમાં મૃત્યુદંડ નાબૂદ કરવા માટે કોઈ સહમતિ નથી. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા
બાદ આપવામાં આવતી ફાંસીને સરકાર દ્વારા કરવામાં આવેલી હત્યા કહેવુ ખોટું છે.
ધીમે-ધીમે મૃત્યુદંડની સજા જ નાબૂદ કરવાની અપીલ કરાઈ હતી
આ પ્રસ્તાવ મેક્સિકોએ રજૂ કર્યો હતો. તેમાં તમામ દેશોને
ફાંસીની સજા પર રોક લગાવવા અને ધીમે ધીમે મૃત્યુદંડ નાબૂદ કરવાની અપીલ કરવામાં આવી
હતી. ભારત ઉપરાંત અમેરિકા, ચીન, પાકિસ્તાન, જાપાન, ઈરાન, સાઉદી અરેબિયાએ પણ તેનો
વિરોધ ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ ભાવિકા મંગલાનંદને હત્યાઓ
વિરૂદ્ધના પ્રસ્તાવને સમર્થન આપ્યુ, પરંતુ મૃત્યુદંડને યાતના ગણાવતા ભાગ સાથે
અસહમતિ વ્યક્ત કરી હતી.
દરેક દેશનો પોતાનો કાયદો અને સજા નક્કી કરવાનો અધિકાર
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનની પ્રથમ સચિવ ભાવિકા
મંગલાનંદને કહ્યુ કે વિશ્વના દેશો વચ્ચે મૃત્યુદંડ નાબૂદ કરવા અંગે કોઈ સહમતિ નથી.
દરેક દેશને પોતાનો કાયદો અને સજા નક્કી કરવાનો અધિકાર છે. તેમણે વધુમાં જણાવ્યુ કે
આંતરરાષ્ટ્રીય કાયદો કેટલીક શરતો સાથે મૃત્યુદંડ આપવાની મંજૂરી આપે છે. ભારતમાં
સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા બાદ જ ફાંસીની સજા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને
સરકાર દ્વારા હત્યા કહેવુ ખોટું છે. ભાવિકાએ એમ પણ ઉમેર્યુ કે કેટલાક લોકો પોતાની
ખાનગી વિચારસરણીને આંતરરાષ્ટ્રીય કાયદા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતે 2016, 2018 અને 2024માં પણ આવા પ્રસ્તાવોનો વિરોધ કર્યો હતો.
દરેક ગુનામાં મૃત્યુદંડ નથી હોતો, દુર્લભમાં દુર્લભ ગુનામાં
જ ફાંસીની સજા
ભારતમાં મૃત્યુદંડ એ કાયદાનો એક ભાગ છે, પરંતુ તે દરેક
ગુનામાં આપવામાં આવતો નથી. સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ તે માત્ર દુર્લભમાં દુર્લભ
કેસોમાં જ આપી શકાય છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યુ હતુ કે ફાંસી આપતા પહેલા
અનેક કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. જ્યાં સુધી તેનો ગુનો સાબિત ન થાય
ત્યાં સુધી આરોપીને નિર્દોષ માનવામાં આવે છે. નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડ
આપવામાં આવે ત્યારે ઉપલી અદાલત દ્વારા તેની પુષ્ટિ જરૂરી હોય છે. અદાલત સજા
ઘટાડવાના નિર્ણય પર પણ વિચાર કરે છે.
મૃત્યુદંડમાંથી કોને મુક્તિ તે અંગે પણ ઠરાવમાં ઉલ્લેખ
સંયુક્ત રાષ્ટ્રના ઠરાવમાં કહેવામાં આવ્યુ છે કે 18 વર્ષથી
ઓછી ઉંમરના ગુનેગારોને મૃત્યુદંડની સજા આપવી જોઈએ નહી. જો ગુનો કરતી વખતે કોઈ
વ્યક્તિની ઉંમર નક્કી ન થઈ શકે તેવા કિસ્સામાં પણ તેને ફાંસીની સજા ન આપવી જોઈએ.
ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, માનસિક અથવા બોદ્ધિક રીતે દિવ્યાંગ લોકો અને વૃદ્ધોને પણ
મૃત્યુદંડની સજામાંથી મુક્તિ આપવાની અપીલ કરવામાં આવી.
અમેરિકા પણ મૃત્યુદંડ પર રોક લગાવતા પ્રસ્તાવની વિરૂદ્ધમાં
અમેરિકાએ પણ મૃત્યુદંડ પર રોક લગાવતા પ્રસ્તાવ વિરૂદ્ધ મત
આપ્યો, અમેરિકન પ્રતિનિધિ યરીના ફેરેન્સેવિચે કહ્યુ કે મૃત્યુદંડ ચાલુ રાખવો કે
નહી તે નિર્ણય દરેક દેશની પોતાની લોકશાહી વ્યવસ્થા હેઠળ થવો જોઈએ. મૃત્યુદંડ આપતા
દેશોએ નિષ્પક્ષ સુનાવણી સુનિશ્ચિત કરવી જોઈએ, બીજી તરફ ફ્રાન્સે પ્રસ્તાવ પસાર થવા
પર તેનું સ્વાગત કર્યુ. સમગ્ર વિશ્વમાં મૃત્યુદંડ નાબૂદ કરવાની દિશામાં મહત્વપૂર્ણ
પગલુ ગણાવ્યુ.