ટ્રમ્પે ફરી આલાપ્યો ટેરિફનો રાગ, ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની તૈયારી
યુદ્ધમાં નિષ્ફળતા બાદ ફરી ટેરિફની તલવાર, ભારત સહિત 16 દેશો પર ટેરિફ લગાવવાની ટ્રમ્પની તૈયારી, વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસર થાય તેવી શક્યતા.
અમેરિકન પ્રમુખે સત્તા સંભાળ્યા બાદ તુરંત જ ટેરિફ ટેરિફ
રમવાનું શરૂ કરી દીધુ હતુ, ત્યારબાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધમાં પણ નિષ્ફળતા મળતા
હવે પાછા ટેરિફ તરફ વળ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારત અને ચીન
સહિત 16 મોટા વેપારી મિત્ર દેશ પર ટેરિફ લગાવવાના મૂડમાં છે. મિડ ટર્મ ચૂંટણીમાં
મોટો પરાજય મળ્યો છતાંય ટેરિફની તલવાર લટકાવીને વૈશ્વિક તંત્રને ડામાડોળ કરવાની
સ્થિતિ અંગે તૈયારી કરી લીધી હોય તેમ લાગે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવ મુજબ, ચીન પર
સૌથી વધુ 40% સુધી અને વિયેતનામ પર 35% સુધીનો ટેરિફ લાદવામાં આવી શકે છે. બાકીના દેશો પર 20% અથવા 25% સુધીના ટેરિફ લાદવાની યોજના છે. ભારત પણ આ યાદીમાં સામેલ છે, જોકે તેના પર લાગુ થનારા અલગ દરની માહિતી આપવામાં આવી નથી. અમેરિકાએ
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન અને ઉત્પાદન ક્ષમતાને લઈને
કરવામાં આવેલી તપાસ બાદ આ પગલું ભર્યું છે. અમેરિકી વહીવટીતંત્રનું કહેવું છે કે
કેટલાક દેશો જરૂરિયાત કરતાં વધુ માલનું ઉત્પાદન કરી રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેમનો હિસ્સો વધી રહ્યો
છે.
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને લઈને
વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશોએ ફેબ્રુઆરીમાં કરારની રૂપરેખા નક્કી કરી હતી, પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે લાદવામાં આવેલા
ટેરિફ રદ કર્યા બાદ વાટાઘાટો ફરીથી શરૂ કરવી પડી. ભારત ઈચ્છે છે કે તેના માલસામાન
પર અમેરિકન બજારમાં બાંગ્લાદેશ, વિયેતનામ અને
કંબોડિયા જેવા સ્પર્ધાત્મક દેશોની સરખામણીમાં ઓછો ટેરિફ લાદવામાં આવે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધો લાદતા
કાયદા પર રોક લગાવી હતી. આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર
100% સુધીનો ટેરિફ લાદી શકાય તેમ હતો. આ દેશોમાં ચીન, ભારત, સ્લોવાકિયા
ઉપરાંત હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થતો હતો. પ્રતિબંધ સાથે જોડાયેલા કાયદાનો
હેતુ રશિયાની આવકના રસ્તા બંધ કરવાનો હતો, જેથી યુક્રેન
વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ માટે તેને નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી પડે. ખાસ વાત એ
છે કે ટ્રમ્પે 9 ઓક્ટોબરે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ડીઝલ ખરીદવા
અંગેનો સોદો કર્યો હતો.