અમેરિકામાં એર ઈમરજન્સીમાં બે દિવસમાં 15 હજાર ફ્લાઈટ્સ રદ્દ
રાઉટરની ખામીના કારણે અમેરિકામાં એર ટ્રાફિક સિસ્ટમ થઈ ઠપ્પ, 2 દિવસમાં 15 હજારથી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ, અમેરિકાના પરિવહન મંત્રી સીન ડફીએ તાંબાના તાર બદલતી વખતે રાઉટરમાં આવેલી ખામી અંગે આપી માહિતી
અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સુધારો લાવવા માટે
તાંબાના તારને બદલવામાં આવી રહ્યા હતા, આ દરમિયાન રાઉટરમાં ખામી સર્જાઈ અને જેના
કારણે હજારો ફ્લાઈટ્સ રદ્દ કરવાની ફરજ પડી હતી. એર ટ્રાફિક કંટ્રોલની કમ્યુનિકેશન
સિસ્ટમ ખોટકાઈ ગઈ હતી. બે દિવસમાં 15 હજાર ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી અને તેનાથી
વધારે ફ્લાઈટ્સ મોડી પડી.
રાઉટર લગાવતા સમયે થઈ ગંભીર ખામી
અમેરિકાના પરિવહન મંત્રી સીન ડફીએ ઘટના અંગે સમગ્ર માહિતી
આપી હતી, તેમણે જણાવ્યુ હતુ કે આ ખામી રાઉટર લગાવતી વખતે સર્જાઈ હતી. સરકાર તપાસ
કરી રહી છે કે રાઉટર ખરાબ હતુ કે તેને લગાવવામાં ભૂલ થઈ હતી. અધિકારીઓએ હાલ સાયબર
હુમલા અંગે કોઈ પુષ્ટિ કરી નથી.
FAA પ્રમુખે જણાવ્યુ સુરક્ષાને
ધ્યાને રાખી ફ્લાઈટ સ્થગિત કરાવી
અમેરિકાના એવિએશન એજન્સી FAA ના પ્રમુખ
બ્રાયન બેડફોર્ડે જણાવ્યુ હતુ કે દેશના 22 એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાંથી 17 પર આ
પ્રકારની ખામી સર્જાઈ હતી. આ સેન્ટર હવામાં ઉડી રહેલા વિમાનો પર નજર રાખે છે અને
પાયલટના સંપર્કમાં રહે છે, રાઉટરમાં ખામી સર્જાતા તેમનું સંચાર વ્યવસ્થાતંત્ર
પ્રભાવિત થયુ હતુ. જો કે કોઈ પણ સેન્ટરનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી નહોતો ગયો, પરંતુ
સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે ફ્લાઈટ્સ રોકવાનો નિર્ણય લીધો હતો.
ફ્લાયઅવેરની માહિતી પ્રમાણે 15 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ્દ
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેર પ્રમાણે, અમેરિકામાં
અંદાજે 9200 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી અને 7500 ફ્લાઈટ્સ મોડી પડી હતી. તો બીજા
દિવસે પણ 6500 ફ્લાઈટસ રદ્દ કરવાની ફરજ પડી હતી, ત્રીજા દિવસે પણ 560 ફ્લાઈટ્સ
રદ્દ કરવી પડે તેવી સ્થિતિ હતી, આ સ્થિતિના કારણે લાખો મુસાફરો એરપોર્ટ પર જ અટવાઈ
પડ્યા હતા. એરલાઈન્સને પોતાના વિમાન, પાયલટ અને અન્ય કર્મચારીઓને અલગ-અલગ સ્થળોએ
પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી હતી.
FAA પ્રમુખે અસુવિધા માટે
મુસાફરોની માંગી માફી
FAA ના પ્રમુખ બ્રાયન બેડફોર્ડે
મુસાફરોને થયેલી મુશ્કેલી માટે માફી માંગી હતી, તેમણે જણાવ્યુ હતુ કે સિસ્ટમ ઠીક
કરવામાં આવી રહી છે અને આશા છે કે તે જલ્દી જ મોટા ભાગે સામાન્ય થઈ જાય. જોકે, ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યા પછી પણ એરલાઇન્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી
રહ્યો છે. ઘણા વિમાનો અને તેમના પાઇલટ્સ પોતાના નિર્ધારિત સ્થળે પહોંચી શક્યા નથી.
તેમને ફરીથી યોગ્ય સ્થળે પહોંચાડવામાં સમય લાગી રહ્યો છે, તેથી ફ્લાઇટ્સ મોડી થઈ રહી છે.
અમેરિકામાં જૂની એર ટ્રાફિક સિસ્ટમ બદલવાની માંગ તેજ
આ ઘટના બાદ
અમેરિકામાં જૂની એર ટ્રાફિક સિસ્ટમને બદલવાની માંગ તેજ બની છે. પરિવહન મંત્રી સીન
ડફીએ તેને સુધારવા માટે 50 અબજ ડૉલરની માંગ કરી છે. આ પહેલાં તેમણે 30 અબજ ડૉલરની
માંગ કરી હતી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે પણ આ કામ માટે 30.1 અબજ ડોલરની માગ કરી છે. ગયા વર્ષે અમેરિકી સંસદે
સિસ્ટમમાં સુધારો કરવા માટે 12.5 અબજ ડોલર મંજૂર કર્યા હતા. સંસદના નીચલા ગૃહના
સ્પીકર માઈક જૉનસને કહ્યું કે તેઓ આ વર્ષે સિસ્ટમમાં સુધારો કરવા માટે વધુ નાણાં
આપવાના પક્ષમાં છે.